કવર સ્ટોરી -વિજય વ્યાસ
આવતી કાલે ૩૦ જાન્યુઆરી છે.
ભારતના રાષ્ટ્રપતિ મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીની બરાબર ૭૫ વર્ષ પહેલાં આ જ દિવસે નાથુરામ વિનાયક ગોડસેએ હત્યા કરી હતી. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે સાંજે ગાંધીજી રોજ કરતાં દસ મિનિટ મોડા પ્રાર્થના કરવા નીકળ્યા હતા. રસ્તામાં ખાખી કપડાં પહેરેલો ગોડસે ભીડમાંથી રસ્તો કરતો ગાંધીજી સામે આવીને ઊભો રહ્યો. ગાંધીજીને નમસ્કાર કરીને તે નીચે નમ્યો.
ગાંધીજીનાં ભત્રીજી મનુબેને ગોડસે પર ગુસ્સે થઈને ગોડસેને બાજુ પર હટી જવા કહ્યું. ગોડસેએ ધક્કો મારીને મનુબેનને દૂર હડસેલી દીધાં અને પિસ્તોલ કાઢીને પોઈટ બ્લેન્ક રેન્જથી ત્રણ ગોળીઓ ગાંધીજીના શરીરમાં ધરબી દીધી હતી. ૭૯ વર્ષના ગાંધીજી ‘હે રામ’ બોલીને ઢળી પડ્યા ને ગુજરી ગયા.
ગાંધીજીની હત્યા સાથે ઈતિહાસનું એક ભવ્ય પ્રકરણ પૂરું થયું.
આ ગોઝારી ઘટનાને આવતી કાલે ૭૫ વર્ષ પૂરાં થવાનાં છે ત્યારે એક સવાલ થાય છે કે, ગાંધીજીની હત્યા જ ના થઈ હોત તો એ પછીના વરસોમાં ગાંધીજીએ શું કર્યું હોત ? ગાંધીજી જીવતા હોત એવું આઝાદ ભારત કેવું હોત?
આ સવાલ ઘણી વાર પુછાયો છે અને લોકોએ પોતાની વિચારધારા અનુસાર તેના જવાબ આપ્યા છે. એક વર્ગનું માનવું છે કે, ગાંધીજી જીવતા હોત તો સરકારની દરેક વાતમાં દખલ કરતા હોત ને ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરી કરીને સરકારને સરખી રીતે ચાલવા જ ના દેત.
ગાંધીજી પોતાની માન્યતાઓ વિશે સ્પષ્ટ હતા. આ માન્યતાઓનો અમલ ના થાય તો તેના માટે ઉપવાસનું શસ્ત્ર અજમાવીને પોતાનો જીવ જોખમમાં મૂકવાની હિંમત અને જીદ બંને તેમનામાં હતાં. આ તાકાતનો ઉપયોગ કરીને ગાંધીજી સરકારમા નહીં હોવા છતાં સરકારને પોતાનું ધાર્યું કરવાની ફરજ પાડતા હોત.
ગાંધીજી ભારતની વિદેશ નીતિથી માંડીને દેશમાં મુસ્લિમોની સ્થિતિ સુધીના મુદ્દે એ પોતાનું ધાર્યું કરાવતા હોત. આઝાદી વખતે ભારતે પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા આપવાના થતા હતા પણ પાકિસ્તાને કાશ્મીરમાં હુમલો કરતાં એ રકમ રોકી દેવાઈ ત્યારે ગાંધીજીએ ઈમોશનલ બ્લેકમેઈલિંગનો પરચો આપેલો જ. ગાંધીજીએ ઉપવાસ પર ઊતરીને ૫૫ કરોડ પાકિસ્તાનને આપવાની નહેરુ સરકારને ફરજ પાડી હોત. ગાંધીજીએ ઔદ્યોગિકીકરણથી માંડીને મોટા ડેમ બનાવવા સુધીના નિર્ણયોનો વિરોધ કરીને ઉપવાસ કર્યા હોત.
આ હાલત દરેક મોરચે હોત ને ગાંધીજીને સાચવવામાં જ સરકાર લાંબી થઈ ગઈ હોત.
બીજો વર્ગ માને છે કે, ગાંધીજી લાંબું જીવ્યા હોત તો દેશમાં નૈતિક મૂલ્યોનું અચાનક પતન થયું એ ના થયું હોત. આઝાદી પછી કૉંગ્રેસને સત્તા મળી કે તરત કૉંગ્રેસીઓ ભૂખ્યા ડાંસની જેમ તૂટી પડ્યા હતા. દરેક જગાએ બેફામ ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયેલો. ગાંધીજી તેને બિલકુલ રોકી શક્યા હોત એમ કહેવું અતિશયોક્તિભર્યું ગણાય પણ તેને નિયંત્રણમાં ચોક્કસ રાખી શક્યા હોત. ગાંધીજીનો લોકોમાં પ્રભાવ હતો ને લોકો તેમની વાત સાંભળતા તેથી ભ્રષ્ટાચાર કરનારા તેમનાથી ડરીને ભ્રષ્ટાચાર કરતા ડરતા હોત.
ગાંધીજી માનતા હતા કે, દેશને આઝાદી મળી પછી કૉંગ્રેસને વિખેરી નાંખવી જોઈએ. કૉંગ્રેસની સ્થાપના દેશને આઝાદી અપાવવા માટે થઈ હતી. એ ઉદ્દેશ પાર પડી ગયો છે ત્યારે કૉંગ્રેસને વિખેરી નાખવી જોઈએ. જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુલ કલામ આઝાદ સહિતના કૉંગ્રેસીઓએ આ વાત માની નહીં. કૉંગ્રેસનું એક રાજકીય પક્ષ તરીકે અસ્તિત્વ ટકાવી રાખ્યું.
ગાંધીજી જીવતા હોત તો કૉંગ્રેસને વિખેરી નાંખવા માટે ઉપવાસ પર ઉતર્યા હોત. ગાંધીજીનો પ્રભાવ જોતા તેમનું માન રાખવા માટે કૉંગ્રેસ વિખેરી નંખાઈ હોત એ પણ શક્ય છે. એ વખતની કૉંગ્રેસમાં પણ મોટા ભાગના ટોચના નેતા આઝાદીની લડતમાં પણ સત્તા માટે જ કૂદી પડેલા તેથી કૉંગ્રેસને વિખેરી નાંખીને તેમણે ફરી બીજો રાજકીય પક્ષ બનાવી જ નાંખ્યો હોત તેમાં બેમત નથી પણ કૉંગ્રેસનું અસ્તિત્વ મટી ગયું હોત એવું ચોક્કસ માની શકાય.
માનો કે કૉંગ્રેસ હોત તો પણ વંશવાદી પેઢી ના હોત. ગાંધીજીની હત્યા થઈ ત્યારે તેમની વય ૭૯ વર્ષ હતી. એ પછી એ કેટલું જીવ્યા હોત એ સવાલ છે પણ માનો કે, સો વર્ષના તો થયા જ હોત એવું માનીએ તો કૉંગ્રેસને એક પરિવારની પેઢી પણ ના બનવા દીધી હોત. ઈન્દિરા ૧૯૬૬માં વડા પ્રધાનપદે બેઠાં ને ૧૯૬૯માં તો કૉંગ્રેસ પર સંપૂર્ણ કબજો કરી લીધો. ગાંધીજી ૧૯૬૯માં જીવતા હોત તો આ સ્થિતિ ના જ થવા દીધી હોત.
ગાંધીજી જીવતા હોત તો શું થયું હોત એ અંગે તેમના હત્યારા નાથુરામ ગોડસેના ભક્તોના પણ અલગ વિચાર છે. ભારતમાં એક વર્ગ ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને પૂજનારો પણ છે. ગાંધીજીની હત્યા કરાઈ ત્યારે તેમની ઉંમર ૭૯ વર્ષની હતી. ૭૯ વર્ષના એક નિ:શસ્ત્ર વૃદ્ધને ગોળી મારીને હત્યા કરનાર હીરો કઈ રીતે ગણાય તેની એ લોકોને જ ખબર. સભ્ય સમાજમાં વૈચારિક મતભેદના કારણે કોઈની હત્યા કરી નાખો એ અક્ષમ્ય અપરાધ કહેવાય. આ રીતે હત્યા કરનારને માણસ જ ના ગણી શકાય ત્યારે આ નમૂના ગોડસેને હીરો માને છે.
કમનસીબે ગોડસેને હીરો માનનારો આ વર્ગ ધીરે ધીરે વધી રહ્યો છે, ગોડસેના ભક્તજનોની સંખ્યામાં ઉછાળો આવી ગયો છે. તેમને ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તેમાં કશું ખોટું લાગતું નથી. ગાંધીજીની હત્યા કરીને ગોડસેએ દેશ પર મોટો ઉપકાર કરી નાખ્યો એવો તેમનો મત છે.
આ વર્ગના મતે, ગાંધીજી વધારે જીવ્યા હોત તો ભારતમાં મુસ્લિમો ચડી બેઠા હોત. ગોડસેએ ગાંધીજીની હત્યા માટે જે કારણો આપ્યાં તેમાં કેન્દ્રસ્થાને ગાંધીજી વધારે જીવ્યા હોત તો શું થાત તેની જ વાત છે. કોર્ટમાં આપેલી લાંબી જુબાનીમાં ગોડસેએ કહેલું કે, ગાંધીજી જીવતા હશે તો દેશના રાજકારણ પર તેમનો પ્રભાવ રહેશે જ તેથી ગાંધીજીને રાજકીય તખ્તેથી દૂર કરવા જરૂરી છે કે જેથી ભારત એક રાષ્ટ્ર તરીકે પોતાનાં હિત શામાં છે તે જોઈ શકે.
ભાગલા સમયે પશ્ર્ચિમ અને પૂર્વ પાકિસ્તાનમાં નિર્દોષ હિંદુ અને શીખોની હત્યાઓ થઈ હતી. તેમના પરિવારો પર અમાનવીય અત્યાચારો ગુજારાયા હતા. ગાંધીજીએ આ હત્યા-અત્યાચારોનો કદી વિરોધ ના કર્યો પણ મુસ્લિમોની હત્યા બદલ ઉપવાસ પર ઊતરી જતા. આઝાદી પછી પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કરતા ભારતે પાકિસ્તાનને આપવાના ૫૫ કરોડ રૂપિયા રોકી દીધા હતા. ગાંધીજીની ઉપવાસના કારણે ભારત સરકારે નિર્ણય બદલવો પડ્યો.
ગોડસેને લાગેલું કે, આ ગાંધીજી જીવતા હશે તો આ બધું ચાલતું રહેશે. ભાગલા સમયે હજારો હિંદુ-શીખોની મુસ્લિમોએ હત્યા કરી એ પ્રકારની ઘટનાઓ બન્યા કરશે. ગાંધીજીના કારણે ભારત સરકાર કશું કરશે નહીં ને ધીરે ધીરે હિંદુઓ ખતમ થઈ જશે, આ દેશમાં મુસલમાનો રાજ કરતા હશે.
ગોડસેના સમર્થકો આ વાતોને સાચી માને છે ને એટલે જ ગોડસેના સમર્થક છે, તેને પૂજે છે.
ગાંધીજી જીવ્યા હોત તો ખરેખર હિંદુઓ સાફ થઈ ગયા હોત કે નહીં એ કહેવું મુશ્કેલ છે પણ ગાંધીજી જીવતા રહ્યા હોત તો શું એ વિચારીએ ત્યારે આ માન્યતાને પણ અવગણી ના શકાય.
આ માન્યતાઓ દરેકની પોતાની વિચારધારા પ્રમાણે છે પણ ગાંધીજીની વિચારધારાને ધ્યાનમાં રાખીને વિચારીએ તો લાગે કે, ગાંધીજી જીવતા રહ્યા હોત તો આ દેશમાં ઘણું હકારાત્મક પણ બન્યું હોત. ગાંધીજી ગામડાંને મજબૂત કરવામાં
માનતા હતા અને સ્વદેશીના આગ્રહી હતા. ભારતમાં આઝાદી પછી સ્વદેશીને સંપૂર્ણ રીતે અપનાવવાની જરૂર હતી પણ એ ના થયું. ગાંધીજી હોત તો એ શક્ય બન્યું હોત ને આર્થિક રીતે ભારત કદાચ વધુ મજબૂત હોત. ગામડાં તૂટી રહ્યાં છે એ સ્થિતિ ના હોત.
ગાંધીજીની હત્યાના કારણે ગાંધીવાદીઓ બેફામ બન્યા. ગાંધીજીના નામે ઉભી કરેલી સંસ્થાઓને તેમણે બાપીકી પેઢી બનાવીને ઘર ભર્યાં. ગાંધીજી હોત તો એવું ના થવા દીધું હોત. આ સંસ્થાઓનો ઉપયોગ ખરેખર લોકોનો ઉધ્ધાર કરવા માટે કર્યો હોત.
ગાંધીજીએ પોતાના સત્યાગ્રહની શરૂઆત બિહારના ચંપારણથી કરેલી. ગાંધીજીને દેશમાં ખરેખર કોની હાલત દયનીય છે તેની પાકી ખબર હતી. લોકો સાથે તેમનો સીધો સંપર્ક હતો. આ કારણે દેશના દાયકાઓ લગી પછાત રહી ગયેલા પ્રદેશોમાં ધૂણી ધખાવીને તેમણે કામ કર્યું હોત. યુપી કે બિહાર જેવા પ્રદેશો પછાત રહી ગયા એવું ના બન્યું હોત.
ગાંધીજી અસ્પૃશ્યતાના ઘોર વિરોધી હતા. તેમના કારણે દલિતોની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો પણ દલિતોને મળવું જોઈએ એ સન્માન ના મળ્યું. અત્યારે દલિતો અને આદિવાસીઓ મોટા પાયે ધર્માંતરણ કરે છે કેમ કે હિંદુ સમાજમાં તેમને કોઈ ગણકારતું નથી, હજુય અછૂત માને છે. ગાંધીજી જીવતા હોત સ્થિતિ અલગ હોત ને હિંદુ સમાજમાં એકતા વધી હોત.
ગાંધીજી સ્ત્રીઓને શિક્ષણ અને સ્ત્રી સશક્તિકરણના પાકા આગ્રહી હતા. અત્યારે સ્ત્રી સશક્તિકરણના નામે ટોચના નેતાઓના પરિવારોની મહિલાઓ કે પછી તેમને ખુશ રાખનારી સ્ત્રીઓને સત્તામાં ભાગીદાર બનાવાય છે. ગાંધીજી હોત તો સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારે હોત ને યોગ્ય ક્ષમતા ધરાવતી સ્ત્રીઓને વધારે તક મળતી હોત.
ગાંધીજીનાં કાર્યોનો વ્યાપ બહુ વિશાળ છે તેથી બીજા પણ ઘણા મોરચે એ હકારાત્મક યોગદાન આપી શક્યા હોત તેમાં બેમત નથી.