તમે શું બનશો? રિયલ મેન? કે યસ મેન?

પુરુષ

મેલ મેટર્સ – અંકિત દેસાઈ

રિયલ મેન અને યસ મેન વચ્ચે ઘણો ફરક છે અને જે રિયલ મેન છે, એ ક્યારેય યસ મેન નથી બનતો. રાધર તેનો સ્વભાવ જ તેને યસ મેન બનતાય અટકાવતો હોય છે, પરંતુ મોટા ભાગના પુરુષો એવા છે, જેમણે બાપડાઓએ જાણ્યે કે અજાણ્યે યસ મેન બની જવું પડતું હોય છે અથવા તેઓ યસ મેન બની જતા હોય છે! હવે કોઈને એમ થશે કે આ વળી શું નવી લપ માંડી? યસ મેન એટલે શું? યસ મેન એટલે શું જીહજૂરી કરનારો પુરુષ? કે બધી બાબતોએ રાજી રહેનારો પુરુષ?
તો કે ગૂગલ મહારાજ એમ કહે છે કે યસ મેન એટલે એવો પુરુષ, જે હંમેશાં પોતાનાથી બળવાન, પદવાન કે સામર્થ્યવાન હોય એવા બોસ કે સાહેબોની દરેક વાતે સંમત થતો હોય અથવા એમને સારું લગાડવાના આશયથી તેમને સારી કે સાચી સલાહ નથી આપતો એ. જોકે યસ મેનને કંઈ માત્ર ઑફિસ કે પ્રોફેશનલ ફ્રન્ટના સંદર્ભે જ નથી વ્યાખ્યાયિત કરાયો, યસ મેનને રાજકીય રીતે, સામાજિક રીતે કે પારિવારિક રીતે પણ ડિફાઈન કરાયા જ છે, પરંતુ આપણે અહીં આખી વાતને માત્ર વ્યાવસાયિક સંદર્ભમાં એટલે કે માત્ર પ્રોફેશનલ સંદર્ભમાં સમજીએ કે જ્યારે પુરુષ તરીકે તમારે યસ મેન બનવાની સ્થિતિનો સામનો કરવો પડે તો શું કરવું?
દરેક પુરુષને તેના પ્રોફેશનલ ફ્રન્ટ પર આ સમસ્યાનો સામનો કરવો જ પડતો હોય છે, કારણ કે મોટા ભાગના પુરુષો ક્યાં તો એક જુનિયર તરીકે, ટ્રેની તરીકે કે પછી બિગિનર તરીકે પોતાની કરિયર શરૂ કરતો હોય છે. એવા સમયે તે જ્યાં પણ કોઈ પણ પ્રકારનું કામ શરૂ કરે છે ત્યારે તેણે ત્યાંના સ્થાપિતો અથવા માલિકો સાથે કામ પાર પાડવાનું જ હોય છે. એવા સમયે વાતે વાતે કે પછી દરેક પ્રોજેક્ટ્સ વખતે કે પછી કોઈ નિર્ણય લેતી વખતે તેને સોંપાયેલા કામ ઉપરાંત તેની પાસે અભિપ્રાયો મગાતા રહેશે અથવા પછી એ સ્થાપિતો અથવા માલિકો દ્વારા લેવાયેલા નિર્ણયો કેવા વિઝનરી કે પછી માસ્ટરસ્ટ્રોક્સ હતા એ વિશેના સવાલો પુછાયા કરશે, કારણ કે જૂજને બાદ કરતાં આ જગતમાં સ્વપ્રશંસા સૌને પ્રિય હોય છે અને દરેક સ્થાપિત પોતાના જુનિયર્સ કે નવા માણસોની સામે વિશેષરૂપે પોતાના નિર્ણયોની સ્વપ્રશંસા કરતો હોય છે, જેથી તેને જોઈતી વાહવાહી
મળી રહે.
પરંતુ સામે પક્ષે એટલે જુનિયર્સ કે બિગિનર્સ પક્ષે આ બાબત અગ્નિપરીક્ષા એટલા માટે બની રહે છે કે એ જો કારણ વિના હા-એ-હા કરવા બેસી જશે તો આ બાબત તેની કારકિર્દીમાં તેને અત્યંત ખોટી રીતે જડી જશે, કારણ કે તે જ્યારે યસ મેન બની જાય છે અને માત્ર પોતાના બોસને કે સિનિયરને સારું લગાડવા અથવા પોતાને આવનારા સમયમાં મળનારા લાભને કેન્દ્રમાં રાખીને તે બોસને કે માલિકોને વહાલા થાવનો પ્રયત્ન કરશે તો વહેલા કે મોડા તે પોતાની જાણ બહાર એક જુદી જ લીગમાં રમતો થઈ જશે, જે લીગમાં કામ કે પરફોર્મન્સ નહીં, પરંતુ પોલિટિક્સનો દબદબો વધી જતો હોય છે અને પોલિટિક્સના દબદબામાં પછી આખી જિંદગી અથવા પોતાના પ્રોફેશનલ ફ્રન્ટ પર પુરુષે પોતાનું કદ જાળવી રાખવાના પ્રયત્નોમાં મચેલા રહેવું પડશે, જેને કારણે અંતત: એ પોતાના ક્ષેત્રમાં તેને જરૂરી હોય એવી સ્કિલ્સ પણ ડેવલપ નહીં કરી શકે, ન તો એ પોતાના કામમાં કોઈ ઈનોવેશન કરી શકશે કે નહીં એને કોઈ વર્ક સેટિસ્ફેક્શન થાય.
હવે કોઈને થશે કે ક્યાં યસ મેન હોવું અને ક્યાં પોલિટિક્સ અને ક્યાં વર્ક સેટિસ્ફેશન અને ક્યાં પરફોર્મન્સ, પરંતુ હમણાં ભલે આ આખી બાબત અત્યંત ગૂંચવણભરી કે અસ્પષ્ટ લાગતી હોય, પરંતુ એક પુરુષ જ્યારે તેના પ્રોફેશનલ ફ્રન્ટ પર યસ મેન બની જાય છે ત્યારે તે પોતે જ પોતાના શોષણની અથવા પોતાની પનોતીની કે પછી જાત જાતની ભાંજગડોની સ્ક્રિપ્ટ લખી નાખતો હોય છે. પુરુષ યસ મેન કયા કયા કિસ્સામાં થતો હોય છે અથવા તેને યસ મેન થવાની ફરજ પડાતી હોય છે કે પછી યસ મેન થવાના તેને ચોક્કસ શું શું ગેરલાભો છે એ વિશે વિગતે વાત કરીએ આવતા મંગળવારે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.