Homeઆમચી મુંબઈમુંબઇ મહાનગર પાલિકાની સભ્ય સંખ્યા કેટલી 236 કે 227?

મુંબઇ મહાનગર પાલિકાની સભ્ય સંખ્યા કેટલી 236 કે 227?

વોર્ડમાં કરવામાં આવેલા ફેરફારને પડકારતી અરજીની સુનાવણી હવે ૨૯મી નવેમ્બરે

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી માટે વોર્ડની સંખ્યા ૨૩૬ પરથી ફરી એક વાર ૨૨૭ કરવા માટે એકનાથ શિંદે-ભાજપ સરકારે લીધેલા નિર્ણય અને તેના અનુસંગે બહાર પાડવામાં આવેલો વટહુકમ અને ત્યાર બાદ કરવામાં આવેલા કાયદાના અમલીકરણને બોમ્બે હાઈ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. આ પ્રશ્ર્ને ન્યાયાધીશ રમેશ ધનુકા અને ન્યાયાધીશ કમલ ખાટાની ખંડપીઠ સમક્ષ હવે પછીની સુનાવણી ૨૯મી નવેમ્બરે થવાની છે. દરમિયાન ૨૫મી નવેમ્બર સુધી પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ હાઈ કોર્ટે મુંબઈ મહાપાલિકા અને રાજ્ય ચૂંટણી પંચને આપ્યો છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક રાજુ પેડણકરે વકીલ જોએલ કાર્લોસ મારફત આ અરજી કરી છે અને એમાં રાજ્ય ચૂંટણી પંચ, રાજ્યનો શહેરી વિકાસ વિભાગ અને મુંબઈ મહાપાલિકાને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. શિંદે સરકારે બહાર પાડેલો વટહુકમ અને કાયદાનું અમલીકરણ ગેરબંધારણીય ઠરાવીને તેને રદ કરવાં. આ અરજી પરની સુનાવણી બાકી છે ત્યાં સુધી વટહુકમ અને કાયદાની અમલબજાવણીને સ્ટે આપવો અને અગાઉના પૂર્ણ થયેલી વોર્ડની રચનાની પ્રક્રિયા પ્રમાણે તેમ જ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે ચૂંટણી લેવાનો આદેશ પંચને આપવો, એવી વિનંતી પણ અરજીમાં કરવામાં આવી હતી.
દરમિયાન પેડણેકરે વટહુકમ અને કાયદાની અમલીકરણને સુપ્રીમ કોર્ટમાં અરજી દ્વારા પડકાર આપ્યો હતો. આ વિષય પહેલાં જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને સુપ્રીમ કોર્ટે આ પ્રશ્ર્ને યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હોઇ રાજ્ય સરકારે કાયદામાં ફેરફાર કરીને અગાઉની સરકારના નિર્ણયને બદલાવ્યો, એવું પેડણેકરે અરજી મારફતે કોર્ટના ધ્યાનમાં લાવ્યું હતું. જોકે આ મામલે હાઈ કોર્ટ નિર્ણય આપી શકે છે, એવું કહીને સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટમાં જવાની સૂચના આપી હતી. આ માટે જ પેડણેકરે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જોકે હવે પછી આ બાબની સુનાવણી ૨૯મી નવેમ્બરે હાથ ધરવામાં આવશે, પણ એ પહેલાં ૨૫મી નવેમ્બર સુધી પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ હાઈ કોર્ટે મુંબઈ મહાપાલિકા અને રાજ્ય ચૂંટણી પંચને આપ્યો છે.
૨૦૨૧ના નવેમ્બરમાં મહાવિકાસ આઘાડી સરકારે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની સંખ્યા ૨૨૭થી વધારીને ૨૩૬ કરવાનો વટહુકમ બહાર પાડ્યો હતો. જોકે આ વર્ષના ઓગસ્ટમાં શિંદે સરકારે એક વટહુકમ બહાર પાડીને બેઠકની સંખ્યા ૨૨૭ કરી હતી.
અરજદારોએ કહ્યું હતું કે હાઈ કોર્ટે વોર્ડની સંખ્યા વધારવાનો વટહુકમ માન્ય રાખ્યો હતો. હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ૨૦૧૧ની વસતિગણતરીના આધારે આ બેઠક વધારાઇ છે. સુપ્રીમ કોર્ટે પણ આ વટહુકમ માન્ય રાખ્યો છે. માટે શિંદે સરકારે બહાર પાડેલો વટહુકમ ગેરકાયદે અને ગેરબંધારણીય છે.

 

RELATED ARTICLES

Most Popular