બીકેસી સ્ટેશન કેવું હશે?

આમચી મુંબઈ

બુલેટ ટ્રેન: મુંબઈથી અમદાવાદ બે કલાકમાં

* મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર ૫૦૮ કિલોમીટર.

*કલાકના ૩૨૦ કિલોમીટરની ઝડપથી મુંબઈથી અમદાવાદ બે કલાક લાગશે.

* સ્ટેશન: બીકેસી, થાણે, વિરાર, વાપી, વલસાડ, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ.

* પ્રોજેક્ટનો ખર્ચ: રૂપિયા ૧.૦૮ લાખ કરોડ.

* બીકેસીમાં છ પ્લૅટફૉર્મ રહેશે, ૧૬ કોચની બુલેટ ટ્રેન હશે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવાના તમામ અવરોધો ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે, જે પૈકી શુક્રવારે બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ)માં બુલેટ ટ્રેનના સ્ટેશન નિર્માણ અને ડિઝાઈનિંગ વગેરે કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, બુલેટ ટ્રેન સંબંધિત વિવિધ કામગીરી ઝડપી બની હોવાને કારણે આગામી વર્ષોમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું સાકાર થશે. હાઈ સ્પીડ બુલેટ ટ્રેન (કલાકના ૩૨૦ કિલોમીટરની ઝડપથી)ના પ્રવાસથી મુંબઈથી અમદાવાદ બે કલાકમાં પહોંચી શકાશે, એમ અધિકારીએ તાજેતરમાં દાવો કર્યો હતો.
મુંબઈમાં બીકેસીમાં બુલેટ ટ્રેનના સ્ટેશન નિર્માણ કાર્ય માટે ટેન્ડર બહાર પાડવાની સાથે મુંબઈ-મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામકાજ ઝડપી ચાલી રહ્યું છે, તેથી મૂળ યોજના પ્રમાણે કામકાજ ચાલુ રહ્યું તો નિર્ધારિત ડેડલાઈન પૂર્વે કામકાજ પૂરું થઈ શકે છે, એમ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈથી અમદાવાદ વચ્ચેનું ૫૦૮ કિલોમીટરનું અંતર છે, જેમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનાં વિવિધ સ્ટેશન પૈકી મુંબઈમાં બીકેસી, થાણે, વિરારમાં સ્ટેશન હશે. આ ઉપરાંત, ગુજરાતમાં વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ સ્ટેશન રહેશે. બુલેટ ટ્રેનના સ્ટેશન માટે બીકેસી ખાતે પેટ્રોલ પંપની જમીન હસ્તગત કરવામાં આવી છે. બીકેસીમાં સ્ટેશનના નિર્માણ કાર્યની સાથે ટેન્ડરમાં ૪૬૭ મીટરની લંબાઈના કટ એન્ડ કવર, ૬૬ મીટરના વેન્ટિલેશન શાફ્ટનો સમાવેશ થાય છે. આ શાફ્ટનો ઉપયોગ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ને બહાર કાઢવા માટે કરવામાં આવશે. બીકેસીમાં નિર્માણ થનારા બુલેટ ટ્રેનનું સ્ટેશન ત્રણ માળનું હશે. બુલેટ ટ્રેનના સ્ટેશનમાં એક માળ પર છ પ્લૅટફૉર્મ હશે અને દરેક પ્લૅટફૉર્મની લંબાઈ ૪૬૭ મીટરની હશે. અલબત્ત, ૧૬ કોચની બુલેટ ટ્રેન પ્લૅટફૉર્મ પર પાર્ક કરી શકાય એટલી પ્લૅટફૉર્મની પર્યાપ્ત લંબાઈ હશે. બીકેસીનું બુલેટ ટ્રેનના સ્ટેશનની મેટ્રો અને રોડ સાથે પણ કનેક્ટિવિટી પણ હશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશનના ત્રણ માળ હશે, જેમાં એક પર પ્લૅટફૉર્મ, કોનકોર્સ અને સર્વિસ ફ્લોર હશે. ગ્રાઉન્ડ ફ્લોરના લેવલથી પણ ૨૪ મીટર નીચે પ્લૅટફૉર્મ હશે. બુલેટ ટ્રેનના સ્ટેશન પરના પ્લૅટફૉર્મ અને કોનકોર્સ ખાતે પ્રવાસીઓની અવરજવર માટે પર્યાપ્ત જગ્યા હશે. આ ઉપરાંત, પ્રવાસીઓની સુરક્ષાની સાથે ટિકિટિંગ સિસ્ટમ, વેઈટિંગ એરિયા, બિઝનેસ ક્લાસ લોન્જ, નર્સરી, રેસ્ટરૂમ્સ, સ્મોકિંગ રૂમ્સ, ઈન્ફર્મેશન કિસોક્સની સાથે પબ્લિક ઈન્ફર્મેશન અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ, સીસીટીવી સર્વેલન્સની સુવિધા પણ હશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈમાં બીકેસીની સાથે થાણે અને વિરારમાં બુલેટ ટ્રેનના સ્ટેશનના નિર્માણની કામગીરી ચાલુ કરવામાં આવશે. મુંબઈ-મહારાષ્ટ્રમાં જમીન સંપાદન સંબંધિત વિવિધ કામગીરી અટકી પડી હોવાને કારણે મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના કોરાણે પડી હતી. જોકે, એકનાથ શિંદેની મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા પછી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત અવરોધો (જમીન સંપાદનથી લઈને અન્ય બાંધકામ સંબંધિત કામકાજ ચાલુ) દૂર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ગુરુવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાપાનના કાઉન્સલ જનરલને ખાતરી આપી હતી કે જાઈકા (જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી) દ્વારા ભંડોળ આપવામાં આવેલા માળખાકીય પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના કામકાજને ઝડપી બનાવાશે.
મુંબઈમાં ધીમી ગતિએ કામકાજ ચાલુ છે, પરંતુ ગુજરાતમાં ૯૮ ટકા જમીન સંપાદન થઈ ગયું છે. પહેલા તબક્કામાં બિલિમોરાથી સુરત (૫૦ કિલોમીટરના કોરિડોર)માં બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે, જે ૨૦૨૬માં દોડાવી શકાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.