ગુરુ રમાકાંત અચરેકર પણ જેને સચિન તેંડુલકર કરતા સારો બેટ્સમેન માનતા હતા તે વિનોદ કાંબલીનો આજે જન્મદિવસ છે. આજે તે ૫૧ વર્ષનો થયો. માસ્ટરબ્લાસ્ટર અને ગોડ ઓફ ક્રિકેટ તરીકે લોકોના હૃદયમાં રાજ કરતા સચિન જેટલો કે તેના કરતા વધારે ખતરનાક બેટ્સમેન ગણાતા કાંબલીને તેનું ગેરશિસ્ત નડી ગયું.
સચિન સાથે એક જ સ્કૂલમાં ભણતા અને ક્રિકેટ રમતા કાંબલીનો જન્મ મુંબઈના કાંજુરમાર્ગની ચાલમાં ખૂબ જ સાધારણ પરિવારમાં થયો હતો. તેંડુલકર સાથે વિદ્યાર્થીકાળમાં તે જે રીતે બેટિંગ કરતો તે જોઈ કોચ અચરેકરને તેના ખૂબ જ ઉજજવળ ભવિષ્યની ખાતરી હતી. જોકે તેઓ સાચા પણ પડ્યા.
કાંબલીને તેડુલકર કરતા થોડો મોડો મોકો મળ્યો, પણ ટીમ ઈન્ડિયા સાથે રમતા તેણે શરૂઆતના સાત મેચમાં જ ચાર શતક મારી દીધા હતા. ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનારો ભારતીય ખેલાડી સ્ટારડમ પચાવી ન શક્યો. તેના ગેરશિસ્ત બાદ તે લગભગ નવ વાર ટીમ ઈન્ડિયામાં અંદર-બહાર થયો, પરંતુ હવે તે બેટિંગ ફોર્મ પણ ગુમાવી ચૂક્યો હતો અને પોતાનો જાદુ બતાવી ન શક્યો. એક સમયે કાંબલીએ કામ માટે દરદર ભટકવાનો વારો આવ્યો હતો. પોતાની આ પડતી માટે તેણે સાથી ખેલાડીઓ, તે સમયના કેપ્ટન અને સિલેક્શન ટીમને જવાબદાર ઠેરવ્યા હતા, પરંતુ આવા રાજકારણનો ભોગ દરેક ખેલાડી બનતો જ હોય છે ત્યારે કાંબલી ફરી ઊભો ન થઈ શક્યો તે ભારતીય ક્રિકેટજગત માટે દુઃખની વાત છે. બાકી મિત્રની જેમ તે પણ ક્રિકેટજગતનો ચમકતો સિતારો સાબિત થયો હોત. ઠીક છે…એક રસ્તે ચાલતા બધા મુસાફરને મંઝિલ મળતી નથી કાંબલી…એન્જોય યોર ડે…હેપ્પી બર્થ ડે…