સંઘે તિરંગાને ના સ્વીકાર્યો તેમાં મોદી શું કરવા જવાબ આપે?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દેશની આઝાદીને આ ૧૫ ઑગસ્ટે ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યાં છે. દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના અવસરને ખાસ બનાવવા માટે મોદી સરકાર છેલ્લા એક વરસથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કાર્યક્રમો કરી રહી છે. આ કાર્યક્રમના ભાગરૂપે મોદી સરકારે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું છે. દેશના રાષ્ટ્રધ્વજને સન્માન આપવા માટે ૧૩ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ દરમિયાન દેશવાસીઓ પોતાનાં ઘરો પર રાષ્ટ્રધ્વજ તિરંગો લગાવવા સરકાર દ્વારા અપીલ કરાઈ છે. ભાજપ દ્વારા દેશભરમાં રાષ્ટ્રધ્વજ પણ વહેંચાઈ રહ્યા છે કે જેથી લોકો પોતાનાં ઘરો પર તિરંગો ફરકાવીને આઝાદીના પર્વને યાદગાર બનાવી શકે.
મોદી સરકારનો ઉદ્દેશ શુભ છે ને તેને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. દેશના સ્વાતંત્ર્ય પર્વ પર રાષ્ટ્રધ્વજ તરફ આખો દેશ સન્માન વ્યક્ત કરે ને ગર્વ અનુભવે તેની સામે કોઈને વાંધો ના હોવો જોઈએ પણ કમનસીબે આપણા વિપક્ષો એટલી ખેલદિલી નથી બતાવી શક્યા.
‘હર ઘર તિરંગા’ અભિયાનના સંદર્ભમાં બુધવારે ભાજપ દ્વારા નવી દિલ્હીમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોદી સરકારના ઘણા મંત્રી અને ભાજપના નેતા જોડાયા પણ એક પણ વિપક્ષી નેતા હાજર નહોતો રહ્યો. મોદી સરકારે શાસક અને વિપક્ષ બંને સાંસદોને બાઈક રેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ વિપક્ષના એક પણ નેતાએ હાજરી ન આપી. ભાજપે વિપક્ષી નેતાઓની ગેરહાજરી અંગે સવાલ પણ કરેલો કે, તિરંગો આખા દેશનો છે ત્યારે આ મુદ્દે રાજકારણ રમવું કેટલું યોગ્ય છે?
વિપક્ષોએ આ સવાલનો જવાબ આપવાનું તો મુનાસિબ માન્યું જ નથી પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનને ભાજપના પિતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડીને નવું તૂત ઊભું કરવા માંડ્યું છે. સંઘ તિરંગાનો વિરોધી હતો એ મુદ્દો ઉઠાવીને મોદી સરકાર પર પ્રહારો શરૂ કર્યા છે અને રાજકારણ રમવાનું શરૂ કરી દીધું છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેની શરૂઆત કરેલી ને હવે અસદુદ્દીન ઓવૈસી તેમાં જોડાઈ ગયા છે. રાહુલ ગાંધીએ ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવનારાઓને દેશદ્રોહી સંગઠનની પેદાશ ગણાવીને લખેલું કે, ઈતિહાસ સાક્ષી છે કે, ‘હર ઘર તિરંગો’ આભિયાન ચલાવનારા દેશદ્રોહી સંગઠનમાંથી આવેલા લોકો છે. આ લોકોએ ૫૨ વર્ષ સુધી તિરંગો નહોતો લહેરાવ્યો. આઝાદીની લડાઈથી આ લોકો કૉંગ્રેસના વિરોધી હતા પણ કૉંગ્રેસને રોકી શક્યા નથી અને આજે પણ નહીં રોકી શકે.
અસદુદ્દીન ઓવૈસીએ મોદીને સંઘના તિરંગા અંગેના વલણ અંગે સ્પષ્ટતા કરવા કહ્યું છે. ઓવૈસીનું કહેવું છે કે, સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરના ૧૭ જુલાઈ, ૧૯૪૭ના અંકમાં લખાયેલું કે, દેશના રાષ્ટ્રધ્વજનો રંગ ભગવો હોવો જોઈએ. ઓર્ગેનાઈઝરમાં એમ પણ કહેવાયેલું કે, રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ છે એ ખોટું છે. દેશના વડા પ્રધાન મોદી કહે છે કે, પોતાનાં મૂળિયાં સંઘમાં છે અને તેમાંથી તેમને પ્રેરણા મળે છે ત્યારે મોદી અને ભાજપે સ્પષ્ટતા કરવું જોઈએ કે, સંઘે જે કંઈ કહેલું એ સાચું છે કે ખોટું છે?
વિપક્ષના બીજા નેતાઓએ પણ આ વાતમા સૂર પુરાવ્યો છે ને સંઘના વલણ પર પ્રહારો શરૂ કર્યા છે. સંઘે દેશ આઝાદ થયો ત્યારે તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે નહોતો સ્વીકાર્યો એ વાત સો ટકા સાચી છે. દેશ આઝાદ થયો એ વખતે સંઘ તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવાની વિરુદ્ધ હતો. સંઘે દેશના બંધારણને પણ નહોતું સ્વીકાર્યું. સંઘની દલીલ એ હતી કે દેશના બંધારણમાં મનુસ્મૃતિનો ઉલ્લેખ જ નથી તેથી આ બંધારણ માન્ય નથી.
સંઘ દ્વારા તિરંગાનો વિરોધ કરવા પાછળનું લોજિક એ હતું કે સંઘને ભગવો રાષ્ટ્રધ્વજ જોઈતો હતો. સંઘના નેતાઓએ તિરંગાની વિરુદ્ધમાં બહું ઝેરી ભાષણો આપેલાં ને એવા એવા લેખ લખેલા કે જે આજે પ્રસિદ્ધ થાય તો લોકોને આંચકો લાગી જાય. આ વિરોધ બહું લાંબા સમય સુધી ચાલુ રહેલો. ગાંધીજીની હત્યા પછી સંઘ પર પ્રતિબંધ મૂકાયા પછી એ પ્રતિબંધ એ શરતે ઉઠેલો કે સંઘ દેશના બંધારણને વફાદાર રહેવાના શપથ લે અને તિરંગાને સ્વીકારે.
સંઘે નાકલીટી તાણીને લેખિતમાં એ ખાતરી આપેલી ને એ પછી તેના પરથી પ્રતિબંઘ ઉઠ્યો હતો. અલબત્ત એવા આક્ષેપો થતા રહ્યા છે કે, સંઘ નાગપુરમાં રેશિમબાગ ખાતેના તેના હેડક્વાર્ટરમાં કદી તિરંગો નથી લહેરાવ્યો. ૨૦૦૧માં ત્રણ યુવાનોએ સંઘના હેડક્વાર્ટરમાં ઘૂસીને તિરંગો ફરકાવવા કોશિશ કરી પછી સંઘે શરણાગતિ સ્વીકારી. ૨૦૦૨માં પ્રજાસત્તાક દિને સંઘે પહેલીવાર પોતાના હેડક્વાર્ટર પર તિરંગો ફરકાવેલો. એ વખતે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. વાજપેયી સરકારે સંઘને તિરંગો ફરકાવવાની ફરજ પાડેલી એવું કહેવાય છે.
રાહુલ ગાંધીની વાત એ રીતે સો ટકા સાચી છે કે, સંઘે ૫૫ વર્ષ સુધી તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે નહોતો સ્વીકાર્યો. ઓવૈસી પણ સાચા છે કે, સંઘને રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ માન્ય નહોતા ને માત્ર ભગવો જ જોઈતો. તથ્યની રીતે બંને સાચા છે પણ આ વાતને નરેન્દ્ર મોદી કે ભાજપ સાથે શું લેવાદેવા એ સવાલ મોટો છે.
સંઘ એક સંગઠન છે જ્યારે ભાજપ રાજકીય પક્ષ છે. ભાજપ સંઘના લોકોમાંથી જ બનેલો રાજકીય પક્ષ હોય તો પણ બંનેના તમામ વિચારો સરખા હોય એ જરૂરી નથી. સંઘે ભલે તિરંગાને વરસો લગી રાષ્ટ્રધ્વજ તરીકે ના સ્વીકાર્યો પણ ભાજપે ક્યારેય તિરંગો રાષ્ટ્રધ્વજ તરીકે માન્ય નથી એવું કહ્યું નથી. તો પછી ભાજપ શું કરવા કોઈ ખુલાસો કરે કે જવાબ આપે? સંઘે જે વલણ લીધું તેના માટે સંઘનો જવાબ માગવો જોઈએ ને સંઘે જવાબ આપવો જોઈએ, ભાજપ પાસે કોઈને જવાબ માંગવાનો હક નથી ને ભાજપે જવાબ આપવાની જરૂર પણ નથી. સંઘ પણ ૨૦૦૨થી પોતાના હેડક્વાર્ટર પર તિરંગો લગાવતો થઈ ગયો પછી ભૂતકાળમાં શું કર્યું તેનાં મડદાં બહાર કાઢીને ચૂંથવાની શું જરૂર?
મોદી તો તિરંગાને રાષ્ટ્રધ્વજ સ્વીકારી જ ચૂક્યા છે. રાષ્ટ્રધ્વજનું ગૌરવ વધે એ માટે તો તેમણે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરાવ્યું છે. તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવાના મુદ્દે આનાથી મોટો બીજો પુરાવો શું જોઈએ?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.