ગુરુ કેવા હોવા જોઇએ?

ઇન્ટરવલ

કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

આજે અષાઢ સુદ પૂનમ ને ગુરુપૂર્ણિમાનો શુભ દિવસ છે. આજના માહિતી યુગમાં સાચા ગુરુ કેવા હોવા જોઇએ તેની સમજણ જૂની-નવી પેઢીએ કેળવવી જોઇએ

ભારતમાં પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ગુરુકુળમાં જતા તે સમયે ગુરુ-શિષ્ય પરંપરા પાંગરી હતી. વિદ્યાર્થીઓ પાંચથી પચીસ વર્ષ સુધીના બ્રહ્મચર્યાશ્રમ દરમ્યાન ગુરુકુળમાં રહીને જ અનેક પ્રકારની વિદ્યાઓ શીખતા હતા. તે સમયે લોકો માત્ર કારકિર્દીલક્ષી જ નહીં, જીવનનું ઘડતર કરતી અનેક વિદ્યાઓ પણ શીખતા. એ વખતે ગુરુ જ એમના ભગવાન, એમનાં માબાપ અને એમના શિક્ષક બની રહેતા.
શરીર અને મનથી લઇને આત્માના કલ્યાણની વાતો શીખવતા એ વખતના ગુરુઓની વાત જ ન્યારી હતી, જ્યારે આજે પરિસ્થિતિ અલગ છે. આજે શાળાઓમાં અલગ અલગ વિષય શીખવતા અલગ અલગ ગુરુઓ હોય છે, જે માહિતી કે કારકિર્દીલક્ષી જ્ઞાન પીરસે છે. જો કોઇને જીવનની કે આત્મા-પરમાત્માને લગતી આધ્યાત્મિક વાતો શીખવી કે અનુભવવી હોય તો તેના માટે અલગ ગુરુ હોય છે. આજે જો કોઇ વ્યક્તિને કોઇ ગુરુના માર્ગદર્શન પ્રમાણે પોતાની કારકિર્દી કે જીવનની અન્ય ભૌતિક બાબતમાં સફળતા મળી જાય કે પછી તેમના સાંનિધ્યમાં બેસવાથી ક્ષણભર પણ સુખશાંતિનો અનુભવ થાય તો માણસ તેમને પોતાનો ગુરુ બનાવી લે છે. આજના ટેન્શન યુગમાં આવા ગુરુજીઓ તેમને દીવાદાંડી સમાન લાગે છે.
આજે સામાન્ય માણસથી લઇને અનેક મહાનુભાવો પોતાના માનેલા ગુરુનાં દર્શન કરવા જશે. પૂજા-અર્ચન કરશે. તેમને યથાશક્તિ ગુરુદક્ષિણા પણ આપશે અને ભોતિક હાડમારીભર્યા જીવનથી થોડો વખત છૂટા પડી જઇ કોઇ આધ્યાત્મિક કાર્ય કર્યાનો સંતોષ પણ અનુભવશે.
દેશભરમાં અનેક ગુરુઓના આશ્રમો કે તેમનાં નિવાસસ્થાનો આજે ભક્તોથી ભરચક રહેશે ત્યારે ભારતમાં એક ગુરુ સ્વામી સચ્ચિદાનંદ ગુરુપૂર્ણિમાની ઉજવણીથી સો ગાઉ દૂર રહે છે. આજે ૯૧ વર્ષની ઉંમરે પણ બહોળો શિષ્યવર્ગ ધરાવે છે, પણ ખુદ વ્યક્તિપૂજામાં માનતા નથી.
તેમના મત પ્રમાણે ગુરુ પરંપરાની ચાર કક્ષાઓ છે: આચાર્ય (ઋષિ), શ્રમણ કાળનો સાધુ, આદર્શ વ્યક્તિ (શિવાજી અને સ્વામી રામદાસ) અને ગાદી પરંપરાવાળો ગુરુ. આ ચોથી પરંપરાની વ્યવસ્થા સાથે હું સમંત નથી. એમાં જ્ઞાન નથી. જ્ઞાન માટે કોઇ દીક્ષા લેતું નથી. દીક્ષા આપનાર પોતાને પણ જ્ઞાન હોતું નથી. તેઓ કહે છે કે મારા ત્રણ ગુરુઓ છે વાચન, ભ્રમણ અને નિરીક્ષણ. જેટલું વાંચશો એટલો તમારા મસ્તકની અંદર પ્રકાશ થતો જશે. જોકે, એકલું વાચન પણ પર્યાપ્ત નથી, ભ્રમણ કરો. ભ્રમણ કરવાથી દુનિયાદારીનું ભાન થાય છે. ચીન તો આપણા પછીનો દેશ છે, પણ ક્યાંય ગંદકી નહીં. યુરોપને ટક્કર મારે એવી ચોખ્ખાઇ. ભારતમાં પણ ભ્રમણ છે, પરંતુ યાત્રાના રૂપમાં છે. યાત્રામાં શ્રદ્ધા મહત્ત્વની છે, જ્યારે પ્રવાસમાં જિજ્ઞાસા મહત્ત્વની છે. ત્રીજો ગુરુ છે નિરીક્ષણ. ઘણું વાંચો, ઘણું ભ્રમણ કરો, પરંતુ તમારી પાસે નિરીક્ષણ શક્તિ નહીં હોય તો બધું ધૂળ બરાબર છે.
ગુરુ દત્તાત્રયે ૨૪ ગુરુઓની સમજણ આપી છે તે જીવનમાં ઉતારવા જેવી છે. કુદરતમાં વિહરતાં અનેક નિ:સ્વાર્થ તત્ત્વો જેમાંથી કશુંક શીખવા મળે તેમને ગુરુ માની તેમના ગુણો જીવનમાં ઉતારો. ગુરુ દત્તાત્રયે પૃથ્વી, પાણી, હવા, અગ્નિ, આકાશ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, હરણ, માછલી, નૃત્યાંગના, કાગડો, બાળક, સર્પ જેવા ચોવીસ ગુરુ બનાવ્યા હતા. આ દરેકની પાસેથી તેમણે તેમના ગુણો ગ્રહણ કર્યા. પૃથ્વી પાસેથી સહનશક્તિનો ગુણ શીખ્યા. ગમે તેટલું અનિષ્ટ તેની પર ફેંકીએ તો પણ ગુસ્સો સહન કર્યા વગર માનવોપયોગી ઉત્તમ ઉત્પાદનો આપણને આપે છે. પાણી પવિત્રતાનું પ્રતીક છે. ગમે તેવી ગંદકીને સાફ કરી નાખે છે. આકાશ પાસેથી સર્વવ્યાપકતા અને નિર્લેપતાનો ભાવ શીખવા મળે છે. વાયુ પાસેથી વૈરાગ્ય અને ક્ષમાના ગુણ શીખવા મળે છે. પ્રાણવાયુના રૂપમાં જીવનદાતા છે. અગ્નિ પાસેથી તપશ્ર્ચર્યા અને પ્રદીપ્તતાનો ગુણ શીખવા મળે છે. ચંદ્ર પાસેથી એ શીખવા મળે છે કે વૃદ્ધિ કે ક્ષયની કોઇ પણ સ્થિતિમાં એકસરખી શીતળતા રાખવી. સૂર્ય પાસેથી નિયમિતતા શીખવા મળે છે. તે કોઇની પ્રત્યે રાગદ્વેષ રાખ્યા વગર એકસરખો વ્યવહાર કરે છે. પતંગિયું ત્યાગ અને સમર્પણની ભાવના શીખવે છે. સમુદ્ર ભરતી-ઓટ સહુને સમાન ગણે છે. મધમાખી જેમ દરેક ફૂલમાંથી થોડું થોડું મધ એકઠું કરે છે તેમ સાધુએ એક જ જગ્યાએથી બધું જ ભોજન ન લેતાં દરેક જગ્યાએથી થોડું થોડું ગ્રહણ કરવું જોઇએ. નૃત્યાંગના-ગણિકા પાસેથી એ શીખવા મળે છે કે દ્રવ્ય લોભ માટે ઇજ્જત ગુમાવવી નહીં. માછલીથી એ શીખ્યા કે લોલુપ્ત વાસનામાં ફસાવું જોઇએ નહીં.
જેમ દત્તાત્રેય ભગવાન પોતાની આસપાસની પ્રકૃતિમાંથી ઘણું શીખ્યા એમ આપણી નવી પેઢીએ પણ આસપાસની અનેક ચીજો પાસેથી શીખવું જોઇએ. આજની પેઢીની આસપાસ અનેક ડિજિટલ માયાજાળ પથરાયેલી પડી છે. કોમ્પ્યુટરથી લઇ સ્માર્ટ ફોનનો તે અગર ખૂબીપૂર્વક ઉપયોગ કરે તો આ સાધનો સાચા અર્થમાં ગુરુ પુરવાર થાય છે. ઇન્ટરનેટનો શિસ્તબદ્ધ ઉપયોગ તેમના જ્ઞાનમાં વધારો કરી શકે છે. આજે તો ગૂગલને જ લોકો ગુરુ માને છે. જોકે ડિજિટલ ગુરુ અને ફિઝિકલ ગુરુ વચ્ચે એક મોટો તફાવત છે. ફિઝિકલ ગુરુ વિદ્યાર્થીના ગુણ-અવગુણ, તેની પ્રકૃતિ, તેના સ્વભાવ, તેની પસંદગી અને તેની આવડતને જોઇ-ચકાસી શકે છે અને તે પ્રમાણે પોતાના વિદ્યાર્થીને ઘડે છે. તેમનામાં શિસ્ત, વિવેક અને સંસ્કારોનું ઘડતર કરી શકે છે. જ્યારે ડિજિટલ ગુરુ ભલે ગુરુ કહેવાય, પણ તે આભાસી ગુરુ હોય છે. તે તેના ઉપયોગ કે ઉપભોગ કરનારને ઓળખી-પિછાણી શકતો નથી. ડિજિટલ માધ્યમો વાપરનાર પર તેનો કોઇ અંકુશ હોતો નથી. ઊલટાનું તેનો રિમોટ કંટ્રોલ વપરાશકર્તાના હાથમાં હોય છે. ડિજિટલ માધ્યમો પાસેથી માહિતી મળી શકે, પરંતુ જીવન જીવવા માટે જરૂરી જ્ઞાન કે સંસ્કાર તો કોઇ જીવંત ગુરુ જ આપી શકે. શિસ્ત અને વિેવેકબુદ્ધિ તો કોઇ ફિઝિકલ ગુરુ જ સદેહે આપી શકે.
તમારા બાળકને ડિજિટલ સાધનો આપશો તો એ અનેક માહિતીનો દરિયો તો ખંખોળી શકશે, પણ જરૂર છે એવા ગુરુની કે જે તમારા બાળકના અંતરમાં ડોકિયું કરીને તેનામાં છુપાયેલી પ્રતિભાને બહાર આણી શકે. આજના સમયમાં જ્યાં ચારેબાજુથી માહિતીનો ધોધ વહેતો હોય, ડિજિટલ માધ્યમોનું ચલણ વધતું જતું હોય ત્યારે માબાપ અને શિક્ષકોએ વધારે સજાગ બનીને નવી પેઢીનું માર્ગદર્શન કરવું જરૂરી છે. ડિજિટલ જેવાં આભાસી માધ્યમોમાં સપડાઇ રહેલી નવી પેઢીને તેમાંથી બહાર કાઢી, યોગ્ય માર્ગદર્શન આપી શકે તેવા સત્યનિષ્ઠ ગુરુની આજે સૌથી વધુ જરૂર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.