સામાન્ય અને સારા માણસો કઈ રીતે સર્વાઈવ કરી જાય છે?

ઇન્ટરવલ

ઉમેદ એક એવું શસ્ત્ર છે, જેના થકી આપણું વર્તમાન સુધરે છે અથવા તો ઇઝી લાગે છે, કેમ કે આપણે માનીએ છીએ કે આવતી કાલ સારી હશે. તે વધુ સારી કાલની આશામાં આપણું આજનું કષ્ટ ને દુ:ખ ઓછું થાય છે

આનન-ફાનન -પાર્થ દવે

વ્યવહારુપણા અને દંભ અને દુનિયાદારીના આ જમાનામાં પહેલાં તો એ માનવા કોઈ તૈયાર જ નથી થતું કે સારપ ધરાવતા માણસો પણ અહીં જીવે છે. જેઓ નથી કોઈ સાથે બહસ કરતા, નથી ઑફલાઇન ઝઘડતા કે નથી ઓનલાઇન માથાકૂટ કરતા. તેઓ તકરાર નથી કરતા. તેમને બસ, પ્યાર કરતાં આવડે છે. સંબંધો નિભાવતાં આવડે છે. તેઓ જ્યાં જશે ત્યાં પોઝિટિવિટીનાં પુષ્પો વહેંચશે, ખુશનુમા ખુશ્બૂ ફેલાવશે.
એવુંય નથી કે તેઓ સાધન-સંપન્ન છે. તેઓ મહેલમાં કે મોંઘાદાટ ઘરમાં રહે છે. સીધી લીટીનો માણસ પૈસેટકે સુખી હોય એ જરૂરી નથી. દરેક વ્યક્તિ ઘરના ને કુટુંબીજનના પ્રશ્ર્નોનો આક્રોશ બહાર કાઢતી નથી ફરતી. દરેક વ્યક્તિ નોકરી કે ધંધાના ટેન્શનને બીજા લોકોમાં ડાઇવર્ટ નથી કરતી. એવરેજ મધ્યમવર્ગીય માણસ સમાચાર જુએ છે, છાપાં વાંચે છે, ઇન્ટરનેટ સસ્તું થતાં સોશિયલ મીડિયા જુએ છે અને તેના દ્વારા ઉત્પન્ન થયેલાં તમામ ઇચ્છાઓ, આકાંક્ષાઓ, સપનાંઓને મનમાં ધરબીને, રાતના સૂઈ જાય છે.
તે માણસ સમજી ચૂક્યો હોય છે કે આ આપણા બસની વાત નથી. તે ચાદરની બહાર પગ કાઢવાની ભૂલ નથી કરતો. તે ફિલ્મ જોવા જાય ત્યારે ઘરેથી ડબ્બામાં ખારી સિંગ લઈ જાય છે, પોપકોર્ન નથી ખરીદતો. તેને મહિનાના હિસાબકિતાબ મોઢે છે. તેને દૂધથી કરીને ગેસના બાટલાના ભાવ મોઢે છે. ક્યાં કરિયાણું સસ્તું મળે અને કયો શાકભાજીવાળો ફ્રેશ માલ રાખે છે તે તેને ખબર છે. તેને છોકરાની નિશાળની, માની દવાની, પત્નીની ઈચ્છાઓની ખબર છે. આ બધા વચ્ચે કોઈ સાથે ડખા કરવાનો તેની પાસે સમય નથી, તેની ઈચ્છા નથી, તેની પહોંચ નથી.
આ બધા અસ્તવ્યસ્ત, પ્રોબ્લેમથી ગ્રસ્ત અને ત્રસ્ત માહોલમાં તે પોતાની જાતને કઈ રીતે ટકાવી શકે છે? તેનો જવાબ એક શબ્દમાં છે: એચ-ઓ-પી-ઈ. હોપ. આશા.
૧૯૯૪માં આવેલી અફલાતૂન ફિલ્મ ‘ધ શોશેન્ક રેડમ્પશન’માં એક વ્યક્તિને તેણે ગુનો નથી કર્યો તેવા કેસમાં વર્ષો સુધી કાળ કોઠરીમાં મૂકવામાં આવે છે. તેને સખત હેરાનપરેશાન કરવામાં આવે છે. એવી કોઈ તકલીફ, પીડા, સજા નહીં હોય જે તે નથી ભોગવતો, પણ તે વર્ષો બાદ, એક દિવસ બહાર આવે છે. તે બહાર આવે છે, કારણ કે તે ટકી જાય છે અને તે ટકી જાય છે, કારણ કે તેણે આશા નથી છોડી હોતી. તેને આશા હોય છે કે એક દિવસ હું
બહાર નીકળીશ. તેને પોતાની પ્રામાણિક જાત પર વિશ્ર્વાસ છે.
ઉમેદ એક એવું શસ્ત્ર છે જેના થકી આપણું વર્તમાન સુધરે છે અથવા તો ઇઝી લાગે છે, કેમ કે આપણે માનીએ છીએ કે આવતી કાલ સારી હશે. તે વધુ સારી કાલની આશામાં આપણું આજનું કષ્ટ ને દુ:ખ ઓછું થાય છે. અપેક્ષા ઘણી વખત ખયાલી પુલાવ કે ચમત્કારિક પણ લાગે છે. તેમ છતાંય તે ટકી જવા માટે કામચલાઉ ઉપયોગી બને છે!
એક રસપ્રદ વાર્તા છે. ચીનના એક સમ્રાટે પોતાના વિશ્ર્વાસપાત્ર સેવક એવા પ્રધાનમંત્રીને, તેની એક ભૂલથી નારાજ થઈને, ફાંસીની સજા આપી. જે દિવસે પ્રધાનમંત્રીને ફાંસીની સજા મળવાની હતી એ દિવસે સમ્રાટ તેને મળવા ગયા. સમ્રાટે જોયું કે તેનો બહાદુર પ્રધાનમંત્રી તો રડી રહ્યો હતો! સમ્રાટને આશ્ર્ચર્ય થયું. તેણે કહ્યું કે ‘મેં સેંકડો વખત તારી બહાદુરી જોઈ છે. તને આમ મૃત્યુથી ડરીને રડતો જોઈને મને ખરાબ લાગે છે. કોઈ બીજી વાત લાગે છે. તું મને કહી
શકે છે!’
પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘હવે કંઈ થઈ શકે એમ નથી અને કહેવાથી પણ કંઈ ફાયદો નહીં થાય, પણ જો તમે જીદ કરશો તો હું હજુ પણ તમારો સેવક છું. તમારી આજ્ઞાનો અનાદર નહીં કરું!’
સમ્રાટે જીદ કરી અને પ્રધાનમંત્રી બોલ્યો, ‘મારું રડવાનું કારણ મૃત્યુ નથી. દરેક મનુષ્યે એક દિવસ મરવાનું છે, પણ હું તો બહાર ઊભેલા તમારા ઘોડાને જોઈને રડું છું!’
સમ્રાટને સમજાયું નહીં. તેણે કારણ પૂછતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘હું આખી જિંદગી આ પ્રકારના ઘોડાને શોધતો હતો, કેમ કે હું એક પ્રાચીન કળા જાણું છું. હું ઘોડાને ઊડતાં શીખવાડી શકું છું, પણ એ માટે ખાસ પ્રકારના ઘોડા જોઈએ. તમારો ઘોડો એવો જ છે! પણ આ મારો અંતિમ દિવસ છે. મને મારી મૃત્યુની કોઈ ચિંતા જ નથી; મારી પ્રાચીન કળા વ્યર્થ જશે એનું મને રડવું આવે છે!’
સમ્રાટે સીધું જ પૂછ્યું, ‘ઘોડાને ઊડતાં શીખવવામાં કેટલા દિવસો લાગશે?’
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ઓછામાં ઓછું એક વર્ષ.’
સમ્રાટે કહ્યું, ‘બહુ સરસ! હું તને એક વર્ષ માટે મુક્ત કરું છું, પણ યાદ રાખજે, જો એક વર્ષમાં ઘોડો નહીં ઊડે તો તને ફાંસી આપી દઈશ અને જો ઘોડો ઊડશે તો તને માફ કરી દઈશ એટલું જ નહીં, તને મારું અડધું રાજ્ય પણ આપી દઈશ, કેમ કે ઇતિહાસનો હું પહેલો સમ્રાટ હોઈશ જેની પાસે ઊડતો ઘોડો હશે! તું રોવાનું બંધ કર અને જેલમાંથી બહાર નીકળ!’
ખુશખુશાલ પ્રધાનમંત્રી એ જ ઘોડા પર બેસીને ઘરે જવા નીકળ્યો. તેની પત્નીને આ ‘ઊડતા ઘોડાવાળા’ સમાચાર મળી ચૂક્યા હતા. પ્રધાનમંત્રીએ ઘરે પહોંચીને જોયું તો તેની પત્ની રડતી હતી. તેણે પતિને કહ્યું, ‘એક જ વર્ષ? મને ખબર છે તમને કોઈ કળા નથી આવડતી અને આ ઘોડો ક્યારેય ઊડી નથી શકવાનો. આ તો તરકટ છે, પણ તમારે સમય માગવો જ હતો તો દસ વર્ષનો માગવો હતોને?’
પતિ બોલ્યો, ‘તે થોડું વધારે થઈ જાત! જે મળ્યું તે ઘણું છે. ઘોડાની ઊડવાની વાત જ અવિશ્ર્વસનીય છે. એમાંય દસ વર્ષ માગવાં તે તો વિશ્ર્વાસઘાત કહેવાત, પણ તું રડ નહીં.’
પત્નીએ કહ્યું, ‘આ તો મારા માટે વધુ દુ:ખની વાત છે, કેમ કે તમે મારી સાથે રહેશો, પણ મારું મન તો જાણે જ છે કે એક વર્ષ બાદ તમને ફાંસી મળવાની છે. આ એક વર્ષ તો મારા માટે વધુ દુ:ખભર્યું પસાર થશે!’
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘હવે હું તને આ ‘ઊડતા ઘોડા’ કરતાં વધારે મોટી પ્રાચીન કળા વિશે જણાવું અને તે પ્રાચીન ભેદ ઊડતા ઘોડા જેવો હવાઈ તુક્કો નથી. વાસ્તવિક વાત છે. તે એ કે આપણી પાસે એક વર્ષ છે, પણ આ એક વર્ષમાં તે સમ્રાટ પણ મરી શકે છે. ઘોડો પણ મરી શકે છે. હું પણ મરી શકું છું અને તને પણ કંઈ થઈ શકે છે કે પછી, કોને ખબર, આ ઘોડો ઊડવાનું શીખી પણ જાય!’
આ વાર્તા ઓશો પોતાના પ્રવચનમાં કરતા. માણસ નથી, પણ આશા અમર છે. તે તારી શકે છે. ઉગારી શકે છે. ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં, પ્રશ્ર્નોના પહાડો વચ્ચે, નકારાત્મક બાબતોના ઘમસાણ વચ્ચે પણ, શરૂઆતમાં વાત કરી તે, સરળ-સાદો-સીધો માણસ તેના હૃદયમાં એક ચિઠ્ઠી મોજૂદ રાખે છે. જેમાં લખેલું હોય છે: નેવર લૂઝ યોર હોપ. આશા છોડવી નહીં.
કોને ખબર, તમે અશક્ય માનો છો તે શક્ય થઈ જાય. કોને ખબર, ઘોડો ઊડવા માંડે…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.