ઘરેલુ હિંસામાં સ્ત્રીને કયા કાયદા મદદરૂપ થાય?

લાડકી

કેતકી જાની

સવાલ: મારા ઘરે કામ કરવા આવતી બહેનને તેનો વર અવારનવાર ઢોર માર મારે છે. દિવસે માર ખાઈને બહેન મારાં જ ઘરે આવે. હું તેમને સંભાળી લઉં, પરંતુ બે દિવસ પહેલાં આવું બન્યું ત્યારની હું વિચાર કરું છું કે તે સ્ત્રીએ શું કરવું જોઈએ? મને સુદ્ધાં આજ લગી સ્ત્રીઓને મદદરૂપ કાયદા કે આવી ઘરેલું હિંસાની જાણકારી નથી. આ પ્રશ્ર્નના જવાબ દ્વારા સ્ત્રીઓને માહિતી આપો કે શું છે આ પ્રકારની હિંસા અને કયા કાયદા તેના માટે મદદરૂપ છે, કેમ કે તે બહેન માર ખાઈને પણ પાછા બે દિવસમાં તેની જોડે ભળી જાય કાયમ, પણ ક્યારેક તો તેમને જરૂર પડશે જ આ બધું બંધ કરાવવું હશે તો.
જવાબ: ચોક્કસ બહેન, તમને જ નહિ પણ દરેક સ્ત્રીઓ સભાન હોવી જ જોઈએ આપણા મદદરૂપ કાયદાકાનૂનથી. જેથી તેઓ પોતે કે આસપાસ કોઈ અબ્યૂસિવ સંબંધમાં હોય તો તેમાંથી નીકળી શકે અથવા અન્યને તે માટે સહાય કરી શકે. સૌપ્રથમ વાત કરીએ સ્ત્રીઓ સાથે કઈ કઈ રીતે ઘરેલું/ ડૉમેસ્ટિક હિંસા/ વાયોલેન્સ અચરાય છે કોઈપણ સંબંધમાં હિંસા કે શોષણ વ્યવહારનું એક માળખું છે, જે-તે એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાના અધિપત્યમાં રાખવા. તેની ઉપર દબાણ/ નિયંત્રણ કરવા વાપરે છે. સામાન્યરીતે લોકો માને છે કે અબ્યૂઝ માત્ર શારીરિક રીતે મારવાને જ કહેવાય, પરંતુ તેમ નથી. કોઈ પણ સંબંધમાં અનેક પ્રકારે અબ્યૂઝ હોઈ શકે છે. જેને જે-તે સ્ત્રીએ ઓળખવું ખૂબ જરૂરી છે- ફિઝીકલ અબ્યૂઝ: આપણી ઉપર જાણી સમજીને થતો કોઈપણ શારીરિક હુમલો આ શ્રેણીમાં આવે છે. કયારેક કોઈ સ્ત્રી ઉપર થતા આવા અત્યાચારમાં દેખીતી રીતે કોઈ ઘા/સોજો નરી આંખેના હોય પણ મૂઢમાર વાગે તે પણ આમાં જ સામેલ છે. તમે કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ સંબંધે રહેતા હોય, પરંતુ તમારી ઉપર તે કોઈપણ કારણસર શારીરિક હુમલો ના જ કરી શકે. ઈન શોર્ટ, પતિને કોઈ જ હક નથી કે પત્ની ઉપર હાથ ઉપાડે, જે આમ સમાજમાં સહજ સ્વીકાર્ય છે. – સેક્સ્યુઅલ અબ્યુઝ: દંપતીની પર્સનલ/ પ્રાઈવેટ લાઈફ જેમાં તે બંને જ સક્રિય છે. તેમાં તે બંને રાજીખુશીથી આનંદ કરે તે સહજ સ્વીકાર્ય છે, પરંતુ તેમાંય એવી કોઈ એકસ્યુઅલ હરકત, જેમાં કોઈ એક પક્ષ તૈયાર ના હોય, તે જ કરવા બીજો પક્ષ તેને ફરજ પાડે, તેમ કરવા યેનકેન પ્રકારે દબાણ કરે તો તેને પણ હિંસા જ કહેવાય જે આ પ્રકારમાં આવે છે. ઑરલ સેક્સ, બળાત્કાર કે ગર્ભ/ જન્મ નિયંત્રણનાં અધિકારો પણ આમાં જ સમાવિષ્ટ છે- ડિઝીટલ ડેટિંગ અબ્યૂઝ: આજે ઉપલબ્ધ ટેકનિકસ જેમ કે મોબાઈલ, સોશિયલ મીડિયા કે સોશિયલ નેટવર્કિંગનો વપરાશ કરી અથવા તેના વપરાશ સંબંધે જે-તે દબાણ કરી સાચી વ્યક્તિ પર જુલમ ગુજારવો આ શ્રેણીમાં આવે છે. સાથીદારનો મોબાઈલ તપાસવો, તેની ચેટ હિસ્ટરી ચેક કરવી કે ટૅકનોલૉજી દ્વારા બ્લેકમેલિંગ કરવું, બીજા પક્ષની નામરજી હોવા છતાં જે-તે કામ કરવા મજબૂર કરવું ડિઝીટલ અબ્યૂઝ છે. ઘણા લોકો બીજી વ્યક્તિની અસહમતી હોવા છતાં અંતરંગ પળોને કેમેરામાં કંડારે પછી તેનો નિસયૂઝ કરે, કોઈ બીજી વ્યક્તિને જે-તે ફોટો/વીડિયો સો. મીડિયા પર અપલોડ ના કરવા કહે કે સો. મીડિયામાં આમ કે તેમ કર અથવા ના કર કહે- તેવા તમામ બનાવો આ પ્રકારમાં આવે છે.
– નાણાકીય/ફાઈનાન્સિયલ અબ્યૂઝ: એક સાથીનો વ્યવહાર કે જે બીજા સાથીએ શું ખરીદવું, ક્યાં રોકાણ કરવું કે અન્ય કયા માધ્યમમાં પૈસા ખર્ચ કરવા જેવા મહત્ત્વના નિર્ણયોમાં દખલઅંદાજી/ અવરોધ પેદા કરે તે આમાં આવે છે. સંબંધમાં હોય તેમણે એકમેકના બેંક એકાઉન્ટ પર કંટ્રોલ કરવો પણ આ પ્રકારનું શોષણ છે.
– ઈમોશનલ અબ્યૂઝ: કોઈપણ સંબંધમાં એક વ્યક્તિ બીજા પાર્ટનર માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે, તેના આત્માસન્માનને ચૂરચૂર કરે, તેના સ્વાભિમાન પર કુઠારાઘાત કરે જેના કારણે તે વ્યક્તિનું વ્યક્તિત્વ કચડાઈ જાય તે તમામ વર્તન આ શ્રેણીમાં આવે છે. ભાવનાત્મક અબ્યૂઝમાં દરેક પ્રકારના ખરાબ વ્યવહાર/ વર્તન સામેલ છે જેમાં શારીરિક રીતે પ્રત્યક્ષ હિંસા નથી થતી છતાંય કોઈ એક વ્યક્તિનો અનાદર થાય છે. જેમ કે અપમાન, બીજી વ્યક્તિ ઉપર સતત નજર રાખવી, તેની કોઈ ઉણપ/ખામી અંગે વારેઘડીયે ટકોર કરવી, કોઈને ડરાવવું- ધમકાવવું- છાનામાના પીછો કરવો, તેણે આ કે તે વ્યક્તિ સાથે જ બોલવું કે ના બોલવું, તેણે અહીં કે ત્યાં જવું કે ના જવું, તેણે આવા કે તેવા જ કપડાં પહેરવા ફરજ પાડવી, તેના પર્સનલ વિકાસને નજરઅંદાજ કરી કોઈ કામ કરવું કે ના કરવું તેમ ફરજિયાતપણે કહેવું, તેને તેનાં જન્મદાતા- સહોદર- મિત્રવર્તુળ સાથે વાત ના કરવા કે સંબંધ ના રાખવા ફરજ પાડવી વગરે તમામ હરકતો આ અબ્યૂઝનો જ પ્રકાર છે. હવે સ્ત્રીઓને મદદરૂપ કાયદા- ધ પ્રોટેકશન ઓફ વુમન ફોન ડોમેસ્ટીક વાયોલન્સ એકટ 2005- ધ ડાઉરી પ્રોહીબીશન એક્ટ, 1961. – સેકશન 498A- પતિ કે તેના સગાંસંબંધી જો પત્ની સામે ક્રૂરતા આચરે ત્યારે મદદરૂપ. – સેકશન 354/ 354A/ 354B- સેક્સ્યુઅલ હેરેસમેન્ટ. – સેકશન 351- સેકશન 321 કોઈપણ સ્ત્રીએ પોતાને કોઈપણ અબ્યૂઝથી બચાવવી જ પરંતુ બીજી કોઈ સ્ત્રીને પણ આ અંગે મદદ કરવી તે પ્રથમ ફરજ છે. આવો કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે નજીકના પોલીસ સ્ટેશન જઈ પ્રસંગાનુસાર કાર્યવાહી નક્કી કરવી, અસ્તુ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.