Homeમેટિનીઆ તે કેવી ‘હેરા ફેરી’? અક્ષય કુમાર આઉટ, કાર્તિક આર્યન ઇન!

આ તે કેવી ‘હેરા ફેરી’? અક્ષય કુમાર આઉટ, કાર્તિક આર્યન ઇન!

દિલ ચાહતા હૈ -પાર્થ દવે

ગયું અઠવાડિયું હેરા ફેરીના ફેન્સ માટે ચોંકાવનારું રહ્યું. ગયા શુક્રવારની વાત છે. કોઈએ પરેશ રાવલને ટ્વિટર ઉપર પૂછ્યું કે, સમાચાર છે કે કાર્તિક આર્યન હેરા ફેરી ૩માં છે. શું તે સાચું છે? પરેશ રાવલે હા ભણી. અને પછી ટ્વિટર પર દેકારો થયો ચાલુ. હેરા ફેરીના મીમ્સ સદાબહાર છે જ, નવા મીમ્સ બનવા મંડ્યા. આમ પણ અક્ષય કુમારની જગ્યાએ ભૂલ ભૂલૈયા ૨માં કાર્તિક આર્યન આવી જ ચૂક્યો છે. અને તે ફિલ્મ પણ સફળ ગઈ. ઇત્તેફાકન, ભૂલ ભૂલૈયા ૧ પ્રિયદર્શને બનાવેલી અને બીજો ભાગ અનીસ બઝમીએ. અત્યારના રિપોર્ટ્સ અનુસાર હેરા ફેરી ૩ માટે પણ અનીસ બઝમીનો સંપર્ક કરાયો હોવાનું કહેવાય છે.
અન્ય એક કાર્યક્રમમાં રામ ચરણ સાથે હાજર રહેલા અક્ષય કુમારને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘હા હું હેરા ફેરી ૩માં નથી. મને તે ફિલ્મ ન કરવાનું ભારોભાર દુ:ખ છે. પણ શું કરું? મને સ્ક્રિપ્ટ ન ગમી. મારે દર્શકોને જે જોઈએ છે તે આપવું છે. હેરા ફેરી સિરીઝ મારી જર્નીનો એક ભાગ છે. અમારા બધા માટે તે મહત્ત્વની ફિલ્મ છે. પરંતુ સ્ક્રિપ્ટ યોગ્ય ન લાગતા મારે તે ફિલ્મની ભારે હૃદયે ના પાડવી પડી!’
લોકો અક્ષય કુમારના પાત્ર રાજુ સાથે કાર્તિક આર્યનને જોઈ જ નથી શક્તા! જોકે, તાજા સમાચાર મુજબ કાર્તિક આર્યન, અક્ષય કુમારનું તે પાત્ર નથી ભજવવાનો, બલ્કે મેકર્સ તેના માટે એક નવું જ પાત્ર ઊભું કરવાના છે. હેરા ફેરી પહેલીનું લખાણ ફકડ લેખક નીરજ વોરાનું હતું. બીજો ભાગ તો ડિરેક્ટ પણ તેમણે જ કર્યો હતો. હવે તેઓ નથી. પ્રિયદર્શનની હાલ તો કોઈ ખબર નથી. માટે આ ત્રીજી ફિલ્મ કોના ફાળે જાય છે તે જોવું રહ્યું, અને જેના ફાળે જાય તેના, તે વાર્તા મારીમચડીને, પરાણે જોડીતોડીને, ડાંટ ન વાળે તે રીતે બનાવે તો સારું!
જય બાબુરાવ ગણપત રાવ આપ્ટે!
———–
આયુષ્યમાન ખુરાના પર ભારે પડશે જયદીપ અહલાવત?!
કંઈક અલગ, નવું ને મોટાભાગે સારું કરતા આયુષ્યમાન ખુરાનાની ‘એન ઍક્શન હિરો’નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં એક નાયકની વાર્તા છે જે રિલ-લાઇફ ઍક્શન હિરો છે, જેનું રિયલ લાઇફમાં અકસ્માત થાય છે અને તેના કારણે તેના જીવનમાં ભૂરા સોલંકી નામના હરિયાણાના એક ગામના મ્યુનિસિપલ કાઉન્સિલરનો પ્રવેશ થાય છે. તે હરિયાણવી કાઉન્સિલરનું પાત્ર જયદીપ અહલાવતે ભજવ્યું છે.
ટ્રેલરમાં બંને વચ્ચેની ધમાચકડી દર્શાવવામાં આવી છે. ઍક્શન સાથે કોમેડી સિચ્યુએશન્સ છે તેવું લાગી રહ્યું છે. વચ્ચે કલાકારોના થતા બોયકોટ તથા તેમના ફેન્સ થકી મળતા નિસ્વાર્થ પ્રેમની પણ વાત કરવામાં આવી છે. જયદીપ અહલાવતના મોઢે એક નોંધનીય ડાયલોગ છે: તુમ જિનકો કમાઈ કહે રહે હો ના, વો પ્યાર હૈ હમારા, હમને દિયા હૈ, અપની મર્ઝી સે…
આ ડાયલોગ સાંભળતાવેંત જ શાહરુખ ખાનની ‘ફેન’ ફિલ્મ યાદ આવે. મજાની વાત એ છે કે, ગેન્ગ્સ ઑફ વાસેપૂર ને કમાન્ડો સહિતની ફિલ્મ કરનાર જયદીપ અહલાવતનું પાત્ર આ ફિલ્મમાં પેરેલલ લીડ છે. આયુષ્યમાન ખુરાના એક ઇન્ટરવ્યૂમાં કહે છે, એન ઍક્શન હિરોની વાર્તા મારી પાસે કોરોના લોકડાઉન પહેલા આવી ગઈ હતી. એ દરમ્યાન પાતાલ લોક સિરીઝ રિલીઝ થઈ હતી. મેં તે સિરીઝ જોઈ અને મને થયું કે, આ ફિલ્મમાં આવો જ એક હિરો જોઈએ. જોકે, સિરીઝ બાદ જયદીપ એકાએક બિઝીબિઝી થઈ ગયા અને આ ફિલ્મ માટે તેમના પાસે ડેટ્સ જ નહોતી! ‘પાતાલ લોક’નું હાથીરામ ચૌધરીનું પાત્ર મને બહુ જ ગમ્યું હતું અને મારી ઈચ્છા હતી કે, તેઓ જ એન ઍક્શન હિરો’માં આવે. મેં જયદીપની ડેટ્સ મુજબ મારી શૂટિંગ ડેટ્સ ચેન્જ કરી અને તેમને ફાઇનલ કર્યા.’
એન ઍક્શન હિરોના ડિરેક્ટર અનિરુદ્ધ ઐય્યર છે. તેઓ આનંદ એલ. રાયના મદદનીશ રહી ચૂક્યા છે. આયુષ્યમાન ફરી એક વખત નવા ડિરેક્ટર સાથે કામ કરવા જઈ રહ્યો છે. જોકે, ફિલ્મના નિર્માતા ભુષણ કુમાર અને આનંદ એલ. રાય છે. જેમ બદલાપુરમાં વરુણ ધવન સામે નવાઝુદ્દીન સિદ્દીકી હતા તેમ અહીં આયુષ્યમાન અને જયદીપ અહલાવત છે. આ કોમ્બિનેશન સારા છે. સ્ક્રીન પર જોવાની મજા પડે. કબીર ખાનની ૮૩માં રણવીર સિંહ અને પંકજ ત્રિપાઠીને સાથે જોવાની ખૂબ જ મજા પડી હતી, તેના જેવું! પંકજ ત્રિપાઠી, નવાઝ, જયદીપ અહલાવત વગેરે આ બધા એફર્ટ વગર જ સામેના પાત્ર પર ભારી પડે તેમાંના છે!

RELATED ARTICLES

Most Popular