પ્રતિક્રિયા અને સુખને શું સંબંધ?

અવર્ગીકૃત

સુખનો પાસવર્ડ-આશુ પટેલ

અણગમતા કે અકળાવનારા સંજોગોમાં અલગ રીતે પ્રતિક્રિયા આપવાની કોશિશ
કરીએ તો કદાચ મોટી લાગતી ઘટના કે વાત બહુ નાની લાગી શકે
—————
એક સેલિબ્રિટી ફ્રેન્ડ એક વખત ટ્રેનમાં પ્રવાસ કરવા માટે નીકળ્યા. તેઓ પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક માણસ ઉતાવળે તેમની બાજુમાંથી નીકળ્યો અને તે મારા સેલિબ્રિટી ફ્રેન્ડ સાથે ટકરાયો અને તેના હાથમાંથી કંઈક પડી ગયું. વાંક તેનો હતો, તે ઉતાવળમાં હતો અને તે જ ભટકાયો હતો એમ છતાં તે મારા સેલિબ્રિટી ફ્રેન્ડ પર ઉશ્કેરાઈ ગયો અને તેમને ગાળો દેવા લાગ્યો કે અહીં વચ્ચે ઊભા રહો છો શરમ નથી આવતી ?
સેલિબ્રિટી ફ્રેન્ડે ચહેરા પર સ્મિત સાથે કહ્યું, “સોરી, હું કંઈ સમજ્યો નહીં તમે શું કહ્યું?
એટલે પેલાએ ફરી ગાળ આપી.
સેલિબ્રિટી ફ્રેન્ડે ફરીવાર તેને કહ્યું કે “સોરી હું સમજ્યો નહીં તમે શું કહ્યું?
પેલાએ ફરી ગાળ આપી. એવું પાંચ-છ વખત થયું. અને સેલિબ્રિટી ફ્રેન્ડ ચહેરા પર સ્મિત સાથે એટલું જ પૂછતા રહ્યા કે “સોરી તમે મને શું કહ્યું?
છેવટે પેલો માણસ કંટાળીને જતો રહ્યો.
મેં તે સેલિબ્રિટી ફ્રેન્ડને કહ્યું કે “તમે તો સ્થિતપ્રજ્ઞ બની ગયા છો. સામાન્ય સંજોગોમાં બીજા કોઈએ તેના પર ગુસ્સો કર્યો હોત અને કહ્યું હોત કે વાંક તારો છે અને છતાં તું મને ગાળો આપે છે! એને બદલે તમે આટલી સહજતાથી ચહેરા પર સ્મિત સાથે અને અંદરથી પણ ઉશ્કેરાયા વિના ફરી-ફરી સવાલ કરતા રહ્યા અને પેલો ગાળો આપતો રહ્યો. તમારું લોહી ન ઉકળી ઉઠ્યું?
સેલિબ્રિટી ફ્રેન્ડે કહ્યું કે “તે માણસ ઘરેથી નીકળ્યો હશે ત્યારે તેની પત્ની સાથે તેનો ઝઘડો થયો હશે કે કદાચ તેના પિતાએ કે વડીલે તેને ઠપકો આપ્યો હશે કે પછી ક્યાંય પણ બીજી કોઈ વ્યક્તિ સાથે કે બોસ સાથે તેનો ઝઘડો થયો હશે કે અથવા તેનું પેટ સાફ નહીં આવ્યું હોય! કંઈપણ કારણ હશે, પણ તે માણસની પ્રતિક્રિયા જે હતી તે તેના મનની અસ્વસ્થતાને કારણે અથવા કદાચ તેના ઉગ્ર સ્વભાવને કારણે પણ હોઈ શકે. કારણ જે હોય તે પણ તેનો પ્રોબ્લેમ છે તે હું મારા મન પર શા માટે લઉં!
મેં કહ્યું, “કોઈ માણસ ગાળ આપે તો ગુસ્સો ન આવે?
તેમણે કહ્યું કે “માની લો કે મેં ગુસ્સો કર્યો હોત તો એ તો ઝઘડવા માટે તૈયાર જ હતો! એને બદલે મેં કોઈ ઉગ્ર પ્રતિક્રિયા ન આપી એટલે તે થાકીને જતો રહ્યો!
તેમણે મને બીજા કિસ્સાઓ પણ કહ્યા કે તેમની સાથે કોઈ પાડોશી કે રસ્તા પર વાહનચાલક કે કોઈ ઉશ્કેરાઈને વર્તન કરે તો તેઓ કઈ રીતે સહજ રહીને વાત ખતમ કરે. તેમણે કહ્યું કે “આ રીતે હું ઉશ્કેરાઈને પ્રતિક્રિયા ન આપે એટલે સામેવાળો માણસ માણસ હસી પડે એવા પણ કિસ્સાઓ બન્યા છે.
આ તો વર્ષો પહેલાની વાત છે પરંતુ હમણાં એરપોર્ટ પર બે વ્યક્તિને ઝઘડતા જોઈને મને એ સેલિબ્રિટી ફ્રેન્ડની વાત યાદ આવી ગઈ.
એ સેલિબ્રિટી ફ્રેન્ડના એ કિસ્સા પછી મેં તેમની વાત આંશિક રીતે જીવનમાં ઉતારવાની કોશિશ કરી અને ઘણી જગ્યાએ મેં અલગ રીતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું.
કોરોનાના સમયમાં લૉકડાઉન આવી પડ્યું અને પછી ધીમેધીમે ફરી બધું પૂર્વવત્ થવા લાગ્યું અને સાવચેતીના પગલાં સાથે ફરી હોટલો ખૂલી ત્યારપછી મેં પણ ફરી પ્રવાસ શરૂ કર્યા. એવી રીતે હું એક શહેરની હોટેલમાં રોકાયો હતો ત્યારે મેં સવારે બ્રેકફાસ્ટ માટે રૂમ સર્વિસનો નંબર ડાયલ કરીને ટોસ્ટ બટર માટે ઓર્ડર કર્યો.
થોડી વાર પછી એક યુવાન ટ્રેમાં બ્રેકફાસ્ટ આપવા માટે આવ્યો. મેં તેને કહ્યું કે “આ ટોસ્ટ બરાબર ગરમ નથી તો તેણે એ હાથમાં લઈને કહ્યું કે “બરાબર તો છે? મેં તેને કહ્યું કે “અત્યારે કોરોનાના સમયમાં કોઈ વસ્તુને સ્પર્શવી ન જોઈએ. અને આટલી સારી હોટલમાં આ રીતે હાથથી સ્પર્શીને આપો એ સારું ન કહેવાય.
તો તે યુવાન ઉશ્કેરાઈ ગયો કે “કોરોના જેવું કંઈ છે જ નહીં!

મેં તેને કહ્યું કે “કંઈ વાંધો નહીં. તું આ પ્લેટ મૂકી જા. પછી મેં ફરી વાર રૂમ સર્વિસનો નંબર ડાયલ કરીને ફરી ટોસ્ટ બટરનો ઓર્ડર કર્યો અને વિનંતી કરી કે તમે ટોસ્ટ બટર બરાબર ગરમ કરીને પેપરમાં વીંટાળીને મોકલજો.
થોડીવાર પછી તે છોકરો પાછો આવ્યો અને પ્લેટ મૂકીને ટીપની આશામાં ઊભો રહ્યો. મેં તેને થોડા પૈસા આપ્યા અને ‘થેન્ક યુ’ કહ્યું.
તે છોકરાનો ચહેરો તંગ હતો. તેના ચહેરા પરથી લાગતું હતું કે આ માણસ કંઈ બોલે તો હું લડી લઈશ. તે કદાચ નવોનવો નોકરીએ લાગ્યો હશે. પણ મેં તેને હસીને થેન્ક યુ કહ્યું એટલે તેણે પણ સામે મને થેન્ક યુ કહ્યું અને જતા-જતા તે મને ‘સોરી’ કહેતો ગયો!
થોડા વર્ષો અગાઉ આવી જ સ્થિતિ સર્જાઈ હોત તો મેં હોટેલ આખી માથે લીધી હોત કે આટલી સારી હોટેલમાં આવું કઈ રીતે ચાલે? અને મેં તે છોકરાને ઠપકો પણ અપાવ્યો હોત. પણ મેં અલગ રીતે પ્રતિક્રિયા આપી તો તે છોકરો ‘થેન્ક યુ’ અને ‘સોરી’ કહીને ગયો અને જતા-જતા કહેતો ગયો કે “હવે હું કોઈપણ જગ્યાએ જઈશ તમારી વાત ધ્યાનમાં રાખીશ.

અલગ રીતે પ્રતિક્રિયા આપવાને કારણે ઘણાબધા ઘર્ષણ ટાળી શકાય, ઘણી મુશ્કેલીઓ નિવારી શકાય અને ક્યારેક કોઈનું આપણાથી દિલ ન દુભાય એવું પણ બની શકે. આપણે કોઈ મશીન તો છીએ નહીં એટલે સ્વાભાવિક રીતે હજી પણ ક્યારેક ગુસ્સો આવી જાય છે પણ એવા સમયે હું પેલા સેલિબ્રિટી ફ્રેન્ડની પ્રતિક્રિયા યાદ કરું છું.
આપણે અમુક સંજોગોમાં દરેક વ્યક્તિ એક જ પ્રકારની પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ. કોઈપણ વ્યક્તિ હોય, અમુક સંજોગોમાં લગભગ સરખી પ્રતિક્રિયા આપતી હોય. પરંતુ એ સંજોગોમાં અલગ પ્રતિક્રિયા આપવાની કોશિશ કરી જોઈએ તો આપણને એ જ વસ્તુ થોડા સમય પછી, થોડી મિનિટો પછી, થોડા કલાકો પછી, થોડા દિવસો પછી એ જ વાત યાદ કરીને હસવું આવશે.
હું ઘણી વખત મારી પ્રતિક્રિયાને સાક્ષીભાવથી જોવાની કોશિશ કરું છું. કોઈ વ્યક્તિ આપણી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે ત્યારે તેની સામે પ્રતિક્રિયા ન આપીએ તો અલગ પરિણામ જોવા મળી શકે.
ક્યારેક કોઈ રિક્ષાચાલક વાયડાઈ કરે કે ચોમાસામાં કોઈ વાહનચાલક તમે ચાલી રહ્યા હોય એ જોવા છતાં બાજુમાંથી સડસડાટ ગાડી ચલાવીને કીચડ કે મેલું પાણી ઉડાડીને તમારા કપડાં ખરાબ કરતું જાય તો પ્રથમ પ્રતિક્રિયા ગુસ્સાની જ હોય. પણ તમે એ રીતે વિચારજો કે જે થવાનું હતું એ થઈ ગયું છે તો કદાચ તમને ગુસ્સો નહીં આવે અથવા ઓછો આવશે.
આપણી પ્રતિક્રિયા પર પણ આપણું સુખ નિર્ભર કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.