કૉંગ્રેસના કેટલાક નેતાઓ પક્ષનું સાવ રામનામ સત્ય કરી નાખવા માગે છે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કૉંગ્રેસના કેટલાક નેતાઓનું વર્તન જોયા પછી એ લોકો ખરેખર કૉંગ્રેસનું હિત ઈચ્છે છે કે પછી કૉંગ્રેસનું સાવ રામનામ સત્ય કરી નાંખવા માગે છે એવો સવાલ થાય. એ લોકો કૉંગ્રેસને ફાયદો તો કરાવી શકતા નથી પણ એટલું નુકસાન કરે છે કે જેના કારણે કૉંગ્રેસની ફરી બેઠા થવાની શક્યતા જ ખતમ થતી જાય છે.
દિગ્વિજય સિંહ આ નેતાઓમાં એક છે કે જે છાસવારે કંઈક ને કંઈક લવારા કરીને ઉંબાડિયાં ચાંપ્યા કરે છે. કોઈ વાર સાવ વાહિયાત મુદ્દાને પણ કોમવાદનો રંગ આપીને મુસ્લિમોની ખોટેખોટી તરફદારી કરવાથી માંડીને દેશનાં હિતોના મુદ્દે પણ અકળામણ થઈ આવે ત્યાં સુધીના લવારા કરી કરીને દિગ્વિજયે કૉંગ્રેસની છાપ સાવ બગાડી નાંખી છે ને છતાં ડોહા સુધરવા તૈયાર નથી.
દિગ્વિજયના લવારાનો તાજો નમૂનો સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે કરેલો બકવાસ છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હમણાં કાશ્મીરમાં છે. સોમવારે જમ્મુમાં જમાવડો હતો ને એ ટાણે દિગ્વિજયે ૨૦૧૯મા પુલવામા હુમલા પછી પાકિસ્તાનમાં ઘૂસીને કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે, મોદી સરકારે હજી સુધી સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા આપ્યા નથી. મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઈક વિશે વાતો તો મોટી મોટી કરે છે અને અમે આટલાને ફૂંકી માર્યા એવાં બણગાં ફૂંકે છે પણ હજુ સુધી તેના પૂરાવા કોઈ નથી આપ્યા.
૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએના ૪૦ જવાન શહીદ થયા હતા. પાકિસ્તાનમાં રહીને કામ કરતા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. દિગ્વિજયનો દાવો છે કે, મોદી સરકારે હજુ સુધી સંસદમાં ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક અને ૨૦૧૯માં થયેલા પુલવામા હુમલા પછીની સર્જિકલ સ્ટ્રાઈકનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની મોદી સરકાર માત્ર જૂઠ્ઠાણાં ફેલાવે છે અને બણગાં ફૂંકે છે પણ પુરાવા આપતી નથી.
દિગ્વિજયના કહેવા પ્રમાણે તો, આપણા ૪૦ જવાન પુલવામામાં શહીદ થઈ ગયા તેનું કારણ મોદી છે. સીઆરપીએફના અધિકારીઓએ વડા પ્રધાન મોદીને અપીલ કરી હતી કે, આ જવાનો માટે પ્લેન મોકલીને તેમને એરલિફ્ટ કરવામાં આવે પણ વડા પ્રધાને આ વાત ના માની તેમાં જવાનો શહીદ થઈ ગયા. દિગ્વિજયે કલમ ૩૭૦ નાબૂદ થવાથી કોને ફાયદો થયો એવો સવાલ પણ ઉઠાવ્યો છે.
દિગ્વિજયને ભારત જોડો યાત્રામાં સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે કરેલી વાતોથી સંતોષ નહીં થયો હોય એટલે બહાર મીડિયા સાથે પણ આ અંગે વાત કરવા માંગતા હતા કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે તેમને રોકી લીધા. દિગ્વિજય સિંહને પત્રકારે પુલવામા મુદ્દે સવાલ કર્યો હતો. દિગ્વિજય જવાબ આપતા હતા ત્યારે અચાનક જ જયરામ રમેશ ધસી આવ્યા ને પત્રકારને હડસેલીને દૂર કરી દીધા. જયરામ રમેશે પત્રકાર પર મુદ્દાને બીજી દિશામાં વાળવાનું આળ પણ મૂકી દીધું. જયરામે દિગ્વિજયને જવાબ આપતા રોકીને દૂર ના લઈ ગયા હોત તો દિગ્વિજયે ફરી એ જ લવારો કર્યો હોત. સર્જિકલ સ્ટ્રાઈક સામે શંકા વ્યક્ત કરીને બકવાસ કર્યો હોત.
દિગ્વિજયનો લવારો એ વાતનો પૂરાવો છે કે, કૉંગ્રેસના નેતા ઈતિહાસમાંથી કશું શીખ્યા નથી. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીના ત્રણેક મહિના પહેલાં જ પુલવામા હુમલો થયેલો. ભારતીય લશ્કરે તેના જવાબમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓના કેમ્પનો સફાયો કરીને ૩૦૦ જેટલા આતંકવાદીઓનાં ઢીમ ઢાલી દીધેલાં. કૉંગ્રેસે એ વખતે પણ સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલ ઉઠાવીને પુરાવા માંગેલા. કૉંગ્રેસનું આ મોટું બ્લન્ડર હતું ને તેની કિંમત ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સાવ ધોવાઈ જઈને ચૂકવી.
આ સર્જિકલ સ્ટ્રાઈકના કારણે ભારતીયો મોદી સાહેબ પર ઓળઘોળ થઈ ગયેલા. ભાજપને લોકસભામાં ફરી સ્પષ્ટ બહુમતી મળી તેમાં સર્જિકલ સ્ટ્રાઈકના કારણે ઊભી થયેલી મોદીની મર્દાના ઈમેજનું યોગદાન મોટું હતું. કોંગ્રેસે સમજવાની જરૂર હતી કે, સર્જિકલ સ્ટ્રાઈક લોકોના દિલોદિમાગ પર છવાયેલો મુદ્દો છે તેથી એ મુદ્દે ચૂપ રહેવાનું હોય પણ કૉંગ્રેસીએ આ વાત સમજતા જ નથી.
કૉંગ્રેસે એ પછી પણ પુલવામા હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલો કર્યા છે. દિગ્વિજય તો છીંડે ચડેલા ચોર છે પણ ખુદ રાહુલ ગાંધીએ એ સવાલો ઉઠાવ્યા છે. ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં પુલવામા હુમલાની પહેલી વરસી વખતે રાહુલ ગાંધીએ પુલવામા હુમલાના કારણે સૌથી વધારે ફાયદો કોને થયો એવો મમરો મૂકીને ત્રણ સવાલ કરેલા. આ સવાલ દ્વારા રાહુલે આડકતરી રીતે મોદી સરકારે જ આ ત્રાગડો રચેલો એવો ગંદો આક્ષેપ મૂકીને દીધેલો.
કૉંગ્રેસમાં રાહુલ ગાંધી કંઈ પણ કહે એટલે બુદ્ધિ ચલાવ્યા વિના મચી પડવું એ સિદ્ધાંતમાં કૉંગ્રેસીઓ માને છે તેથી રાહુલની પાછળ પાછળ બધા ચાલુ થઈ ગયેલા. રાહુલની ચાપલૂસી કરવા માટે યથા મતિ ને યથાશક્તિ ફટકારાયેલાં કૉંગ્રેસીઓનાં નિવેદનોનો સાર એ હતો કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા માટે મોદી સરકારે જ પુલવામા હુમલાનો કારસો કરીને આપણા ૪૦ જવાનોને શહીદ કરી નાંખેલા. મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી જ નથી ને ખાલી નાટક કર્યું છે એવા આક્ષેપો સાથે કૉંગ્રેસીઓએ તેના પૂરાવા પણ માંગવા માંડેલા. દિગ્વિજયે અત્યારે એ જ વાત કરી છે.
સર્જિકલ સ્ટ્રાઈકના પૂરાવાની આખી વાત જ હાસ્યાસ્પદ છે. સર્જિકલ સ્ટ્રાઈક કરી તેના પુરાવા શું હોય ? કોઈ પણ લશ્કરી કાર્યવાહીના શું પુરાવા હોય ? ને આ તો કોર્ટમાં કેસ થોડો ચાલે છે કે પૂરાવા રજૂ કરવાના હોય ? આર્મીના જવાનો આતંકવાદી કેમ્પોનો સફાયો કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસ્યા હતા, કોઈ ટીવી સિરિયલનું શૂટિંગ કરવા નહોતા ગયા કે પોતે શું કર્યું તેનું શૂટિંગ કરીને પાછા લઈ આવે. લશ્કરી કાર્યવાહી મિનિટોનો ખેલ હોય છે. તેમાં દુશ્મનને ઢાળીને પાછા આવવાનું હોય, પૂરાવા લેવાના ઊભા રહેવાનું હોય. આટલી સાદી વાત કૉંગ્રેસીઓના ભેજામાં કેમ નથી ઉતરતી એ સવાલ છે. કૉંગ્રેસીઓને પૂરાવામાં શું જોઈએ છે એ પણ ખબર પડતી નથી.
મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઈકના પૂરાવા ના આપે તેનાથી શો ફરક પડે છે એ પણ સમજાતું નથી. સર્જિકલ સ્ટ્રાઈકના કારણે દેશનાં લોકોમાં ઉત્સાહનો સંચાર થયો, લશ્કરનું મનોબળ ઊંચું ગયું એ જ પૂરતું નથી?