આપણે આપણા દેશની રાષ્ટ્રીય સમસ્યાઓની સારવાર કરાવવામાં આંધળા, બહેરા, અવાક અને લાચાર બની રહ્યા છીએ
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
મને સમજાઇ ગયું છે કે આ દેશની સમસ્યા શું છે? અને એનો ઉપાય પણ શું છે? આ વિષય જરા ગંભીર છે એટલે એને હળવો બનાવવા માટે એની શરૂઆત હું એક જોકથી કરીશ: એક માણસને બે-ત્રણ રોગો હતા. એ રોગોથી બહુ ચિંતિત રહેતો હતો. એનો પહેલો રોગ એ હતો કે એની આંખમાં સતત દુ:ખાવો રહેતો હતો. એને એવું લાગતું કે જાણે એની આંખ બહાર આવી જશે. બીજો રોગ એ હતો કે એના કાનમાં સખત તકલીફ રહેતી હતી અને બરાબર સંભળાતું પણ નહોતું. ત્રીજો રોગ એ હતો કે એને દાંતમાં ગંભીર પીડા રહેતી હતી. આ ત્રણેય રોગોને કારણે એ માણસ બહુ દુ:ખી રહેતો હતો. એક દિવસ એ માણસ આંખના ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરને પોતાની સમસ્યા જણાવી. ડૉક્ટરે આખો તપાસીને કહ્યું, ‘તમારે આંખનું ઓપરેશન કરાવવું પડશે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી.’ એ માણસની આંખોનું ઓપરેશન થઈ ગયું. પણ એની ઓપરેશન પછી વધારે નબળી પડી ગઈ.
એ માણસની તકલીફો ઓછી થતી જ નહોતી. કાનમાં દુ:ખાવો રહેતો હતો, એટલે એ માણસ કાનના ડૉક્ટર પાસે ગયો. એણે કાનના ડૉક્ટરને કહ્યું, ‘ડૉક્ટર, મારા કાનમાં દુ:ખાવો રહે છે અને વિચિત્ર અવાજો સંભળાય છે.’ ડૉક્ટરે એને તપાસ્યો અને દવા આપી. દવાથી સારું ન થયું એટલે ઓપરેશન કર્યું. એ માણસને પહેલેથી જ ઓછું સંભળાતું હતું, હવે તો સાવ બહેરા જેવો જ થઈ ગયો છે! એક દિવસ પેલા માણસે વિચાર્યું કે ખરી સમસ્યા તો દાંતના દુ:ખાવાની છે. દાંતનો દુ:ખાવો જ બધા દુ:ખાવાનું મૂળ કારણ છે. એ દાંતના ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે એની બત્રીસીને જડમૂળથી ઊખેડી નાખી.
તમને થશે આ બધામાં જોક શું છે?
પણ આ એક જોક છે. આગળ તો જુઓ!
એક દિવસ પેલો માણસ દરજી પાસે શર્ટ સીવડાવવા ગયો. દરજીએ એની છાતી માપી. એ ૩૮ ઈંચની હતી. દરજીએ એના કારીગર પાસે માપ લખાવ્યું. પેલો માણસ બરાડ્યો, ૩૬ નહીં ૩૫ રાખો. હું હંમેશાં ૩૫ની સાઈઝનું જ શર્ટ પહેરું છું. દરજીએ એને સમજાવ્યો કે જુઓ તમારા શર્ટની સાઈઝ ૩૬ની હોવી જોઈએ ૩૫ નહીં.
‘શું વાત કરો છો? હું વર્ષોથી ૩૫ની સાઈઝનું જ શર્ટ પહેરું છું. તમે છાતી ૩૬ નહીં ૩૫ જ રાખો.’ પેલો માણસ બરાડ્યો.
‘ભલે જેવી તમારી ઈચ્છા. તમે જેમ કહેશો, હું એમ કરી આપીશ.’ દરજીએ કહ્યું- ‘પણ પછી પાછળથી ફરિયાદ નહીં કરતા કે મારા દાંતમાં દુ:ખાવો રહે છે, કાનમાં વિચિત્ર અવાજો સંભળાય છે, આંખો બહાર આવી જશે વગેરે…’
તો દોસ્તો, આ પરિસ્થિતિ છે આપણા દેશની પણ. આપણે આપણા દેશની રાષ્ટ્રીય સમસ્યાઓની સારવાર કરાવવામાં આંધળા, બહેરા, અવાક અને લાચાર બની રહ્યા છીએ. હકિકત એ છે કે આપણું શર્ટ ફિટ છે. દેશ, રાજ્ય, શહેર, ગામ, જાતિ, ધર્મ, વિચાર અને વર્તન એમ દરેક સ્તર પર આપણે ફિટ શર્ટ પહેર્યું છે. સમસ્યાઓનો ઉકેલ એ છે કે આપણે શર્ટ થોડું ઢીલું રાખીએ, શરીરને હવા લાગવા દઈએ, છાતી ફુલાવી શકીએ, ખુલ્લીને શ્ર્વાસ લઈ શકીએ અને રોગોથી બચીએ!
આપણું રાષ્ટ્રીય સૂત્ર એ હોવું જોઈએ કે બટન ખોલો, શર્ટ ઢીલું રાખો અને જે હવા અંદર આવી રહી છે એનો ફાયદો ઉઠાવો.