ખુદની એટેન્ડન્સ શીટમાં ‘ગમતી પળો’ની હાજરી કેટલી?

લાડકી

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

શું તમે હંમેશાં તમને ગમતું કાર્ય કરો છો કે પછી માત્ર દુનિયાને રાજી રાખવાનો પ્રયાસ કરો છો? શું માત્ર તમે જ તમારી આસપાસના લોકોને ખુશ રાખવાનો કાયમી ઠેકો લીધો છે? શું જીવનની દરેક પળોને તમારી મરજી મુજબ જીવો છો કે પછી અન્યની મરજી તમારા પર હાવી થતી હોય એવું લાગે છે?
આપણને ઘણી વાર એવું લાગતું હોય છે કે કેટલાંક શોખ, સપનાઓ, ઈચ્છાઓ તો ‘લોકો શું કહેશે?’ એવું વિચારવામાં જ અધૂરી રહી ગઈ હોય છે. કેટલીક વાર તો અન્ય લોકો શું વિચારશે એમ માનીને આપણે કેટલાક કામની શરૂઆત જ નથી કરી શકતા અથવા તો એના પરિણામનો વિચાર કરીને આગળ વધતાં અટકી જઈએ છીએ. અરે ક્યારેક તો એમ થાય કે આપણે આપણા માટે જીવીએ છીએ કે અન્યો માટે? આપણને મોજ પડે એ કામ કરીએ છીએ કે દુનિયાને દેખાડવા માટે દંભરૂપી ખાલ પહેરીને ફરીએ છીએ? જ્યારે સવાલ પોતાને ગમે એ કાર્ય કરવાનો હોય ત્યારે આપણું ઇન્વોલ્વમેન્ટ એમાં કેટલા ટકા છે એ સૌથી અગત્યનું છે.
એક ભાઈનો સ્વભાવ સામાન્ય માણસથી તદ્દન વિપરીત. સતત એમના કામમાં વ્યસ્ત રહે. કોઈ પણ સાથે કામ સિવાય ચર્ચામાં ન ઊતરે અને જો ઊતરે તો સામેવાળાને પોતાના હટકે ટાઈપ વિચારોથી જીતવા ન દે. જ્યારે કોઈ બાબતમાં એમનો અભિપ્રાય લેવાનો થાય ત્યારે સામાન્ય લોકોની તુલનાએ એમની રાય સાવ અલગ જ પડે. કોઈ પણને પોતાના ઘરે આવવાનું આમંત્રણ ક્યારેય ન આપે. ઈવન કોઈ એમના ઘરે જવાનું સામેથી કહે તોય ના પાડે. ‘મારા ઘરે આવવું હિતાવહ નથી, મારી પત્નીનો સ્વભાવ તમને માફક નહિ આવે’- આવું કોઈ પણ જાતના સંકોચ વગર સ્પષ્ટ કહી દે. સામેની વ્યક્તિ કંઈ સમજે કે ન સમજે, એ ફરી પોતાની અતરંગી દુનિયામાં ખોવાઈ જાય. કેટલીય વાર તો સમૂહમાં હાંસીપાત્ર પણ બને, પણ આ બધાની વચ્ચેય તેઓ કાયમ નિજાનંદમાં ગરકાવ હોય. મેં એમને પૂછ્યું કે આનું કારણ શું? એમણે મસ્ત જવાબ આપ્યો, ‘આ દુનિયા (આપણી આસપાસના લોકો) તો સાવ મૂર્ખ છે, ગામ શું કહેશે એવું વ્યર્થ વિચારીને આ દરેક પોતાની જાતને છેતરે છે.’
ખરેખર વિચારીએ તો આપણે આપણી જાતને સમય ન આપીને, એને ગમતું ન કરીને, એને કારણ વગર કોસીને નાહકનો ભાર વેંઢારીએ છીએ. સ્વ સાથેના સંવાદની સ્નેહસભર સુંવાળી પળોનો સહવાસ પણ ક્યારેક કરી લેવો અને એકાંતમાં એને પૂછવું કે તું છેલ્લે ક્યારે જાહેરમાં ખૂલીને ખડખડાટ હસ્યો/હસી? છેલ્લે તેં ક્યારે બાળકની જેમ ઉઘાડાપગે ચાલવાનો આનંદ માણ્યો? છેલ્લે તું ક્યારે બાળકની જેમ રાડો પાડીને મોટેથી રડ્યો/રડી? છેલ્લે ક્યારે તેં એની મનગમતી વસ્તુ ખરીદીને રસ્તા પર જ ખાવાની શરૂ કરી દીધી? છેલ્લે તેં ક્યારે પોતાને ખુશ રાખવા પ્રયત્ન કર્યો? છેલ્લે ક્યારે ટીવીનું વોલ્યુમ ખૂબ વધારીને ઢંગધડા વગરનો ડાન્સ કર્યો? છેલ્લે તેં ક્યારે બકવાસ ડિશ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી લાઇક કમેન્ટ ઉઘરાવવાનો આનંદ માણ્યો? છેલ્લે ક્યારે બાથરૂમ સિંગર બનીને સિંગિંગ શોના જજને ચેલેન્જ ફેંકતા હોય એમ મનગમતું ગીત લલકાર્યું? છેલ્લે તેં ક્યારે મનપસંદ ફિલ્મ જોઈ? છેલ્લે ક્યારે પોતાના પાર્ટનર સાથે વર્ષો પહેલાં થિયેટરમાં જોયેલી ફિલ્મ ફરી જોઈ? છેલ્લે ક્યારે વરસાદમાં નહાવાની મજા માણી? આ અને આના જેવા અન્ય પ્રશ્ર્નો આપણી જાતને પૂછીને ફરી ફરીને જાણવાની ટ્રાય કરવી જોઈએ કે ‘અન્યને ગમતું કરવાની લાયમાં તું તને ગમતું કરી શક્યો/શકી?’ અરે કોમળ કાળજાને કડકાઈથી પૂછવું કે ‘તને શું ગમે છે એ તો તને યાદ છેને?’
આપણાથી બધા લોકો ખુશ રહે તે જરૂરી નથી જ. દરેક વ્યક્તિને રાજી રાખવાનો પરવાનો ઈશ્ર્વરે આપણને નથી આપ્યો આ લાખ રૂપિયાની વાત છે. છતાંય જો દરેકને રાજી રાખવાના પ્રયત્નો આપણા દ્વારા વારંવાર થતા હોય તો આપણે દુનિયાના મૂર્ખ લોકોમાં નામ નોંધાવી લીધું છે એમ સમજી લેવું. આપણા એકના પ્રયાસોથી સઘળું બદલાઈ પણ નથી જવાનું. એટલે દુનિયાને સારું બતાવવા જતાં ક્યાંક ને ક્યાંક વર્તમાનમાં જીવવાનું અને માણવાનું હાંસિયામાં રહી જાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં અને આ વાતનો અહેસાસ થતાં માણસ દુનિયા સામે જાણે મોરચો માંડે છે. બધું જ છોડીને જીવનને એન્જોય કરવાનું ડહાપણ મોડે મોડે પણ આવી જાય છે. ગામને રાજી રાખવામાં ને ‘ગામ શું કહેશે?’ના કાલ્પનિક ડરમાંથી બહાર નીકળવાની નાનકડી કેડી શોધનારને મળી જ જતી હોય છે. બસ જરૂર છે એક મક્કમ નિર્ણયની, જરૂર છે મજબૂત ટેકાની જે આપણા માટે પુશ ફેક્ટરનું કામ કરે. અહીં હાજરી પૂરવાની છે, પણ અન્ય કોઈની નહિ, માત્ર પોતાની જ, કારણ કે સતત ગેરહાજર રહેતું મન એ ગમતું ન કરી શક્યા એ વાતનો મજબૂત પુરાવો બને છે.
આપણા કાર્યને એપ્રિસિયેટ કરવાને બદલે ટાંટિયાખેંચ કરનારાનો જોટો જડે એમ નથી. ૧૨૦ની સ્પીડે આગળ વધતી આપણી લાઈફની ગાડીને ઓવરટેક કરવાની ક્ષમતા ન હોય એવા લોકો આપણી ગાડીને ટ્રેક પરથી ઉતારવાના કેટકેટલાય પ્લાન બનાવશે. મોજથી જીવતા લોકોની પીઠ પાછળ હાંસી ઉડાવી એનો આનંદ લેશે. દુનિયાએ નક્કી કરેલા માપદંડોથી જુદો રસ્તો પસંદ કરવો મતલબ કોઈ ગુનો કર્યો હોય એ પ્રકારે ટ્રીટ કરશે. પોતાને ગમે એવું ક્યારેય ન કરી શકનારા જ આપણો વિરોધ છૂપી ઈર્ષ્યા દ્વારા પ્રગટ કરશે, પરંતુ આ તમામ હર્ડલ્સનો પણ આપણે આપણા જ કામમાં આપણી મરજી મુજબ ઉપયોગ કરી જાણવાનો છે અને એટલે જ આગળ વધવા માટેના પુશ ફેક્ટર આપણે આપણી જાતે નક્કી કરવાના છે. આપણે પોતે આપણી પીઠને થાબડતા રહેવાનું છે. જે કંઈ કામની શરૂઆત કરીએ કે પછી ગમતી પ્રવૃત્તિઓ કરીએ, ત્યાં એટેન્ડન્સ શીટ સાથે જ રાખવાની છે, જેથી પોતાની જાતનું ઈન્વોલ્વમેન્ટ કેટલું છે તે જાણી શકાય.
માટે ગમતું કામ ન કરી શક્યાનો અફસોસ પાછળથી પીડા દે એ પહેલાં જ જિંદગીની દરેક ક્ષણો માણી લેવી જોઈએ. આંખ બંધ કરીને, ડરપોક દિલ પર હળવેકથી હાથ રાખી ચાબુક સાથે રાખીને કહી દેવું જોઈએ કે ‘યાર, તું કોઈની પરવા કર્યા વગર તારું ધાર્યું જ કરજે.’ આપણા નાજુક હૃદયને પંપાળીને પ્રેમથી કહી દેવું જોઈએ કે ‘બેટા, તું તારી ઈચ્છા મુજબ, તને ગમે એ રીતે જ જીવજે.’ આપણા મનમાં મનગમતું ન કરી શક્યાનો વસવસો અને મોજથી ન રહી શકાયાનો બોજ પીડે એ પહેલાં જાતને પ્રોમિસ કરીને કહેવાનું છે કે ‘સોરી યાર, હવે તું જ મારી ફર્સ્ટ પ્રાયોરિટી હોઈશ.’
——–
ક્લાઇમેક્સ
એટેન્ડન્સ શીટ અપડેટ કરતાં કરતાં એ ખ્યાલ આવ્યો કે ખૂણે ધરબાયેલી મીઠી મધ જેવી તારી યાદની એક ચબરખી પવનની લહેરખીથી હજીયે સળવળે છે…!

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.