મફતની રેવડી કોને કહેવાય? PM મોદીની ટીપ્પણી વિરુધ AAPના રાજ્યભરમાં દેખાવો, મહિલાઓ સહીત અનેક કાયકર્તાઓની અટકાયત

આપણું ગુજરાત

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ મતદાતાઓને લુભાવવા વિવિધ જાહેરાતો કરી રહ્યા છે. પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને મફત વીજળી આપવાનો વાયદો કર્યો હતો આ અંગે વડાપ્રધાન મોદીએ ટીપ્પણી કરી હતી કે, ‘મફતની રેવડી વહેંચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ઘણું જ ઘાતક છે. આ રેવડી કલ્ચરથી દેશના લોકોએ સાવધ રહેવાની જરૂર છે.’ જેને લઈને આજે રાજ્યભરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એ દેખાવો કર્યા હતા. પોલીસે મહિલાઓ સહીત AAPનાં અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના રાયપુર વિસ્તારમાં બિગ બજાર પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે કાર્યક્રમ યોજાય તેની પહેલાં જ પોલીસે કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત શરૂ કરી દીધી હતી. કાગડાપીઠ પોલીસે 40થી વધુ AAP કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. રોડ પર બેસી ગયેલા કાર્યકર્તાઓને પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડ્યા હતા. કાગડાપીઠ પોલીસે 10થી વધુ મહિલા અને 30થી વધુ પુરુષ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.


આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાવાનો હતો. પરતું ઈસુદાન ગઢવી હાજર રહ્યા ન હતા.
ભાજપની ગુજરાત સરકારના રાજમાં થયેલા છબરડા, ભ્રષ્ટાચાર, શાળાઓની બિસ્માર હાલત, મોંઘવારી,પેપરલીક, ગેરકાયદે દારૂના વેચાણ સંબંધિત ન્યુઝ કટિંગના પોસ્ટર હાથમાં લઈ AAPના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.


અમદાવદ ઉપરાંત સુરત, રાજકોટ,મહેસાણા, તાપી, જુનાગઢ અને વલસાડમાં પણ AAPના કાર્યકર્તાઓ ગુજારત સરકારની પોલ ખોલવા વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા હતા. ભારત માતાકી જય, ઈન્કલાબ જીન્દાબાદ લડેંગે જીતેંગે નારા લગાવ્યા હતા.રાજ્યભરમાં મંજુરી વગર વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયેલા અનેક AAP કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.