એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં ધીરે ધીરે મનોરંજનને પણ ધર્મના રંગે રંગવાના પ્રયાસો વધી રહ્યા છે ને એવા વાહિયાત વાંધા ઊભા કરીને ફિલ્મોનો વિરોધ કરાય છે કે આઘાત લાગી જાય. થોડા સમય શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણેની ‘પઠાણ’ ફિલ્મના બેશરમ રંગ’ ગીત મુદ્દે આવો જ વિવાદ ઊભો કરાયેલો. ‘બેશરમ રંગ’ ગીતમાં દીપિકા પદુકોણેએ પહેરેલી બિકિનીનો રંગ ભગવો હોવાથી હિંદુ ધર્મનું અપમાન થયું હોવાનો મુદ્દો ઊભો કરીને કેટલાક નમૂના કૂદી પડેલા. શાહરૂખ ખાન સહિતના મુસ્લિમ ફિલ્મ સ્ટાર્સ હિંદુ ધર્મનું અપમાન કરવા માટે જાણી જોઈને આ બધું કરે છે એવી વાહિયાત વાતો કરીને ‘પઠાણ’ ફિલ્મનો વિરોધ કરવાના હાકલા પડકારા પણ કરેલા.
આ દેશની પ્રજા આવા નમૂનાઓની વાતોમાં આવતી નથી તેથી ‘પઠાણ’ ફિલ્મમાં દમ નહોતો છતાં ફિલ્મને સુપરહીટ કરાવી દીધી. શાહરૂખ ખાને પોતાની કોઈ ફિલ્મ કદી પાંચસો કરોડનો બિઝનેસ કરશે એવી પણ કલ્પના નહોતી કરી કેમ કે હિંદી ફિલ્મના સ્ટાર્સની માનસિકતા ૨૦૦ કરોડ રૂપિયાથી વધારેની કમાણીની છે જ નહીં. હિંદુ ધર્મના અપમાનના નામે કૂદાકૂદ કરનારા નમૂનાઓના કારણે ‘પઠાણ’ ફિલ્મ ૧૦૪૬ કરોડનો અધધધ કહેવાય એટલો વકરો કરી ગઈ ને હિંદી ફિલ્મોના ઈતિહાસમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ.
‘પઠાણ’ ફિલ્મનો વિરોધ કરનારા ધર્મના નામે ચરી ખાનારા લોકોને દેશની જનતાએ મારેલા તમાચાની ગૂંજ હજુ શમી નથી ત્યાં હવે ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ સામે વાંધા ઊભા કરીને વિરોધ શરૂ કરી દેવાયો છે. આ ફિલ્મ ઈસ્લામ વિરુદ્ધ છે અને તેના કારણે નિર્દોષ લોકોના માનસમાં ઈસ્લામ સામે ઝેર ભરશે એવી દલીલ કરીને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માગ સાથે દેશની કેટલીક હાઈકોર્ટમાં અરજીઓ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈ કોર્ટ પહેલાંથી જ રિલીઝ અને પ્રતિબંધની માગ કરતી અરજીઓ ફગાવી ચૂકી છે છતાં કેરળ હાઈ કોર્ટમાં અરજી થઈ હતી પણ કેરળ હાઈ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે ને ફિલ્મને રિલીઝ કરવા માટે લીલી ઝંડી આપતાં શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ.
‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ કેરળની ઘટનાઓ પર આધારિક હોવાથી ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ ફિલ્મની રિલીઝને પડકારતી સૌથી વધુ છ અરજીઓ કેરળ હાઈ કોર્ટમાં થઈ હતી. આ ફિલ્મ ઈસ્લામ વિરોધી ચિત્રણ કરતી હોવાનો દાવો કરીને અરજદારોએ દલીલ કરી હતી કે, આ ફિલ્મની લોકોના મન પર ખૂબ જ ખરાબ અસર પડશે અને ફિલ્મ નિર્દોષ લોકોના માનસમાં ઝેર ભરશે. કેરળમાં અત્યાર સુધી કોઈ એજન્સી લવ જિહાદ થઈ હોવાનું સાબિત કરી શકી નથી છતાં લવ જિહાદના નામે કુપ્રચાર કરીને ઈસ્લામને બદનામ કરાય છે.
કેરળ હાઈ કોર્ટે આ અરજીનો ડૂચો કરીને ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મની રિલીઝ પર સ્ટેનો ઈન્કાર કરી દીધો. હાઈ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું કે, આ ફિલ્મ ઈસ્લામ વિરુદ્ધ નથી પણ આઈએસઆઈએસ પર છે કે જે આખી દુનિયામાં આતંકવાદી સંગઠન તરીકે કુખ્યાત છે. ‘ધ કેરળ સ્ટોરી’ના ટ્રેલરમાં પણ કંઈ વાંધાજનક નથી. આઈએસઆઈએસઆઈ સહિતનાં આતંકવાદી સંગઠનો પર ઘણી ફિલ્મો આવી ચૂકી છે. એ જ રીતે મુલ્લા-મૌલવીઓને આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા બતાવાયા તેમાં કશું ખોટું નથી. ભૂતકાળમાં ઘણી ફિલ્મોમાં હિંદુ તપસ્વીઓ અને ખ્રિસ્તી ધર્મગુરુઓને દાણચોર તરીકે દર્શાવવામાં આવ્યા જ છે.
હાઈ કોર્ટે એ પણ સ્પષ્ટ કહ્યું કે, કેરળનો ધર્મનિરપેક્ષ સમાજ ફિલ્મને ફિલ્મના સ્વરૂપમાં જ જોશે કેમ કે આ ફિલ્મ ઈતિહાસ નહીં પણ કથા છે. આ પ્રકારની કથા સમાજમાં કોમવાદ અને સંઘર્ષ કેવી રીતે પેદા કરશે? માત્ર ફિલ્મ બતાવવાથી કંઈ થાય નહીં ને ફિલ્મમાં પણ કંઈ વાંધાજનક નથી.‘અલ્લાહ જ ભગવાન છે’ એવી ટીપ્પણીમાં પણ કશું ખોટું નથી કેમ કે આપણો દેશ નાગરિકોને પોતાના ધર્મ અને ભગવાનમાં પોતાની રીતે વિશ્ર્વાસ કરવાનો અધિકાર આપે છે.
કેરળ હાઈ કોર્ટે જે કહેવાનું છે એ કહી જ દીધું છે તેથી વધારે કશું કહેવાની જરૂર નથી પણ આ પ્રકારના વાંધા ઊભા કરનારા લોકોની માનસિકતાની દયા આવે છે. ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં દરેક વ્યક્તિને પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવાની આઝાદી છે. આ અભિપ્રાય કાયદાની મર્યાદામાં રહીને કરાયા હોય તો તેમાં કશું ખોટું નથી. ફિલ્મ બનાવવી એ કાયદાની મર્યાદામાં રહીને કરાતી પ્રવૃત્તિ છે ત્યારે તેની સામે વાંધો ના જ લઈ શકાય.
બીજું એ કે, ફિલ્મ એક બિઝનેસ છે ને આ બિઝનેસ મનોરંજન માટેનો છે. મતલબ કે, કોઈ પણ ફિલ્મ મનોરંજન માટે જ હોય છે. તમને ગમે તો ઠીક, ના ગમે તો ઠીક. દરેક ફિલ્મ દરેક વ્યક્તિને ગમે એ જરૂરી નથી પણ તેના કારણે તમે વાંધો કાઢીને ઊભા રહી જાઓ એ ના ચાલે. લોકો ફિલ્મ જોયા પછી તેની ટીકા કરે તેમાં પણ કશું ખોટું નથી પણ ફિલ્મ જોયા પહેલાં જ તેના વિશે કોઈ પણ ધારણા બાંધી દેવી એ ખોટું છે.
માત્ર ફિલ્મના ટ્રેલરને આધારે ફિલ્મ કોઈ ધર્મની બદબોઈ કરતી હોવાની વાત કરવી કે તેને કોઈ ધર્મ સાથે જોડવાની વાત સંકુચિત માનસિકતાનો વરવો નમૂનો કહેવાય. મનોરંજન અશ્ર્લિલ ના હોવું જોઈએ, હલકું ના હોવું જોઈએ, કોઈ ધર્મ-સંપ્રદાયની બદબોઈ કરતું કે ખરાબ રીતે ચિતરતું ના હોવું જોઈએ કોઈ એ કબૂલ પણ એ જોવા માટે સેન્સર બોર્ડ છે જ. બીજા કોઈએ સુપર સેન્સર બોર્ડ બનવાની જરૂર નથી.
કમનસીબે ભારતમાં સુપર સેન્સર બોર્ડ બનવાના ધખારા હોય એવાં સંગઠનો ને લોકોની પણ સંખ્યા વધી રહી છે. એ લોકો વાત વાતમાં વાંધા કાઢીને ઊભા રહી જાય છે ને કોર્ટનો સમય બગાડે છે. કોર્ટે તેની સામે આકરું વલણ લેવું જોઈએ. વાહિયાત વાંધા કાઢીને ફિલ્મની રિલીઝને રોકવાનો પ્રયત્ન કરનારા કે પ્રતિબંધની માગ કરનારાંને કોર્ટે આકરો દંડ ફટકારવાનું કે જેલમાં ધકેલી દેવાનું વલણ અપનાવવું જોઈએ. યોગ્ય વાંધો હોય તો કોર્ટમાં જાઓ પણ તમને તુક્કો સૂઝે ને કોર્ટમાં હાલ્યા આવો એવું નહીં ચાલે તેનો અહેસાસ કરાવવો જોઈએ.