પિતૃપક્ષમાં મૃત્યુ થવાથી શું થાય? જાણો શાસ્ત્રો શું કહે છે

ધર્મતેજ

પ્રાસંગિક – નિધિ ભટ્ટ

પિતૃપક્ષમાં પ્રાણ ત્યાગવાવાળાને સ્વર્ગમાં સ્થાન મળે છે. માન્યતા અનુસાર પિતૃપક્ષના દિવસોમાં ભલે કોઈ શુભ કાર્ય કરી ન શકાય, પરંતુ આ દિવસો અશુભ નથી હોતા. હાલમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે. આ વર્ષે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨થી શરૂ થયેલો પિતૃપક્ષ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી ચાલશે. પિતૃપક્ષમાં પિતૃની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન જેવા અનુષ્ઠાન કરવામાં આવે છે.
માન્યતા એવી છે કે પિતૃપક્ષ દરમ્યાન તમામ પિતૃ પૃથ્વી પર આવે છે અને આશા રાખે છે કે તેમનાં સંતાનો તેમની માટે શ્રાદ્ધ, તર્પણ કે પિંડદાન કરે, કારણ કે આ કાર્યોથી તેઓ તૃપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે તો તે પિતૃ દેવનું રૂપ ધારણ કરી પોતાના વંશજોની રક્ષા કરે છે. જ્યોતિષ અનુસાર પિતૃપક્ષ દરમ્યાન કોઈ પણ શુભ કાર્ય કરી શકાય નહીં, કારણ કે શાસ્ત્રો અને નક્ષત્ર અનુસાર આ સમય યોગ્ય હોતો નથી, જ્યારે જો પિતૃપક્ષ દરમ્યાન કોઈનું મૃત્યુ થાય તો આનો મતલબ શું છે… ચાલો જાણીએ.
તમે વૃદ્ધોને એમ કહેતા વારંવાર સાંભળ્યા હશે કે પિતૃપક્ષમાં જો કોઈના પ્રાણ જાય તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં પણ આ વાતને સત્ય માનવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પિતૃપક્ષમાં પ્રાણ ત્યાગ કરવાવાળાને સ્વર્ગમાં સ્થાન મળે છે. આ સમયે પરલોક જવાવાળા લોકો માટે સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં રહે છે. એવું મનાય છે કે પિતૃપક્ષમાં મૃત્યુની પ્રાપ્તિ જેમને થાય તે વ્યક્તિનો આત્મા પોતાના દિવંગત પરિજનોના આત્માઓ સાથે સંબંધ જોડવાની કોશિશ કરે છે. આ સાથે જ પોતાના દિવંગત પરિજનોના આત્માઓનું સાંનિધ્ય મેળવી પોતાના આત્માને ઉન્નતિના માર્ગે લઈ જાય છે.

આ રીતે માતાને વધાવો, ઘરમાં થશે સુખ-સમૃદ્ધિની રેલમછેલ
એ જ રીતે આ વર્ષે ૨૬ સપ્ટેમ્બરથી નવરાત્રી પર્વનો શુભારંભ થશે. હિન્દુ ધર્મમાં શરદીય નવરાત્રીનું વધારે મહત્ત્વ છે. આ નવ દિવસોમાં આદ્યશક્તિ નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે અને નવ દિવસ સુધી વિશેષ નિયમોનું પાલન પણ કરવામાં આવે છે. દર વર્ષે અશ્ર્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિના દિવસે શરદીય નવરાત્રી શરૂ થાય છે. ૨૬ સપ્ટેમ્બર સોમવારે મા આદ્યશક્તિ તેમના ભક્તોના ઘરે પધારશે. શાસ્ત્રો અનુસાર શરદીય નવરાત્રીમાં મા દુર્ગાનાં નવ સ્વરૂપોની ૯ દિવસ વિધિવત પૂજા કરવાની હોય છે. દેશના અલગ અલગ ભાગોમાં ધામધૂમથી આ પર્વને મનાવવામાં આવે છે અને મા દુર્ગા પાસે ઉજ્જ્વળ ભવિષ્ય અને સુખસમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ સમય દરમિયાન નિયમોનું પાલન કરનાર વ્યક્તિને ધન અને ઐશ્ર્વર્યના આશીર્વાદ મળે છે.
ચાલો જાણીએ કે કઈ વાતનું ધ્યાન રાખવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થશે…
નવરાત્રી પર્વ દરમિયાન એ વાતનું ધ્યાન રાખવું કે પૂજા કરવા બેસીએ ત્યારે મોઢું ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. આ દિશામાં ગ્રહોના રાજા સૂર્યદેવ વિરાજમાન છે તેથી વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં પૂજા કરવાથી ભક્તોને ખૂબ જ લાભ થાય છે. નવરાત્રી પર્વ દરમિયાન નવ દિવસ સુધી તમારા મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિહ્ન ચોક્કસ લગાવો. આમ કરવાથી મા પ્રસન્ન થાય છે. સ્વસ્તિક બનાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે હળદર અને ચૂનાનો જ ઉપયોગ કરવામાં આવે અને દરવાજાની બંને તરફ તે બનાવવામાં આવે. આ સાથે તમે લીલાં પાંદડાંઓનું તોરણ પણ લગાવી શકો. તેને શુભ માનવામાં આવે છે. માતાના આગમનના સ્વાગત માટે તમે પૂજાસ્થળને લાલ રંગોનાં ફૂલોથી સજાવી શકો અને પૂજામાં પણ લાલ રંગનાં ફૂલ, વસ્ત્ર, ચૂંદડી વગેરેનો ઉપયોગ કરી શકો. લાલ રંગ માતાને અતિ પ્રિય છે અને તેના ઉપયોગથી મા પ્રસન્ન થાય છે. આ સાથે કળશ સ્થાપિત કરતા સમયે એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે પ્રતિમા અને કળશ ઈશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં હોવાં જોઈએ. આ દિશાને દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.