એક જૈન મહારાજ સાહેબ અને સાસણ ગીરના સિંહ ભેગા મળે ત્યારે શું થાય?

ઇન્ટરવલ

નવી સવાર-રમેશ તન્ના

અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યા છે. જૈન સાધુ મહારાજો આખું વર્ષ વિચરણ કરતા રહે છે, પણ ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે રહે છે. જૈન મહારાજો ચાતુર્માસ વિવિધ સ્થળે કરતા હોય છે. ઘણા સાધુ ભગંવતો પ્રકૃતિના સાંનિધ્યમાં ચાતુર્માસ કરતા હોય છે, પણ ગિરનારના જંગલમાં, જ્યાં એશિયાટિક સિંહ નિવાસ કરતા હોય ત્યાં કોઈ સાધુ મહારાજ ચાતુર્માસ કરવાનું આયોજન કરી શકે? આમ તો આ વિચારમાત્ર થથરાવી નાખે તેવો છે.
જૈન મુનિ એટલે અહિંસા. એક નાના જીવને પણ પોતાનાથી સહેજે તકલીફ ન થાય તેવું તેઓ ધ્યાન રાખે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે પોતાનાથી સહેજે હિંસા ન થઈ જાય તેનું જૈન મહારાજ સાહેબો ધ્યાન રાખે.
સિંહ એટલે જંગલનો રાજા. સિંહનો ખોરાક જ બીજાં પ્રાણીઓ. તે માંસાહારી પ્રાણી. શક્તિશાળી અને તાકાતવર.
જૈન મહારાજ સાહેબો અને સાસણ ગીરના સિંહો ભેગા મળે તો શું થાય તેની કલ્પના કરવાનો પણ રોમાંચ થાય.
અહિંસા અને હિંસા જંગલમાં ભેગાં મળે તો શું બને તે જાણવાની બધાને ઈચ્છા થાય.
જૈન મહારાજ સાહેબ આ. હાર્દિકરત્નસૂરિએ વિક્રમ સંવત ૨૦૭૫ એટલે કે ઈસવી સન ૨૦૧૯માં ગિરનારના જંગલમાં ચાતુર્માસ કર્યા હર્તા. તેઓ કહે છે કે જંગલની વાતો સાંભળવી જેટલી સારી લાગે છે તેનાથી પણ જંગલમાં નિવાસ કરવો વધુ આનંદદાયક છે. પ્રશ્ર્ન એ થાય કે જંગલમાં આપણી સુરક્ષા શું? એનો જવાબ આપતાં જૈન મહારાજ સાહેબ આ. હાર્દિકરત્નસૂરિ કહે છે કે પ્રકૃતિ જ આપણું ધ્યાન રાખે એવું અનુભવ્યું. અમે ઘણા સિંહોની વચ્ચે રહેતા હતા. થોડાક દિવસ પછી સિંહ જ અમારું ધ્યાન રાખતા થઈ ગયા હતા. આસપાસમાં સિંહ હોય તો જંગલમાં દીપડા-સાબર-બારહસિંગા કે શિયાળિવાં જેવાં જંગલી પ્રાણીઓને અમારા સુધી આવવાનો અવકાશ જ ન મળે. એકંદરે અમે સૌથી વધુ સુરક્ષિત હતા.
ચાતુર્માસનું સ્થળ ગિરનાર તળેટીથી ચાર કિમી દૂર નિર્જન જંગલમાં હતું. જૈન મહારાજ સાહેબોની આજુબાજુ ત્રણ કિમી વિસ્તારમાં ૨૪ સિંહ હતા. જૈન મહારાજો એક પતરાના શેડમાં રહેતા હતા. અંદર બે રૂમ હતા. બહાર વરંડો હતો. ચારેબાજુ લોખંડની જાળી હતી, એટલે ચાતુર્માસ કરનારા જૈન મહારાજો પાંજરામાં હતા અને સિંહો ખુલ્લા જંગલમાં હતા. આ. હાર્દિકરત્નસૂરિ સહિત પાંચ જૈન મુનિઓએ અહીં ચાતુર્માસ કર્યા હતા તો રાજ, ભાવેશ, વિક્કી, હર્ષિત, આશિષ અને રાજુભાઈ નામના બાલશ્રાવકો પણ હિંસક પશુઓ વચ્ચે રહ્યા હતા. તેમણે જૈન સાધુ મહારાજ સાહેબો સાથે જંગલ નિવાસ કરીને નિર્ભયતા કેળવી હતી.
ચાતુર્માસ દરમિયાન જૈન મહારાજ સાહેબોને જુદા જુદા અનુભવો થયા. જૈન મહારાજોને ગોચરી લેવા માટે ઓછામાં ઓછું દોઢ કિમી અને વધુમાં વધુ ચાર કિમી જવું પડતું. બધા સાધુઓ એકાસણા કરતા. ગોચરી લેવા જાય ત્યારે રસ્તામાં સિંહ મળે. જોકે સિંહ પોતાની મસ્તીમાં હોય. તે જૈન મહારાજો સામે જુએ પણ નહીં. જૈન મહારાજ સાહેબ આ. હાર્દિકરત્નસૂરિએ અનુભવોનું બયાન કરતાં લખ્યું છે કે સિંહ ચાલતો હોય ત્યારે વચ્ચે આડા ઊતરવું નહીં. સિંહ સામો મળે ત્યારે જેમ ઊભા હોઈએ તેમ જ ઊભા રહેવાનું. ચાલવાનું કે બેસવાનું નહીં. સિંહ આપણી બાજુમાંથી ચાલ્યો જાય ત્યારે આપણી સામે જુએ પણ નહીં. સિંહ હંમેશાં મેદાનમાં બેસીને આરામ કરે. માણસની હાજરી સિંહને પસંદ ન હોય તો તે માણસને દૂર કરવા ત્રણ ચેતવણી આપે. ૧) સૌથી પહેલાં તો ઘૂરકે, ૨) પૂંછડું ઊંચું કરે અને ૩) ઊભો થાય. જો આ ત્રણ ચેતવણીથી માણસ હટે નહીં તો સિંહ પંજો મારે.
જૈન મહારાજે સિંહની કેટલીક લાક્ષણિતાઓ પણ નોંધી છે, જેમ કે ઝાડ પરથી ટીપું ટીપું પાણી પોતાના પર પડતું હોય તો સિંહને બિલકુલ ન ગમે. બબ્બર શેર જ્યાં હોય તે વિસ્તારનો એ રાજા ગણાય. તે બીજા કોઈ સિંહને આવવા ન દે. એક સિંહ સાથે ૩-૪ સિંહણ હોય, ૪-૫ બચ્ચાં હોય. સિંહ પરિવાર સાથે રહેવાનું પસંદ કરે. એક વાર સિંહ આપણને ઓળખી જાય પછી વર્ષો સુધી યાદ રાખે. જો તમે સિંહની સામે પીઠ કરીને દોડો તો સિંહ તમને છોડે નહીં, તે તમને પંજો મારે જ. સિંહના પંજામાં ૧૨ બળદ જેટલું બળ હોય છે. બને ત્યાં સુધી સિંહ ગુસ્સે થાય નહીં.
ચાતુર્માસ દરમિયાન જૈન મહારાજ સાહેબો અને સિંહોને જાણે કે પાકો પરિચય થઈ ગયો. બન્ને એકબીજાને જાણે કે ઓળખી ગયા. એકપણ સિંહે ક્યારેય જૈન મહારાજ પર હુમલો તો ન જ કર્યો, પણ એવો પ્રયાસ સુધ્ધાં ન કર્યો. સિંહો જૈન મહારાજની સુરક્ષા કરવા લાગ્યા. સિંહોને થયું હતું કે ભલે એમની જીવનશૈલી આપણા કરતાં જુદી છે, પણ તેઓ પણ આપણા જેવા મહારાજ જ છે.
ચાતુર્માસ દરમિયાન જૈન મહારાજ સાહેબોને સિંહ કરતાં મગરમચ્છોથી વધારે સાવધાની રાખવી પડતી હતી. ચાતુર્માસના સ્થળની ત્રણ બાજુ તળાવો હતાં. એક એક તળાવમાં ૧૨-૧૫ મગરો હતા. મગરની લંબાઈ બે ફૂટથી શરૂ કરીને ૧૨ ફૂટ સુધીની હતી. ગોચરી જવાના સમયે મગર તળાવમાંથી બહાર નીકળીને રસ્તા પર સૂરજનો તડકો ખાવા આવતા. મગરની પીઠ અને ડુંગરોના પથ્થરોનો રંગ એકસરખો હોવાથી જૈન મહારાજ સાહેબોએ ચાલતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડતું. ભૂલથી પણ મગર પર પગ ન આવી જાય તેનું ધ્યાન રાખવું પડતું.
જંગલોમાં વાંદરાઓ જૈન મહારાજ સાહેબોના મિત્રો બની ગયા હતા. ૫૦૦ મીટરના વિસ્તારમાં દીપડા આવે કે વાંદરાઓનું ટોળું વિચિત્ર અવાજ કરીને તમામને ચેતવી દેતું. ગિરનાર તળેટીના જંગલમાં આશરે ૩૦૦ દીપડા છે. દીપડાઓ જૈન મહારાજ સુધી ન પહોંચે તેનું સિંહ ધ્યાન રાખતા હતા.
ચાતુર્માસ હોવાથી વરસાદ ખૂબ પડતો. વરસાદને કારણે ક્ષુદ્ધજંતુઓની ઉત્પત્તિ થતી. જૈન મહારાજ સાહેબોએ નોંધ્યું છે કે જેમ જેમ નક્ષત્રો બદલાતાં તેમ તેમ એક જ દિવસમાં જૂના ક્ષુદ્ધજંતુઓ ગાયબ થઈ જતા અને નવા આવી જતા. શ્રાવણ સુદ ૧૫ (પૂનમ) પછી દરરોજ પાંચ-સાત સાપ જોવા મળતા. આ દિવસોમાં સાપ, વીંછી, કાનખજૂરા વગેરે જૈન મહારાજો જે ખંડમાં રહેતા હતા તેમાં સાથે રહેવા આવી જતા. આ. હાર્દિકરત્નસૂરિ કહે છે કે એક ખૂણામાં ચૂપચાપ બેસી જાય. કંઈ કરે નહીં, વરસાદ બંધ થાય ત્યારે બધા જાતે જ જતા રહે. ક્યારેક તો આખી રાત વરસાદ ચાલે, જૈન મહારાજો પાટ પર સંથારો કરતા હોય અને સાપ, વીંછી, કાનખજૂરા આરામથી એક ખૂણામાં ભરાઈને બેસી રહે. આમ એક જ રૂમમાં જૈન સાધુ ભગંવતો અને સાપ, વીંછી, કાનખજૂરા એકસાથે રહે. જંગલમાં ચાતુર્માસ કરો એટલે આવા અનુભવો સહજ રીતે થાય જ.
ચાતુર્માસ દરમિયાન બે ફૂટની ઊંચાઈનું એક ઘુવડ આખી રાત જૈન મહારાજોની ચોકી કરતું. સૂરજદાદાનાં કિરણો વૃક્ષોમાં રંગોળી રચતાં તો ચાંદામામા ગિરિવર શિખરોમાં મસ્તીથી વિહરતા. પાણીનાં વહેણોમાં માછલીઓ દોડાદોડ કરતી. સાબરનાં ટોળાં ચમકતી આંખોથી જૈન મહારાજ સાહેબોને ટગર ટગર જોતાં.
આ. હાર્દિકરત્નસૂરિ ગિરનાર જંગલમાં ચાતુર્માસ પુસ્તકમાં નોંધે છે કે પ્રાણીઓ પ્રેમનાં ભૂખ્યાં હોય છે. ગમે તેવા ખૂનખાર પ્રાણીને એક મીઠી નજરે જોવાથી તે શાંત થઈ જાય છે. પ્રાણીઓની સૂંઘવાની શક્તિ સતેજ હોય છે. એ આપણને સૂંઘીને નક્કી કરી લે કે આ માણસ મને હેરાન કરશે કે નહીં. કોઈ પણ અજાણ્યા સ્થળે ૧૦ દિવસ રોકાવાથી ક્ષેત્રભય દૂર થાય છે. જંગલમાં સંયમ, સાધના વધુ તીક્ષ્ણ થાય છે. દેવતત્ત્વ-ગુરુતત્ત્વનો નિકટતમ સ્પર્શ થાય છે. કુદરત સાથે રહેવાથી આપણને કુદરત ખૂબ સાચવે. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે, તો સ્વભાવ અને કુદરતની વચ્ચે કંઈક તો એવો સંબંધ હોવો જોઈએ જે આપણને આનંદવિભોર કરી મૂકે…
જૈન મહારાજ સાહેબોના ગિરનારના જંગલમાં ચાતુર્માસ કરવાના મુખ્ય હેતુઓ આટલા હતા: જૈન સાધુઓને નવાં ક્ષેત્રોમાં વિચરવા ઉત્સાહ પ્રેરવો, જંગલના અનુભવો જાણવા, ગિરનારની અગમ્યતાનું આંશિક દિગ્દર્શન કરવું, દેવ-ગુરુકૃપાના સાક્ષાત્કારનો અનુભવ કરવો, પ્રાચીનકાળમાં જૈન સાધુઓ આખી જિંદગી જંગલમાં કેવી રીતે રહેતા હશે તેનો આંશિક અનુભવ કરવો, પ્રકૃતિને નજીકથી જોવી અને સમજવી, ઓષધિઓની જાણકારી મેળવવી વગેરે. આ અને આ ઉપરાંતનાં બીજાં પ્રયોજન ગિરનારનાં જંગલોમાં ચાતુર્માસ કરીને જૈન મહારાજ સાહેબોઓ સિદ્ધ કર્યાં હતાં તે નોંધવું જોઈએ.
આ. હાર્દિકરત્નસૂરિ મહારાજ સાહેબે પોતાના સાથીમુનિઓ સાથે, ઈતિહાસમાં પહેલી વાર, હિમાલયની ચાર ધામની યાત્રા જૈન ધર્મના તમામ નિયમોનું પાલન કરીને પૂર્ણ કરી હતી. ૮૦ દિવસમાં ૨,૦૦૦ કિમી ચાલીને તેમણે કરેલી યાત્રાનું વર્ણન ત્રણ ગ્રંથોમાં કર્યું છે. હિમાલયની પ્રાકૃતિક સંપદાને સુંદર રીતે રજૂ કરતા, હિમાલયની ઔષધિઓ વિશે તલસ્પર્શી માહિતી આપતા, અનેક આકર્ષક તસવીરોથી શોભતા આ ગ્રંથો ખૂબ જ વખણાયા છે. અત્યારે વિક્રમ સંવત ૨૦૭૮નો ચાતુર્માસ આ. હાર્દિકરત્નસૂરિ મહારાજ મુંબઈના મુલુંડ વિસ્તારમાં કરી રહ્યા છે.
************************

છાંયડો:

ચાતુર્માસના છેલ્લા દિવસોમાં તો ઘણા બધા મગરમચ્છો સાથે અમારી દોસ્તી થઈ ગઈ હતી. એની સાથે એની બાજુમાં બેસીને ધ્યાન કરો, રમત રમો, વાતો કરો, નિસર્ગને માણો. કંઈ પણ કરો. મગરમચ્છની સાથે ક્ષણો વિતાવવી એ કેવી મજેદાર વાત છે, પણ ડરવાનું નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.