એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
છેલ્લા કેટલાક સમયથી સતત વધતી જતી મોંઘવારીને નાથવા માટેનાં હવાતિયાંના ભાગરૂપે ભારતીય રિઝર્વ બૅંક રેપો રેટમાં વધારો ઝીંક્યા કરે છે. બુધવારે રિઝર્વ બૅંકે રેપો રેટમાં વધારાનો વધુ એક ડોઝ આપીને ૨૫ બેઝિસ પોઈન્ટ એટલે કે ૦.૨૫ ટકાનો વધારો કરતાં રેપો રેટ ૬.૨૫ ટકાથી વધીને ૬.૫૦ ટકા થઈ ગયો છે. તેના કારણે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક લોનના વ્યાજ દર વધી જશે અને લોકોએ વધારે હપ્તા ચૂકવવા પડશે. દરેક વાર રેપો રેટ વધે ત્યારે આપણે આ વાત કરીએ છીએ પણ સરકાર મોંઘવારી ઘટાડી શકતી નથી તેથી રિઝર્વ બેંક પાસે બીજો ઉપાય નથી. રિઝર્વ બૅંક હજુ પણ રેપો રેટ વધારશે ને ફરી વધારશે ત્યારે આ જ વાતો થશે.
આપણે અત્યારે એ વાત નથી કરવી પણ બીજી વાત કરવી છે. ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર શક્તિકાન્ત દાસે રેપો રેટમાં વધારાની જાહેરાત કરતી વખતે પત્રકારોના સવાલોના જવાબ પણ આપ્યા. અદાણી જૂથના શેરો તૂટી રહ્યા છે તેના કારણ અદાણી ગ્રુપને અપાયેલી કરોડો રૂપિયાની લોનનું નાહી નાખવું તો નહી પડે એવી ચિંતા વ્યક્ત કરી ત્યારે શક્તિકાન્ત દાસે એમ કહીને વાતને ઉડાવવાનો પ્રયાસ કર્યો કે, હવે ભારતીય બૅંકિંગ સિસ્ટમની તાકાત, કદ અને પ્રતિકાર ક્ષમતા એટલી બધી છે કે, આવા એકાદ કેસના કારણે તેને કોઈ અસર ના થાય.
હિંડબનર્ગ રિપોર્ટના કારણે અદાણીનું ઉઠમણું થઈ જશે એવી વાતો ચાલી પછી રિઝર્વ બેંકે અદાણી ગ્રુપને અપાયેલી લોનની સ્થિતી અંગે પોતાની રીતે મૂલ્યાંકન કરવાની જાહેરાત કરેલી. દાસે સધિયારો આપ્યો છે કે, આ મૂલ્યાંકન પતી ગયું છે ને રિઝર્વ બૅંક શુક્રવારે એટલે કે આજે નિવેદન બહાર પાડીને સ્થિતિ સ્પષ્ટ કરશે. રિઝર્વ બૅંકના નિવેદનમાં ખરેખર શું હશે તેની ખબર તો નિવેદન બહાર પાડશે ત્યારે પડશે પણ આ નિવેદનમાં શું હશે તેનો સંકેત દાસે અત્યારથી આપી દીધો છે. રિઝર્વ બૅંક તેના નિવેદનમાં ઓલ ઈઝ વેલની ઘંટડી વગાડશે એ સ્પષ્ટ છે. અદાણી જૂથ ડૂબી જાય તો પણ બૅંકોને વાંધો નહીં આવે એવી રેકર્ડ આ નિવેદનમાં વગાડાશે.
શક્તિકાન્ત દાસ રિઝર્વ બૅંકના ગવર્નર છે ને આ હોદ્દા પર બેઠેલી વ્યક્તિ પાસેથી કોઈ પણ જવાબદારીભરી વાતોની અપેક્ષા રાખે. દાસે આ વાતો કરીને સાબિત કર્યું છે કે, તેમને ભારતની બૅંકિંગ સિસ્ટમ કરતાં વધારે ચિંતા જેમના કારણે પોતે આ હોદ્દા પર બેઠા છે તેમને ખરાબ ના લાગે તેની છે. ભારતીય બૅંકિંગ સિસ્ટમની મજબૂતાઈ કે કદ વિશે દાસે જે કંઈ કહ્યું તેની સામે આપણને વાંધો નથી પણ અદાણીને અપાયેલી લોનને દાસ એક કેસ ગણાવે છે એ આઘાતજનક છે.
અદાણી જૂથે કરેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે જ અદાણ ગ્રુપે ભારતીય બૅંકો પાસેથી ૮૦ હજાર કરોડ રૂપિયાની લોન
લીધી છે. દાસને આ રકમ બહુ મોટી લાગતી નથી ને એ ડૂબી જાય તો પણ ભારતીય બૅંકિંગ સિસ્ટમને કશો ફરક ના પડે એવી વાતો કરે છે એ આઘાતજનક કહેવાય. ૮૦ હજાર કરોડ રૂપિયા ભારત માટે જ નહીં પણ કોઈ પણ દેશના અર્થતંત્ર માટે બહુ મોટી રકમ જ કહેવાય ને આ રકમ ડૂબે તો તેની અસર અર્થતંત્ર પર પડે જ.
દુનિયામાં કોઈ પણ દેશની બૅંકિંગ સિસ્ટમ એટલી પોચી ના જ હોય કે, લોનનાં નાણાં ડૂબે એટલે ભાંગી પડે પણ તેની અસર તો વર્તાય જ. તેના કારણે બૅંકનો નફો ઘટે, પ્રવાહિતા ઘટે ને તેની અસર બજાર પર પણ વર્તાય. બૅંકો જે પણ લોન આપે છે એ લાખો ગ્રાહકોએ મૂકેલી ડીપોઝિટમાંથી અપાય છે. બૅંકની લોન ડૂબે એટલે આડકતરી રીતે એ લોકોનાં નાણાં ડૂબ્યાં કહેવાય. બૅંકની લોન ડૂબે એટલે તેના શેરના ભાવ ગગડે ને તેના પર ભરોસો કરનારા રોકાણકારોએ આકરી કિંમત ચૂકવવી પડે. સીધી રીતે બેકિંગ સિસ્ટમને કોઈ અસર ના થાય પણ સામાન્ય લોકો તેની કિંમત ચૂકવતા જ હોય છે. દાસને આ વાત ના સમજાય એવું નથી પણ પોલિટિકલ બોસીસને ખુશ રાખવા ઓલ ઈઝ વેલની રેકર્ડ વગાડ્યા કરે છે.
આપણી કમનસીબી એ છે કે, આપણી બૅંકિંગ સિસ્ટમ આવા લોકોને ભરોસે છે. પોતે બૅંકિંગ સિસ્ટમમાં મહત્ત્વના સ્થાને છે તો પોતાની જવાબદારી સામાન્ય લોકોનાં અને દેશનાં હિતો સાચવવાની છે એ સમજવાના બદલે પોતાનાં હિતો કે પોતાના મળતિયાઓનાં હિતો સાચવનારા જ ભર્યા છે.
દાસ તો છેક ઉપલા સ્તરે બેઠેલા છે પણ ઉપરથી નીચે સુધી આવા જ નમૂના ભર્યા છે ને તેના કારણે જ બૅંકોમાં કૌભાંડો થાય છે. અદાણીના કેસમાં શું થશે એ ખબર નથી તેથી તેની વાત કરતા નથી પણ અત્યાર લગીનાં જેટલાં બૅંક કૌભાંડ થયાં તેના પર નજર નાખશો તો આ વાત સમજાશે.
બૅંકોમા કામ માટેની એક સિસ્ટમ છે. તેના કારણે બૅંકો વચ્ચેનો વ્યવહાર ખાનગી રાખી શકાય નહીં. બૅંકમાં થયેલા ગોટાળાની વિગતો મૅનેજમેન્ટ પાસે એ વિગતો આવે જ. ઓડિટર્સ પાસે પણ વિગતો આવે જ પણ બધા પોતાનાં હિતો સાચવીને ચૂપ રહે છે તેમાં કૌભાંડો થાય છે. રિઝર્વ બૅંક પણ તેમાં આવી ગઈ કેમ કે રિઝર્વ બૅંક પણ આ બધી પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરે જ છે.
આ સમસ્યાનો ઉકેલ મોટાં માથાંની જવાબદારી નક્કી કરવાની છે. મેહુલ ચોકસી અને નિરવ મોદીના કૌભાંડ વખતે નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહેલું કે, રેગ્યુલેટર્સ એકાઉન્ટેબલ નથી તેથી આ બધું થાય છે. જેટલીની વાત સાવ સાચી છે. રિઝર્વ બૅંક રેગ્યુલેટર છે ને દાસની બેજવાબદારીભરી વાતો જેટલીને સાચી ઠેરવે છે.
બૅંકિંગ સિસ્ટમને ફૂલપ્રૂફ બનાવવા માટે બૅંકિંગ ક્ષેત્રનાં મોટાં માથાંની જવાબદારી નક્કી કરવાની જરૂર છે જ. કોઈ પણ ભ્રષ્ટાચાર થાય એટલે તેની જવાબદારી બૅંકના અધિકારીઓથી માંડીને ટોપ મૅનેજમેન્ટ, ઓડિટર્સ પર જ આવે તેવું થવું જોઈએ. એ લોકોને સીધા જેલમાં નખાય ને તેમના પર ફોજદારી બિનજામીનપાત્ર ગુનો નોંધીને જેલમાં બંધ કરી દેવાની જોગવાઈ થવી જ જોઈએ પણ દાસ જેવા માણસો સિસ્ટમમાં બેઠા હોય પછી એવું ક્યાંથી થાય?