ગર્ભપાત બાદ તબિયત ખરાબ રહે એવું બને?

લાડકી

કેતકી જાની

સવાલ: મારી ૨૩ વર્ષની મિત્રનાં પાંચ મહિના પૂર્વે લગ્ન થયા બાદ તાજેતરમાં જ ત્રણેક મહિનાનો ગર્ભપાત થયો છે. ત્યાર બાદ તેની તબિયત ખરાબ રહે છે. આમ ગર્ભપાત ખૂબ સામાન્ય ગણાય છે, તો તેની સાથે આમ કેમ થયું? મારે ગર્ભપાત વિશે અથથી ઈતિ જાણવું છે, જણાવશો?
જવાબ: ચોક્કસ જણાવીશું બહેન, આ કૉલમનો ઉદ્દેશ જ આ છે. ‘ગર્ભપાત’ એવી સ્થિતિ હોય છે જે કોઈ પણ સ્ત્રીને શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે સુધ્ધાં દુ:ખદાયી હોય છે. ભ્રૂણને નષ્ટ કરાવવો કે થવો ‘ગર્ભપાત’ કહેવાય છે. ડૉક્ટર્સ સ્ત્રીની શારીરિક સ્થિતિ અને સંજોગો અનુસાર મેડિકલ અથવા સર્જરી કોઈ પણ એક પદ્ધતિ દ્વારા સુરક્ષિત ગર્ભપાત કરે છે. કોઈ પણ સ્ત્રીને ગર્ભાવસ્થાની શરૂઆતનાં બાર અઠવાડિયાંના સમયગાળ દરમિયાન ગર્ભ નષ્ટ થાય અથવા કરવામાં આવે તો સલામત ગણાય છે. તમારી મિત્રના કેસમાં ડિટેલ્સ ખબર નથી તેથી કયાં કારણોસર તેની તબિયત ગર્ભપાત બાદ ખરાબ રહે છે, તે કહેવું મુશ્કેલ છે, પરંતુ સામાન્યત: ગર્ભપાત બાદ થોડી ઘણી સાવધાની રાખવી હિતાવહ છે, જેમ કે સંપૂર્ણ આરામ-બેડ રેસ્ટ કરવો. ડૉક્ટર્સે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ નિયમિત રીતે ભરપૂર સમતોલ આહાર સાથે લેવી. સ્તનમાં સહજતાભર્યા ફેરફાર લાગે ત્યારે તેને દબાવીને જો પ્રવાહી નીકળે તો કાઢી નાખી ફિટ બ્રા પહેરવાથી આરામ મળે. ભરપૂર પાણી, ફ્ૂટ, જ્યુસ ઇનટેક લઇ બૉડી હાઇડ્રેટ રાખવું જોઇએ. પેટમાં મરોડ કે દર્દ લાગે તો હીટિંગ પેડ વાપરવું, ગરમ પાણીથી નહાતી વખતે પેટ પર ધાર કરવી અને સૌથી મહત્ત્વ છે મનને મનાવવું. મનગમતાં કામ કરવાં અને ગર્ભપાત થયો/કર્યો તેનાં કારણોની સતત ચિંતા કર્યા કરવાને બદલે મનને ડાઇવર્ટ કરવું. ગર્ભપાત બાદ ઘણી સ્ત્રીઓ તેના ‘આઘાત’થી બચી નથી શકતી અને તેમને વધુ બ્લીડિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે. માટે ગર્ભપાત બાદનો સમય ખૂબ નાજુક ગણાય છે. દરેક સ્ત્રીએ આ દરમિયાન પોતાનુંં વિશેષ ધ્યાન રાખવું અનિવાર્ય છે. છતાં ક્રમશ: ઓછું થવાને બદલે બ્લીડિંગ વધે, તાવ જેવું લાગે કે સતત ઊલટી-ઊબકા આવે તો તુરંત ડૉક્ટરને મળવું જોઇએ. ઘરના કહે તેમ જાતે જાતે અવનવા ઉપાયો કદી ન કરવા. આ ઉપરાંત કોઇ પણ પ્રકારના ગર્ભપાત બાદ ગર્ભાશય અને યોનિમાર્ગનું સંક્રમણ-ઇન્ફેક્શન થવાના ચાન્સ પણ વધારે હોય છે. માટે ડૉક્ટરના કહ્યા મુજબ દવાઓ લેવાની સાથે જ ટાઇમ ટુ ટાઇમ પેડ બદલવા, યોનિમાર્ગ સ્વચ્છ રાખવો, સ્વચ્છ કોટન અંડરગારમેન્ટ પહેરવાં વગેરે જેવી સાવધાની રાખવી જરૂરી છે. આ ઉપરાંત ગર્ભપાત પ્રશિક્ષિત અને અનુભવી ગાયનેકૉલોજિસ્ટ પાસે જ કરાવવો. મેડિકલ કે સર્જિકલ આ બન્ને પ્રકારના ગર્ભપાત આગળ જણાવ્યું તેમ ગાયનેકૉલોજિસ્ટ દ્વારા તેમની સલાહનુસાર જ થવા જોઇએ. ઘણા લોકો જાતે જાતે મેડિકલ ગર્ભપાત કરતા હોય છે અને પછી થોડા જ દિવસોમાં તબિયત ખરાબ થતાં નાછૂટકે ગાયનેકૉલોજિસ્ટનો સંપર્ક કરે છે. આમ કરવું ક્યારેક જીવલેણ બની શકે છે. મેડિકલ ગર્ભપાત બાદ પણ ગર્ભ સંપૂર્ણ રીતે નિકાલ પામ્યો કે નહીં તેની સોનોગ્રાફી દ્વારા તપાસ કરવી પડે છે જે ગાયનેકની સલાહનુસાર જ શક્ય બને, માટે કોઈ પણ સ્ત્રીએ જીવનમાં કદી જાતે જ થોડાં જ અઠવાડિયાંનો ગર્ભ છે વિચારી મેડિકલ એબોર્શન ન કરવું જોઇએ. ગર્ભપાત બાદ તુરંત જ ગર્ભ ધારણ થવાની શક્યતા વધી જતી હોય છે, માટે બાળક ન ઇચ્છતી હોય તેવી સ્ત્રીઓ કે તેવા દંપતીએ ગર્ભપાત બાદ યોગ્ય દિવસો (ગાયનેકની સલાહનુસાર)પછી અત્યંત સુરક્ષિત સેક્સ સંબંધ બાંધવો જોઇએ. શક્ય હોય તો એક ગર્ભપાત બાદ છ મહિના સુધી બાળક/ગર્ભ ન રહે તેવું પ્લાનિંગ કરવું જોઇએ. જે ગર્ભ પોતાની મેળે જ ગર્ભાશયમાં મૃત થઇ જાય તે ‘મિસકેરેજ’ છે, જે જાણીબૂઝીને સમજીને ગર્ભાશયમાંથી બહાર કાઢવામાં આવે તેને જ ‘ગર્ભપાત’ કહેવાય છે. ઇન શોર્ટ ભ્રૂણનું પ્રાકૃતિક મૃત્યુ ‘મિસકેરેજ’ કહેવાય. ક્યારેક ગર્ભમાં ભ્રૂણનો વિકાસ વ્યવસ્થિત ન હોય તેવી અને જન્મ બાદ ભ્રૂણના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આવી શકે તેમ લાગે ત્યારે ડૉક્ટર્સ પોતે ‘ગર્ભપાત’ કરવા સૂચવી શકે. ક્યારેક કાનૂની રાહે (બળાત્કારના કેસોમાં) વિચારવિમર્શ બાદ સુધ્ધાં ગર્ભપાત કરવામાં આવે છે. ઇન શોર્ટ ગર્ભધારણની ક્ષણથી ભ્રૂણ જીવિત અવસ્થા પામે તે પહેલાં કોઇ પણ કારણોસર તેને ‘ગર્ભાશય’થી અળગો કરાય તે ‘ગર્ભપાત’, અસ્તુ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.