સ્ત્રી શું ઝંખે છે? એક કોન્ફિડન્ટ પુરુષ

પુરુષ

મેલ મેટર્સ-અંકિત દેસાઈ

સ્ત્રી શું ઝંખે છે? એક કોન્ફિડન્ટ પુરુષ
પુરુષ બાબતે સ્ત્રીઓ શું વિચારે છે કે સ્ત્રીઓને શું એક્સપેક્ટેશન્સ હોય છે એ બાબતે આજ સુધી અનેક ચર્ચાઓ થઈ છે. કોઈ કહે છે કે સ્ત્રીને પુરુષનો પૈસો વહાલો હોય છે. તો કોઈ કહે છે કે સ્ત્રીને પુરુષનો બરછટ, બેફિકર સ્વભાવ અત્યંત પસંદ હોય છે. કોઈ કહે કે સ્ત્રીને કેરિંગ પુરુષ જ હંમેશાં પસંદ પડતો હોય છે, જે તેની કાળજી રાખી શકતો હોય છે. તો હાલમાં એક જગ્યાએ એક જાણીતા લેખકનું સ્ટેટસ વાંચવા મળ્યું કે ‘નથિંગ એટ્રેક્સ અ વુમન મોર ધેન ધ કોન્ડસ ઑફ ધ મેન’. આ વાક્યને સ્ત્રીઓ દ્વારા સૌથી વધુ વધાવી લેવાયું હતું.
આ સ્ટેટસની કોમેન્ટ્સ વાંચી તો ખ્યાલ આવ્યો કે સ્ત્રીઓએ જ એમાં કબૂલ કર્યું હતું કે સ્ત્રી તરીકે જ્યારે તેઓ સામાજિક કે પ્રોફેશનલ ફ્રન્ટ પર કેટલીક રૂઢિ, ગેરમાન્યતાઓ કે અંધશ્રદ્ધાનો સામનો કરે છે ત્યારે તેમને મન તેમના પાર્ટનરનો કોન્ફિડન્સ અત્યંત મહત્ત્વનો હોય છે. આખરે તેમના પાર્ટનરનો કોન્ફિડન્સ જ તેમને એ રૂઢિઓ કે સ્ત્રી તરીકે તેમના પર થોપી દેવાતી ગેરમાન્યતાઓને બ્રેક કરવામાં તાકાત આપે છે.
એવા કિસ્સામાં જ્યારે પુરુષ સમાજની ચિંતા નથી કરતો તેનાથી સ્ત્રીને મન મોટી ધરપત ઊભી થતી હોય છે. આખરે સ્ત્રીને તો આમેય સમાજ સાથે કોઈ નિસ્બત નથી. તેને તો તેનો પિયુ રાજી એટલે જગત રાજી, પરંતુ મોટા ભાગના કિસ્સામાં એવું બનતું હોય છે કે પુરુષો સામાજિક સ્તરે કેટલીક બાબતોમાં આત્મવિશ્ર્વાસ રાખી શકતા નથી, જેને કારણે તેઓ પણ સ્ત્રીઓ પર લાદી દેવાયેલી કેટલીક સામાજિક મર્યાદાઓનું મને-કમને સમર્થન કરે છે અથવા એ ગેરમાન્યતા બાબતે એવો મધ્યમ માર્ગ કાઢે કે ‘તમે ઘરમાં આવું કરજો, પણ બહાર આવું નહીં કરવાનું, ફાજલ કોઈ કહી જાય.’
આવા સમયે સ્ત્રીઓ અત્યંત ઈન્સલ્ટેડ ફીલ કરતી હોય છે. આફ્ટરઑલ તેમણે ઘરમાં અને બહાર બે જુદી જુદી રીતે વર્તવું એ વિશેની એસઓપી તેને બીજાઓના માપદંડોને હિસાબે અપાય છે અને એ માપદંડો તેનો પાર્ટનર પોતાની પસંદ પ્રમાણે નહીં, પરંતુ સમાજની પસંદ પ્રમાણે નક્કી કરતો હોય છે. સ્ત્રીને તો એક વાર તેનો પાર્ટનર પોતાની માન્યતાને આધારે કે પોતાની પસંદને આધારે કોઈ બાબતની ફરજ પાડે તો એ
એને ગમતું હોય છે, પરંતુ પોતાના આત્મવિશ્ર્વાસના અભાવે જ્યારે પુરુષ સમાજની માન્યતાઓ અનુસરવા સ્ત્રીને ફરજ પાડે ત્યારે તેના માટે જીવવું દુષ્કર થઈ જતું હોય છે.
એવા સમયે સ્ત્રી સતત એવું ઝંખતી હોય છે કે તેનો પાર્ટનર આવી બાબતોમાં પોતાનો આત્મવિશ્ર્વાસ કેળવે અને આત્મવિશ્ર્વાસપૂર્વક અમુક સ્ટેન્ડ લે. આમેય આજના સમયમાં સ્ત્રી ઘણી બધી બાબતોમાં ઈન્ડિપેન્ડન્ટ છે. તે ખૂબ ભણી હોય છે અને તે આર્થિક રીતે પણ પગભર હોય છે,
પણ સામાજિક માળખાને અનુસરવાને કારણે તેણે જાણ્યે કે અજાણ્યે કેટલાક સામાજિક ટેબુઝનો સામનો કરવો પડતો હોય છે અને એવા સમયે જ તેને તેના પાર્ટનરના સ્ટ્રોંગ સ્ટેન્ડની જરૂર પડતી હોય છે. જો આવા સમયે તેનો પાર્ટનર આત્મવિશ્ર્વાસપૂર્વક સ્ત્રીને અમુક બાબતોએ નચિંત રહેવા કહે છે કે પોતાની પસંદ મુજબ જીવવાની તક આપે છે તો સ્ત્રીને મન અહીં જ સ્વર્ગ થઈ જાય છે. કદાચ એટલે જ ઉપરના વાક્યમાં એવું કહેવાયું છે કે સ્ત્રીને બીજું કશું નથી જોઈતું, સ્ત્રીને જોઈએ છે એક આત્મવિશ્ર્વાસુ પાર્ટનર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.