તમે શું માનો છો? કોઈને માફ ન કરીને તમે સુખી થાઓ છો?

44

મેલ મેટર્સ-અંકિત દેસાઈ

આજે વાત કરીએ માફી સંદર્ભે. આપણે ત્યાં માફી આપનારને મહાન ભલે કહ્યો હોય, પરંતુ આપણે જાતતપાસ કરવાની થાય છે કે શું આપણે ખરેખર કોઈને માફ કરી શકીએ છીએ ખરા? જો આપણે આપણી જાતને વફાદાર હોઈશું તો એક વાત આપણને ખાસ સમજાશે કે આપણે મોટાભાગના કિસ્સામાં સામેના માણસને માફ કરી શકતા નથી. પણ હવે આ મુદ્દો જરા બીજા દૃષ્ટિકોણથી સમજીએ કે કોઈને માફ ન કરીને આપણે સુખી રહી શકીએ છીએ ખરા? આપણી અંદર એક આગવી મુક્તિનો અહેસાસ કરી શકીએ છીએ ખરા? કે પછી આપણે કોઈને માફ ન કરીને મનમાં જ પરણતા રહીએ છીએ અને મનમાં જ રંડાતા રહીએ છીએ?
સી, આપણા જીવનના મોટાભાગના કોન્ફ્લિક્ટ્સમાં આપણે કંઈ દર વખતે સીધી મારામારી કે સીધા દાવપેચો રમતા નથી. બલકે મોટાભાગના કોન્ફ્લિક્ટ્સમાં સામેનો માણસ પણ આપણા જેવો જ અથવા આપણા કરતા કદાવર હોવાનો એટલે આપણે ચાહીને પણ તેને મનમાં જે ધૂળ ચટાડવાનું કે ભોંયભેગો કરવાનું વિચારીએ છીએ એ શક્ય બનતું નથી. પણ આપણે છીએ કે કોન્ફ્લિક્ટ્સ થઈ જાય પછી સામેના માણસને દાઢમાં જરૂર રાખી મૂકીએ છીએ, જે વૃત્તિ આપણી મૂળભૂત પીડાનું કારણ બને છે.
કારણ કે આવા કિસ્સામાં પહેલું પગલું તો એ જ ભરવાનું થાય કે ચાલો ભાઈ કોઈક કાચી ક્ષણે કોઈક સાથે થઈ ગઈ બબાલ. ઈરાદાપૂર્વક કે સાવ ઓચિંતા! પરંતુ એ બબાલ કંઈ આખી જિંદગી થોડી ચલાવવી છે? આપણી પાસે એવી ઊર્જા કે એવો સમય પણ થોડો હોય? તો પછી સામેનું પાત્ર થોડુંઘણું પણ સેન્સિબલ હોય તો લાગ મળ્યે તેની સાથે પેચઅપ કરી લેવાનું હોય. થોડી ફરિયાદો કરી લેવાની હોય, થોડી માફી માગી લેવાની હોય અને ભલે પછી બાપજન્મારે તમારે એની સાથે પનારો નહીં પાડવો હોય, પરંતુ તમારે એ મેટર હેપી એન્ડિંગથી સોલ્વ કરી લેવી જેથી તમારા દિલને તાઢક રહે. તેમજ એ વ્યક્તિ સાથે ફરી ક્યારેક આમનેસામને થવાની નોબત આવે તો તમારે દરેક પ્રસંગે હૈયે હોળી ન પ્રકટે.
પરંતુ જો તમારી પાસે સામેના માણસ સાથે પેચઅપ કરી લેવા જેવી ખેલદિલી નથી. અથવા તો એવી કોઈ સ્થિતિ નથી સર્જાતી તો તમારે એક બાબત તો કરવાની થાય જ છે કે તમારે એને મનમાં માફ કરી દેવાનો અને તેને મુક્ત કરી દેવાનો છે. કે હવે તમે એની સાથે પનારો નહીં પાડો, એમ એ વ્યક્તિ કંઈ પણ કરે કે વર્તે તો તેનાથી તમને કોઈ ફરક નથી પડવાનો. પણ આપણે છીએ કે તેને મનમાં માફ કરવાની જગ્યાએ દાઢમાં રાખી મૂકીએ છીએ. એને કારણે પેલો સામેનો માણસ તો તેના જીવનમાં અને મસ્તીમાં મસ્ત હોય, પરંતુ આપણે મનમાં ને મનમાં કટુતાનું વમળ સર્જતા રહીએ છીએ.
તમે જોજો આવા કિસ્સામાં આપણા સિવાય બીજા કોઈને ફરક નથી પડતો. પણ આપણને જેની સાથે કોન્ફ્લિક્ટ્સ થયા હોય એવા લોકો સતત આપણા મન પર સવાર રહેતા હોય છે અને જાણે લોકો આપણી સામે જ છે કે તેઓ આપણને જોઈ રહ્યા છે એ રીતે આપણે તેમને કચડવા વિશેની કલ્પનાઓ કર્યા કરતા હોઈએ છીએ. જેને કારણે આપણા મનમાં બળતરા ઊભી થતી હોય છે. આપણી શાંતિ હણાઈ જતી હોય છે અને ખાસ તો આપણે આપણા જીવનના ખુશીના, માણવા જેવા પ્રસંગોને પણ માણી શકતા નથી.
એનો અર્થ એ થયો કે આપણે તેમની એટલી બધી કાળજી કરીએ છીએ અથવા તેમનું અસ્તિત્વ આપણા મન પર એ હદે સવાર થઈ ગયું છે કે આપણે તેમના વિનાની કોઈ સ્થિતિનો વિચાર જ નથી કરી શકતા. પણ શું એ વલણ હિતકારી છે? આપણે મન તો આપણું ખુશ રહેવું કે આપણી માનસિક અશાંતિ મહત્ત્વની છે. તો એવા સમયે આપણે એમને શું એટલી અહેમિયત આપવી? એના કરતા એમને મનમાં જ માફ કરીને એમને મુક્ત કરી દઈએ તો? તો એવું જરૂર બનશે કે તેઓ ધીમે ધીમે આપણા મન પરનો કબ્જો છોડી દેશે. કારણ કે પછી આપણને તેઓ શું કરે છે અથવા તેઓ જે કરે એનાથી ફરક પડવાનો બંધ થઈ જશે. અને એ કારણે જ આપણે તેમની ગેરહાજરીમાં તો ઠીક, પરંતુ તેમની ગેરહાજરીમાં પણ ખુશ રહેતા શીખી જઈશું. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!