ફાઈનાન્સ મિનિસ્ટર અને સેબી ચેરપર્સન વેપાર-ઉદ્યોગ-મૂડીબજારને શું અનુરોધ કરે છે?

ઉત્સવ

દેશની બે શક્તિશાળી મહિલાઓ

જયેશ ચિતલિયા

રેગટેક એટલે શું?
રેગટેક એ રેગ્યુલેટરી ટેક્નોલોજીનું સંક્ષિપ્ત નામ છે. આ એક એવું વ્યાપક સોફટવેર એપ્લિકેશન છે, જેમાં તમામ નિયમનો આવી જાય છે. કંપનીઓ, નાણાં સંસ્થાઓ, ફાઈ. મધ્યસ્થીઓ વગેરે આ સોફટવેર રાખીને સિસ્ટેમેટિકલી તેના નિયમનકારી પાલનનો અમલ કરી શકે છે, જેમાં તેમનો ખર્ચ અને સમય બંનેની બચત પણ થઈ શકે.
——
તાજેતરમાં દેશના કોર્પોરેટ સેકટરને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંબોધન કરતી વખતે ભારતમાં રહેલી વિકાસ સંબંધી તકોની વાત કરી. તેમણે સીધેસીધું કહ્યું કે તમને ઉત્પાદન ક્ષેત્રે અથવા મૂડીરોકાણ કરવામાં શું અવરોધ આવે છે? સરકાર તમારી સાથે છે અને રહેશે. બીજીબાજુ નિયમન તંત્ર સેબીના ચેરપર્સન માધબી બૂચે કોર્પોરેટ સેકટર, મધ્યસ્થીઓ (માર્કેટ ઈન્ટરમિડિયરીઝ) અને મૂડીબજાર સાથે સંકળાયેલા તમામ વર્ગને સંબોધીને કહ્યું કે આપણે ભારતીય મૂડીબજારને કેવા હાઈ લેવલે લઈ જવું છે અને એ માટે આપણે કેવાં પગલાં લેવાં જોઈશે. આ બંને શક્તિશાળી મહિલાઓનાં વિધાન સમજવા જેવાં છે, જેમાં મૂડીબજાર અને અર્થતંત્રનું લાંબા ગાળાનું હિત તો છે જ, કિંતુ આ સાથે બચતકાર-રોકાણકાર સહિતની પ્રજાનું પણ હિત છે. જોકે આ સાથે સરકારે અને નિયમન તંત્રએ પણ વ્યવહારું નીતિઓ અને અભિગમ વિકસાવવા જોઈએ. માત્ર વોલ્યુમ નહીં, માર્કેટની ઓવરઓલ ગુણવત્તા અને સ્વસ્થતાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
આ વિષયની વાતનો આરંભ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણથી કરીએ. તેમના શબ્દોમાં વાત કરીએ તો, તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૯માં જ્યારથી મેં નાણામંત્રાલયનો અખત્યાર સંભાળ્યો છે ત્યારથી હું સાંભળતી આવી છું કે ઉદ્યોગપતિઓ કહે છે કે માહોલ મૂડીરોકાણ માટે અનુકૂળ નથી. તે પછી અમે કોર્પોરેટ વેરાના દરમાં ઘટાડો કર્યો. હું ફાઈનાન્સ મિનિસ્ટર તરીકે ખાનગી ક્ષેત્રને ટપારું એવી અપેક્ષા લોકો રાખતા હતા ત્યારે પણ હું ઉદ્યોગોનો બચાવ કરતી આવી છું, માઈન્ડમાઈન સમિટ ૧૫ને તાજેતરમાં સંબોધતાં તેમણે કહ્યું કે ઉદ્યોગો અહીં મૂડીરોકાણ કરે એ માટે અમે બધું જ કરવા તૈયાર છીએ. તમે કહ્યું પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઈ) આપો તો અમે આપી. અમે દેશના ઉદ્યોગપતિઓ પૂછીએ છીએ કે તમે શા માટે અટકી ગયા છો. એવું શું છે કે જે તમને મૂડીરોકાણ કરતા રોકી રહ્યું છે? અત્યારે સરકાર ખાનગી મૂડીરોકાણને આકર્ષવા અને સ્થિર વિકાસ સાધવાના પ્રયત્નરૂપે સતત મૂડીરોકાણ કરી રહી છે ત્યારે નાણાપ્રધાનની આ વાત કોર્પોરેટ જગત માટે વિચારપ્રેરક છે.
મૂડીખર્ચનું મહત્ત્વ
ગયા મહિને જાહેર કરવામાં આવેલા આંકડાઓ દર્શાવે છે કે કેન્દ્રે આ વર્ષના એપ્રિલ-જુલાઈમાં રૂ. ૨.૦૯ લાખ કરોડનો મૂડીખર્ચ કર્યો છે, જે આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ ૬૦ ટકા અધિક છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે સરકારે રૂ. ૭.૫ લાખ કરોડનો લક્ષ્ય રાખ્યો છે, જેમાં એક લાખ કરોડ રૂપિયા તો ૫૦ વર્ષ માટેની વ્યાજમુક્ત લોનો છે. જોકે, ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ વેગ પકડે એવી આશા હજી ફળી નથી. સીએમઆઈઈના જણાવ્યા પ્રમાણે એપ્રિલ-જૂન દરમિયાન નવા પ્રોજેક્ટ્સ પરનો મૂડીખર્ચ જાન્યુઆરી-માર્ચના રૂ. ૮.૧૮ લાખ કરોડથી ઘટીને રૂ. ૪.૨૮ લાખ કરોડ થયો છે. વિદેશો અને વિદેશી ઉદ્યોગો એમ વિચારી રહ્યા છે કે અહીં રોકાણ કરવાનો સમય છે. એફપીઆઈ અને એફડીઆઈ આવી રહ્યું છે. શેરબજાર એકદમ કોન્ફિડન્ટ છે. જેમ હનુમાનજીને તેમની શક્તિ અને સામર્થ્યની જાણ નહોતી એમ તમને તમારી ક્ષમતા અને શક્તિની જાણ નથી કે શું? એવો સવાલ નાણાપ્રધાને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ ઉપસ્થિત કર્યો હતો.
ભારતમાં તકો હોવાથી વિદેશી કંપનીઓ અહીં આવે છે
દેશના એકંદર મૂડીરોકાણ માહોલ વિશે ટિપ્પણી કરતાં સીતારમણે કહ્યું છે કે ચીનમાંથી વિદાય થઈ રહેલી કંપનીઓ ભારતમાં પગ જમાવી રહી છે, કારણ કે તેમને ભારતની નીતિઓ અને સુવિધાઓ આકર્ષક લાગી રહી છે. નાણાપ્રધાને માઈક્રો, સ્મોલ અને મીડિયમ (એમએસએમઈ) ઉદ્યોગોને સમયસર ચુકવણી થાય એવી વ્યવસ્થા કરવાનો પણ અનુરોધ કર્યો હતો. સરકારે પોતે આ દિશામાં ઘણાં પગલાં લીધાં છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે એમએસએમઈને સપોર્ટ કરો. મને ખબર છે કે એ જોખમી ક્ષેત્ર છે પરંતુ સરકાર એકલી પહોંચી વળી શકે નહિ એટલે તમારા ટેકાની પણ આવશ્યકતા છે. અમે ઈચ્છીએ છીએ કે એમએસએમઈને વાજબી સમયમાં તેમનાં પેમેન્ટ મળી જાય. આનો અભ્યાસ કરવામાં મેં ઘણો સમય ખર્ચ્યો. મને એ જોઈને અચરજ થયું કે મોટા ઉદ્યોગો પાસે એમએસએમઈઝની નોંધપાત્ર રકમ લેણી નીકળે છે, એમ સીતારમણે કહ્યું હતું.
ટેક્નોલોજી, પારદર્શકતા અને વિશ્ર્વાસ
હવે આપણે ફિકકીના કાર્યક્રમમાં સેબીના ચેરપર્સન અને મૂડીબજારના અગ્રણીઓએ શું વાત કરી તેના પર ચર્ચા કરીએ. “સેબીની ભૂમિકા મૂડી સર્જનની છે, જ્યારે રાષ્ટ્ર ઘડતર કંપનીઓ અને વેપારો દ્વારા કરવામાં આવે છે. અત્યારે દેશમાં પુષ્કળ તકો ઉપલબ્ધ છે જેની સરાહના કરાય એટલી ઓછી છે. દેશ ટેક્નોલોજી મારફત લક્ષ્યોને હાંસલ કરી શકે છે. અમે આંકડાઓ-ડેટા પર વિશ્વાસ રાખીને તેને અનુસરીશું. અત્યારે સેબી જે પણ કદમ લે છે તેને આંકડાકીય-ડેટાના તથ્યોનું પીઠબળ હોય છે, એમ સેબીનાં ચેરપર્સન માધબી પુરી બૂચે કહ્યું છે. ફેડરેશન ઓફ કોન્ફેડરેશન ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી) દ્વારા આયોજિત વાર્ષિક કેપિટલ માર્કેટ્સ કોન્ફરન્સ ‘કેપામ ૨૦૨૨’ને સંબોધતાં ચેબીનાં ચેરપર્સન બૂચે અધિક પારદર્શિતા પર ભાર મૂકતાં કહ્યું કે અમે ડિસ્ક્લોઝર્સ આધારિત સિસ્ટમને અનુસરી રહ્યા છીએ અને એ અમારો મૂળભૂત અભિગમ છે. અમે માનીએ છીએ કે અમારું અસ્તિત્વ મૂડીસર્જન માટે છે. જો અમે સિસ્ટમમાં વિશ્વાસનું જતન નહી કરી શકીએ તો અમે અમારા મૂળભૂત લક્ષ્યોને સિદ્ધ કરવામાં નિષ્ફળ જઈશું.
ઉદ્યોગોને સહભાગી બનવાનો અનુરોધ
સેબીના પ્રથમ મહિલા ચેરપર્સન બૂચે સેબીના લક્ષ્યને હાંસલ કરવા માટે ટેક્નોલોજીને જાદુઈ છડી ગણાવી છે. તેમના મતે ટેક્નોલોજીની સહાયથી ખર્ચ ઘટાડી શકાય, ગ્રાહકોને સારી સેવા પૂરી પાડી શકાય, સારી રીતે અંકુશ રાખી શકાય અને અનુપાલનમાં વધારો કરી શકાય. બજારમાં બધી જાણકારી ઉપલબ્ધ છે એટલે આપણે સલાહકારી અભિગમ રાખવો જોઈએ. કશું ગુપ્ત ન હોવું જોઈએ. અમે અમારી સલાહ-મસલતની પ્રક્રિયા ચાલુ રાખીશું અને ઉદ્યોગોએ સેબીના નિયમો સાથે કદમ મિલાવવા જોઈશે, એમ તેમણે ફિક્કીની રેગટેક પહેલને લોન્ચ કરતાં કહ્યું હતું. બૂચે ઉદ્યોગોને વધુ સહભાગી બનવાનો અનુરોધ કરતા કહ્યું કે આપણે સેબી અને ઉદ્યોગો વચ્ચેની ભાગીદારીના સંબંધને ચરિતાર્થ કરવાની આવશ્યકતા છે.
એનએસઈ અને સીડીએસએલના એમડી શું કહે છે?
આ પ્રસંગે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે બજારોમાં મૂડી સર્જન માટે સેબી દ્વારા નિશ્ર્ચિત કરવામાં આવેલી કાર્યસૂચિના અમલ અને અનુસરણ માટે એનએસઈ પ્રતિબદ્ધ છે. અમે ટેકનોલોજીના વપરાશ દ્વારા લોકોના શેરબજારમાંના વિશ્ર્વાસને વધારીશું અને તેમના મૂડીબજાર સાથેના સંબંધને ઘનિષ્ઠ બનાવીશું. સીડીએસએલના એમડી અને સીઈઓ નેહલ વોરાએ કહ્યું કે ભારત ડિજિટલ ક્રાંતિના શિખરે છે અને બજાર માટેનો આગળનો માર્ગ ટેક્નોલોજી આધારિત છે, જે વિશ્વાસ અને પારદર્શિતા સહિતનાં નૈતિક મૂલ્યોનું નિર્માણ કરશે.
ફિકકીના અધિકારીઓ શું કહે છે?
ફિક્કીના સિનિયર પ્રેસિડેન્ટ શુભ્રકાન્ત પંડાએ કહ્યું, તંદુરસ્ત મૂડીબજાર નાણાકીય સિસ્ટમ્સને બળ પૂરું પાડે છે, વેપાર માટેનું ભંડોળ ઉપલબ્ધ કરે છે અને રોકાણકારોમાં વધારો કરે છે. સર્વસમાવેશક વિકાસ અને સારા અનુપાલનની આવશ્યકતા દરેક સંસ્થા માટેનાં મૂળભૂત તત્ત્વ છે. ફિક્કીની કેપિટલ માર્કેટ કમિટીના ચેરમેન અને નોવાવન કેપિટલના સીઈઓ સુનીલ સાંઘાઈએ કહ્યું કે ફિક્કી ઉદ્યોગના સહભાગીઓ અને નીતિ ઘડવૈયાઓ વચ્ચેના સંવાદનું માધ્યમ બની રહેવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, મૂડીબજાર માટેના પાંચ પ્રાણ છે, જેમાં દેશના વિત્તીયકરણ, ખાનગી બજારનો વિકાસ, બેન્કિંગ ક્ષેત્રમાં વધારો અને ડિજિટલાઈઝેશન અને સંયુક્તકરણ નિયમનો હેઠળ વધુને વધુ એસેટ્સને લાવવાનો સમાવેશ થાય છે.
રેગટેક એ સેબી કોમ્પ્લાયન્સનું એન્ડ ટુ એન્ડ ઓટોમેશન સોલ્યુશન છે. એના દ્વારા સેબીના ૨૦૦૦થી અધિક નિયમોનું કોમ્પ્લાયન્સ કરી શકાય છે. એ ઉપરાંત આ પ્લેટફોર્મ પર એન્ડ ટુ એન્ડ મીટિંગ મેનેજમેન્ટ, કોમ્પ્લાયન્સ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ અને કંપનીઓ માટેના કોમ્પ્લાયન્સ કેલેન્ડરનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.