બોલીવૂડમાં બડકબોલા તો ઘણા છે, પણ પંગા ગર્લ લખો ત્યારે જે ચહેરો યાદ આવે તે કંગના રનૌતનો જ હોય. 36 વર્ષની થયેલી કંગના રનૌતે ફિલ્મ અને રાજકારણજગતના માંધાતાઓ સાથે બાથ ભીડી છે. સોશિયલ મીડિયા દ્વારા ક્યારેક આધ્યાત્મ તો ક્યારેક દેશહીતની વાતો કરતી કંગનાએ પોતાના જન્મદિવસ પર એક પોસ્ટ મૂકી છે અને વીડિયો શેર કર્યો છે. જેમાં માતા-પિતા ગુરુ અને શુભચિંતકોનો આભાર માન્યો છે તો પોતાને નફરત કરનારા કે ટ્રોલ કરનારાઓને પણ સંદેશ આપ્યો છે.
તેણે કહ્યું છે કે મારા શત્રુઓ જેમણે આજ સુધી ક્યારેય મને આરામ કરવા દીધો નથી. ગમે તેટલી સફળતા મળે તો પણ જેમણે મને લડતા શિખવ્યું, સંઘર્ષ કરતા શિખવ્યું તેમની પણ હું આભારી છું. મારી વિચારધારા ખૂબ સરળ છે અને આચરણ પણ ખૂબ સરળ છે. હું હંમેશાં સૌનું ભલુ ઈચ્છુ છું. દેશહીતમાં મેં કઈ કહ્યું હોય અને તે માટે પણ કોઈને દુખ થયું હોય તો હું તેમની પણ માફી માગુ છું. શ્રીકૃષ્ણની દયાથી મને ખૂબ સારું જીવન મળ્યું છે અને મારા મનમાં કોઈ માટે વેરભાવ નથી.
16 વર્ષની ઉંમરે ઘર છોડી દિલ્હી વસનારી અને મોડલિંગની કરિયર શરૂ કરનારી કંગનાએ 19 વર્ષની ઉંમરે ગેંગસ્ટર ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. તેને ઓળખ મળી ફેશન, તનુ વેડ્સ મનુ, ક્વિન, પંગા જેવી ફિલ્મોથી. શબાના આઝામી(5) બાદ સૌથી વધારે ત્રણ નેશનલ એવોર્ડ મેળવનારી કંગના અભિનયમાં પાવરધી છે. રીતિક રોશન સાથેના સંબંધો કે પછી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના વિવાદાસ્પદ મૃત્યુ સમયે તેણે ખુલ્લેઆમ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
ફિલ્મજગતમાં પોતાના દમ પર ઊભું થવું સહેલું નથી, પણ કંગના જેવી ઘણી અભિનેત્રીઓએ કરી બતાવ્યું છે ત્યારે તે પોતાની કરિયરમાં હજુ આગળ વધે તેવી તેના જન્મદિવસે શુભકામના.