રાજસ્થાનની ચૂંટણી નજીકમાં છે, આથી આવનારી ટર્મમાં મુખ્ય પ્રધાન કોણ બનશે તે તો જનતા નક્કી કરશે, પરંતુ કોંગ્રેસના નેતાઓની ચહલપહલ જોતા તે પહેલા કંઈક ખળભળાટ થાય તો કહેવાય નહીં. હંમેશાં વિવાદો અને જૂથવાદની ચરમસીમાએ રહેતા રાજસ્થાન કોંગ્રેસમાં ફરી મુખ્ય પ્રધાન અશોક ગહલોતની ખુરશી ડગમગતી હોવાની ખબરો આવી રહી છે. ગહલોત સામે બળવો કરનારા સચિન પાયલટ પાંચ દિવસથી દિલ્હીમાં છે અને સમર્થક વિધાનસભ્યોને મળી રહ્યા છે.
આ સાથે રાજસ્થાનમાં પણ પાટલટ છાવણીમાં સરવળાટ હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના એક વિધાનસભ્ય ખિલાડી લાલ બૈરવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાયપુર સેશન બાદ રાજસ્થાનમાં સત્તાના કેન્દ્રસ્થાન બાબતે પરિવર્તન જોવા મળશે અને કોંગ્રેસના મુખ્ય પ્રધાન મામલે નિર્ણય થશે. બૈરવાએ દિલ્હી ખાતે પાયલટને મળ્યા બાદ એક વેબ પોર્ટલને જણાવ્યું હતું કે સચિન પાયલટ સ્ટાર છે. હાઈ કમાન્ડે ઉચ્ચ પદ માટે નિર્ણયો લીધા છે, પણ અમને પાયલટને મુખ્ય પ્રધાનની ખુરશી પર જોવા માગીએ છીએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગહલોત ફિક્સ્ડ ડિપોઝીટ છે જ્યારે પાયલટ વર્કિંગ કેપિટલ છે.
સુશીલ અસોપા નામના અન્ય એક કોંગ્રેસી વિધાનસભ્યએ ટ્વીટ કરી નારાજગી જતાવી હતી કે પાયલટને નોટિસ આપ્યા વિના બે પદ પરથી હટાવી દેવામાં આવ્યા, પણ રેસિગ્નેશન કેસમાં અન્ય ત્રણ નેતા સામે પગલાં લેવાયા નથી.
સૂત્રોએ તો એવી માહિતી પણ આપી છે કે પાયલટ 17મીથી એવા વિસ્તારોની ટૂર પર જશે જ્યાં ગેહલોત સમર્થકોનું વર્ચસ્વ છે. જોકે રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય આંચકા આવ્યા જ કરે છે, આથી ક્યારે શું થાય તે હાલમાં કહેવું મુશ્કેલ છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાશે. આથી હવે મુખ્ય પ્રધાન બદલવા વિશે કોંગ્રેસ વિચારે તે વાત ગળે ઉતરતી નથી, પરંતુ આવનારી ચૂંટણીમાં મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે યુવાન પાયલટને પહેલી પસંદગી મળે તેવી શક્યતા ઘણા વ્યક્ત કરી રહ્યા છે. 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન કોંગ્રેસનું રાયપુર ખાતે અધિવેશન છે તે બાદ આ મામલે કોઈ નિણર્ય લેવાય છે કે નહીં તે જોવાનું રહ્યું.