Homeધર્મતેજશું કરીએ તો ભગવાનને પ્રિય થઈ શકીએ?

શું કરીએ તો ભગવાનને પ્રિય થઈ શકીએ?

માનસ મંથન -મોરારિબાપુ

‘રામચરિતમાનસ’ માં જોઈએ તો ભગવાન રામને કોણ કોણ વહાલાં લાગ્યાં ? ભગવાન કહે છે, ‘હનુમાન મને લક્ષ્મણ કરતાં બમણા પ્રિય છે.’ હનુમાન એટલા બધા પ્રિય કેમ ? ક્યું સૂત્ર હનુમાનજીમાંથી આપણે પકડીએ તો આપણે પ્રભુને પ્રિય થઇ શકીએ ? પ્રભુ તો આપણને વહાલા છે જ, પણ પ્રભુ આપણને વહાલો ગણે એના માટે હનુમાનજીનાં, બધાં જ લક્ષણો તો આપણે નહિ જોઈ શકીએ, ચરિતાર્થ ન કરી શકીએ; પણ હનુમાનજીનાં અમુક લક્ષણો જો આપણે સ્વીકારી લઈએ તો આપણે હરિને બીજા કરતાં ડબલ વહાલાં થઇ શકીએ.
હું હનુમાનજી માટે ત્રણ જ વસ્તુ કહ્યા કરું છું. હનુમાનજીમાંથી ત્રણ વસ્તુ લઇ લઈએ. એક, સીતાની ખોજ. મને ને તમને માનવજીવન મળ્યું છે એટલે મારે ને તમારે આપણી શાંતિને, આપણી ભક્તિને ગોતી લેવી, ક્ષમાને ગોતી લેવી. બીજું, હનુમાનજીએ સેતુબંધ બાંધ્યો. આપણે સેતુ બાંધીએ, બધાંને જોડીએ, સમાજને જોડીએ. આખી દુનિયાને કવર નહિ કરી શકાય; કમ સે કમ તમારા ઘરને યુનાઈટેડ રાખો. એકબીજા માટે વધારે કંઈક કરવાની પોઝિટિવ સોચ લાવે એ સેતુબંધ છે. ઘણી વખત આપણે આપણું જતું કરીને બીજાનું તોડીએ છીએ ! ખબર પડતી નથી સમાજને શું થયું છે ? આ ઈર્ષ્યા અને દ્વેષ ક્યાં લઇ જશે ? બરકતને બરાબર રાખવી હોય તો ધ્યાન રાખજો. અને ત્રીજું, દુરિતોને નિર્વાણ કરવાનું, હટાવવાનું હનુમાનજીનું કામ રહ્યું. એટલે હનુમાનજી રામને પ્રિય છે.
હનુમાનજીએ પ્રભુનાં અવતારકાર્યને સજાવ્યું, સંવાર્યું. કોઈનાં કાર્ય સંવારવા માટે કેટલાક ગુણો આવશ્યક છે. રામકાજ આપણે બધાં કરી રહ્યા છીએ. એને માટેના કેટલાક સ્વભાવિક નિયમ છે. જો રામના કાર્યને સંવારવું હોય, તો એ જરૂરી છે.
રામકાર્યને સંવારવું હોય, મારા પ્રભુએ આપેલી જવાબદારી બજાવવી હોય, તો સ્વાભાવિક પહેલો નિયમ છે, નામ લો. ગાંધીજીએ વિશ્ર્વનું કોઈ પણ કામ હરિનામ લેતાં લેતાં કર્યું. વિનોબાએ જેટલી સદ્પ્રવૃત્તિ કરી, એના મૂળમાં હરિનામ હતું. હરિનામ ભૂલશો નહિ. એવી કોઈ પ્રવૃત્તિ ન કરો, જેમાં હરિનામ છૂટી જાય. પહેલું નામ-આશ્રય. ગાડી પેટ્રોલ વિના ચાલતી નથી, હરિનામ રામયાત્રાનું પેટ્રોલ છે. પરમાત્માના નામનો મહિમા અતુલનીય છે.તુલસી કહે છે કે, કળિયુગનું પ્રધાન સાધન છે નામ સંકીર્તન, નામ સુમિરન, નામ જપ. તુલસીદાસજીનો, સૌ સંતોનો અને શાસ્ત્રોનો મત છે કે, કળિયુગમાં તો આપણા જેવા જીવોનો આધાર નામ છે ! ચારેય વેદોમાં નામનો મહિમા ગાવામાં આવ્યો છે. ચારેય યુગમાં નામની પ્રતિષ્ઠા છે. કોઈ પણ નામ લો, મને કોઈ આપત્તિ નથી. શું ફર્ક પડે છે ? બસ, નામ લો.
બીજો સ્વાભાવિક નિયમ; અલબત આ નિયમ નથી, એ સહજ કરો, સ્વત: થવા દો, પ્રભુનાં કાર્ય કરવા માટે પ્રાણશક્તિ, પ્રાણબળ જરૂરી છે. કમજોર પ્રાણ રામકામ સંવારી નથી શકતો. એટલે પ્રાણબળ જોઈએ. જેવી રીતે ગાડીમાં પેટ્રોલની સાથે વ્હિલમાં હવા પણ જોઈએ, એવી રીતે પ્રાણબળ હવા છે. રામકાર્યનો મતલબ સંસારના કોઈ પણ મંગલકાર્ય છે. કોઈ પણ શુભકાર્ય રામકાર્ય છે. એ માટે પ્રાણતત્ત્વ સબળ હોવું જોઈએ. પ્રાણબળ મજબૂત રાખો, એ જરૂરી છે. હનુમાનજી રામકાર્ય સંવારે છે, કેમ કે એમનામાં રામનામનું બળ છે, એ નિરંતર રામનામ રટે છે. અને હનુમાનજી સ્વયં વાયુપુત્ર છે, પવનપુત્ર છે, એટલે એમનામાં પ્રાણબળ છે.
ત્રીજું, રામકાર્ય માટે એક સ્વાભાવિક નિયમ જોઈએ, ઔદાર્ય, ઉદારતા. ક્યારેક ક્યારેક માણસની એવી સંકીર્ણતા હોય છે કે હું જ કામ કરું, બીજાને કરવા ન દઉં. ઔદાર્ય રામકાર્યનું ત્રીજું લક્ષણ છે.
બાપ, રામકામ કરવાનું ચોથું સૂત્ર છે કે, સેવાને અધિકાર ન સમજી લેવો કે આ મારો જ અધિકાર છે. કોઈપણ બુદ્ધપુરુષે કોઈ કામ સોપ્યું હોય એને અધિકાર ન સમજાવો, જવાબદારી સમજવી. આવતી કાલે એ જવાબદારી કોઈ અન્યને પણ સોંપી શકાય છે. આગળનું લક્ષણ મારી સમજ મુજબ બહુ જ મહત્ત્વનું છે. મને મળેલી રામકાર્યની સેવા કરવાનો અહંકાર ન આવે. રામકાજ કરવાનું આખરી સૂત્ર છે કે, ફળની કોઈ આકાંક્ષા ન રાખવી. ફલાકાંક્ષા નહિ. કોઈ ફળ ન જોઈએ. પ્રભુને પ્રિય થવા માટે જ્યાં જ્યાં પ્રભુના આવા શબ્દો દેખાય એના લક્ષણો આપણે વિચારવા રહ્યા.
યુવાન ભાઈ-બહેનો, હનુમંતની માફક ચારેય પગથી ઉડાન ભરવી હોય તો ચાર વસ્તુને ધ્યાનમાં રાખો. કોઈ પણ યાત્રાનું પૂર્ણ પરિણામ પામવા માટે મારા અનુભવમાં ચાર વાતો આવી છે. એક, ભગવત કાર્ય માટે, અધ્યાત્મઉદેશ પૂર્ણ કરવા માટે પહેલું સૂત્ર છે કે, કોઈ પ્રત્યે રાગ ન હોવો જોઈએ. હનુમાનના ચરિત્રનો એ નિષ્કર્ષ છે. હનુમાનને સુવર્ણ રાગ હોત તો તે મૈનાકના આશ્રયમાં ફસાઈ જાત, પરંતુ એમને સોનાનો રાગ નહોતો. અન્ય વ્યક્તિ પરત્વે રાગ નહિ, અનુરાગ હોવો જોઈએ. રાગ નહી, પરંતુ ભાવ હોય, પ્રીત હોય, મહોબ્બત હોય એ જરૂરી છે. શ્રી હનુમાનજીમાં રાગ નથી. અન્ય પ્રત્યે એમને રાગ નથી અને પોતાનામાં અભિમાન નથી. હનુમાનજીએ કાર્ય સંપન્ન કરી દીધું, પરંતુ ખુદમાં અભિમાન ન આવ્યું. જયારે પ્રભુએ સરાહના શરૂ કરી તો પોતે કહ્યું કે, એમાં મારું કોઈ કર્તૃત્વ નથી. એ હનુમંત છે. ગંગાસતી કહે છે ભગતિ રે કરવી એને રાંક થઇ ને રે’વું. આ રાંક શબ્દ બહુ જ પ્યારો છે. રાંક કાયરતાનું પર્યાય નથી. રાંક તો કોઈ સાધુ હોઈ શકે છે. મને આ રાંક પણાની અવસ્થા બહુ ગમે છે.ભગવાન કરે સાધક રાંક હોય. બીજા પ્રત્યે રાગ નહી, પોતાનામાં અભિમાન નહી અને ત્રીજી વાત, સમય મળ્યો છે તો વ્યર્થ બરબાદ ન કરવો. વ્યર્થ સમય ન બગાડો. શ્રી હનુમાનજી સમય બગાડતા નથી, વિલંબ કરતા નથી. સમય વ્યર્થ ન જાય એ વ્યવહાર માટે પણ સારુંં છે અને અધ્યાત્મને માટે પણ સારું છે. પ્રમાદ મૃત્યુનો પર્યાય છે. એટલા માટે આપણી ગંગાસતી કહે છે “વીજળીને ચમકારે મોતીડાં પરોવી લો. તો બાપ, સમય વ્યર્થ ન જવો જોઈએ. પ્રભુએ સહુને પોતપોતાના ક્ષેત્રોમાં ઘણી કૃપા કરી છે. કાળ વ્યર્થ ન જવો જોઈએ, જીવનવિકાસ અને જીવનવિશ્રામને માટે એ જરૂરી છે. હનુમાનજી મહારાજે એક પળ માટેય વિશ્રામ નથી કર્યો.
– સંકલન: જયદેવ માંકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular