અમેરિકા-ચીન-તાઇવાન વચ્ચેનું ટેન્શન શા માટે છે? જાણો શું છે આખો મામલો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાને અમેરિકા અને ચીન બંનેએ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો. ચીને અમેરિકાને પેલોસીની તાઇવાન મુલાકાતના પરિણામ ભોગવવાની ધમકી આપી દીધી. આપણા જેવા સામાન્ય લોકોને ઝાઝી ગતાગમ નહીં પડી. હા, સૌને આશ્ચર્ય જરૂર થયું કે અમેરિકન સ્પીકર આવે ને જાય એમાં ચીનના પેટમાં શું કામ દુઃખે? જોકે, મોટાભાગના લોકોને ચીન અમેરિકા બંને માટે તાઇવાનનું વ્યુહાત્મક મહત્વ ખબર જ નથી.
તાઇવાન દક્ષિણ-પૂર્વીય ચીની તટથી લગભગ 100 માઈલ દૂર આવેલો એક સ્વતંત્ર ટાપુ દેશ છે. તેનું પોતાનું બંધારણ છે અને ત્યાંના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારનું શાસન છે, પરંતુ ચીન એને પોતાનામાં ભેળવી દેવા માગે છે. એક સમયે તાઇવાન પર ચીનનો કબજો હતો. ચીન એ સેંકડો વર્ષ પુરાણી વાતનો પોંચો પકડીને બેઠું છે અને આજે પણ તાઇવાનને પોતાની માલિકીનો પ્રદેશ ગણાવે છે.
તાઇવાન ઓગણીસમી સદીમાં જાપાનના હાથમાં ગયું. એ સમયે વિશ્વમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. પ્રથમ વિશ્વયુદ્ધમાં જાપાનનો ભૂંડી હાર થઈ હતી. તેથી પોતાના જૂના પ્રદેશો પાછા લેવા ચીને ૧૯૩૭માં જાપાન પર હુમલો કર્યો. ચીન-જાપાન યુદ્ધ ચાલુ હતું ત્યાં જ બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું. બીજા વિશ્વયુદ્ધમાં પણ જાપાનની હાર થઈ. નાછૂટકે જાપાને ચીનના જૂના પ્રદેશોમાંથી હટવું પડ્યું. તેથી ફરી એકવાર તાઇવાન ચીનના કબજામાં ગયું. 1958માં તાઇવાને અમેરિકાની મદદથી તાઈવાનમાંથી ચીનને ખધેડી મૂક્યું. ત્યાર બાદ તાઇવાનમાં થોડો સમય લશ્કરી શાસન રહ્યું. ત્યારબાદ અહીં લોકશાહીની સ્થાપના થઇ. અમેરિકાએ ત્યારથી તાઇવાનના સંરક્ષણની જવાબદારી લીધી છે. ચીન કશું કરી શકતું નથી પરંતુ તાઇવાન પર સતત પોતાનો દાવો કર્યા કરે છે. જોકે, હાલમાં દુનિયાના માત્ર 13 જ દેશ તાઇવાનને એક અલગ અને સાર્વભૌમ દેશ માને છે. બીજા દેશો તાઇવાનને માન્યતા ન આપે તે માટે એમના પર ચીનનું ખાસ્સું રાજદ્વારી દબાણ કરે છે.
તાઇવાનનું વ્યુહાત્મક મહત્વ
તાઇવાન દક્ષિણ ચીન સમુદ્રમાં છે. તાઇવાન એક નાનકડો ટાપુ દેશ છે. તાઇવાન દેશ ચીન અને અમેરિકા બંને માટે વ્યુહાત્મક રીતે ઘણો મહત્વનો છે. ચીનને કાબુમાં રાખવા માટે આ સમુદ્ર પર કબજો જરૂરી છે. દુનિયામાં દરિયાઈ માર્ગે થતા વેપારમાંથી 50% થી વધુ વેપાર આ માર્ગે થાય છે. અમેરિકાથી એશિયા તરફ આવતા વહાણોએ આ વિસ્તારમાંથી જ પસાર થવું પડે છે. આ વિસ્તારમાં કબજો કરીને ચીન જહાજો પાસેથી અબજો રૂપિયાની ખંડણી ઉઘરાવે છે. ચીન આ વિસ્તારમાં લશ્કરી થાણા બનાવીને પોતાના સૈનિકોનો ખડકલો કર્યા કરે છે. ચીને કૃત્રિમ બંદરો પણ બનાવ્યા છે. ત્યાં પણ તેના નૌકાદળના જહાજો તૈનાત છે. ચીન આ વિસ્તારમાં ધીરે ધીરે પૂરો કબજો કરી લેવા માગે છે. જો આમ થાય તો દુનિયા પર તેનું વર્ચસ્વ સ્થપાઈ જાય. ચીનને રોકવા આ વિસ્તારમાં અમેરિકાની હાજરી જરૂરી છે. અમેરિકાએ તાઇવાનમાં લશ્કરી થાણા અને નેવીનો ખડકલો કરેલો જ છે. આના કારણે ચીન ધુંઆપુઆ હોવા છતાં ખાસ કરી શકતું નથી. ચીન તાઇવાનને છાશવારે ધમકીઓ આપ્યા કરે છે. તાઇવાન અને અમેરિકા વચ્ચે સૈન્ય ગઠબંધન છે અને તાઇવાનને જાપાન પાસેથી પણ મદદ મળે છે. અમેરિકાએ તાઇવાનને આર્થિક રીતે પગભર થવા માટે પણ ઘણી મદદ કરી છે. તાઇવાન અને અમેરિકા વચ્ચે મોટા પાયે વેપારી સંબંધો છે. તાઇવાન ટેકનોલોજીમાં ઘણું આગળ છે. ફોન, લેપટોપ, ઘડિયાળ, ગેમિંગ ઉપકરણો માટે જરૂરી ચીપ, સેમિકન્ડક્ટર્સ સહિતની અનેક આઈટમો તે બનાવે છે. આ કારણે અમેરિકાને તાઇવાનને છોડવું પરવડે તેમ નથી.ચીનની ધમકીથી ડરીને જો અમેરિકન સ્પીકર નેન્સી પેલોસી બેસી ગયા હોત અને તાઇવાનની યાત્રા રદ કરી હોત તો ચીનને ભાવતું મળી જાત અને એ તાઇવાન પર ચડી બેસત. તેથી ચીનને સખણું રાખવા માટે તેને ડારવું જરૂરી હતું. અમેરિકાએ આ હિંમત કરી બતાવી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.