કેતકી જાની
સવાલ: ભારતમાં તમે કાયમ લખો છે તેમ પિતૃસત્તાક સમાજ છે, તે સાચું છે. આજેય લોકોને અને ખાસ સ્ત્રીઓને પોતોના હક વિશે જાણકારી નથી કે કયા અધિકારો સંવિધાન દ્વારા કાનૂનરૂપે તેને મળ્યા તેની માહિતી. ખાસ મહિલાઓ માટે હોય તેવા કાનૂની અધિકારો લિસ્ટરૂપે દરેક સ્ત્રી પાસે હોવા જોઈએ અને ક્રમશ: તેને મોઢે યાદ રહેવા જોઈએ, જેથી જે તે પરિસ્થિતિમાં તેનો ફાયદો કોઈપણ સ્ત્રી ઉઠાવી શકે. સ્ત્રીઓની સુરક્ષા માટે જે કાયદા છે, તેની માહિતી આપો.
જવાબ: સૌ પ્રથમ ભારતના ગણતંત્ર દિવસની શુભેચ્છા. ભારતના પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓ માટે હંમેશાં દ્વિતીય દરજ્જાનો દૃષ્ટિકોણ જોવા મળે છે. મહિલાઓ આજેય મતલબ તોંતેરમા ગણતંત્ર દિવસેય પુરુષો કરતાં એક કદમ પાછળ બીજો મોરચો લઈને ઊભી દેખાય છે.
સ્ત્રીઓના સંઘર્ષ અને જરૂરતોની ઉપેક્ષા સહજ બાબત છે, જે તમને અત્ર તત્ર સર્વત્ર દેખાશે. પોતાની આત્મિક શક્તિ અને અનંત આત્મવિશ્ર્વાસથી ઘણાબધા પ્રતિકૂળ સંજોગોમાં ઉછરવા છતાં ભારતની સ્ત્રીઓ આજે દરેકે દરેક ક્ષેત્રમાં પુરુષ જેટલી જ સફળ છે, છતાંય બહુસંખ્યાંક સ્ત્રીઓ હજી પુરુષની પાછળ અને પુરુષને પૂછીને જ કામ કરનારી છે. સ્ત્રીના જીવનના મહત્ત્વના ફેંસલા આજેય તેના ઘરના પિતા-પતિ-પુત્રો-ભાઈ કરતા હોય તે સહજ છે. આ સમાજમાં સ્ત્રીએ ચોક્કસથી તેના માટે કાનૂને આપેલા અધિકાર માટે જાણકાર હોવું જ જોઈએ. ચાલો, તે જાણીએ.
– કોઈપણ સમાન ક્ષેત્રમાં કામ કરતા સ્ત્રી-પુરુષને મળતા પગાર/મહેનતાણામાં સમાનતાનો અધિકાર સ્ત્રીને છે.
– મહિલા કોઈ આરોપ/ ગુના/ સબબ પકડાય તો તેની સામે થતી કાનૂની ગતિવિધિઓમાં સુધ્ધાં તેની ગરિમા/શાલીનતા ના જોખમાય તે માટેનો અધિકાર. આવા સમયે જે તે મહિલા પુરુષ અધિકારી સાથે એકલી ના હોય, તેની સાથે મહિલા આરોપીને સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલા ગિરફતાર કરી શકાતી નથી. ઉપરાંત પોલીસ મહિલાના ઘરમાં દિવસે જ્યારે પૂછતાછ કરે ત્યારે તેના ઘરના સદસ્યોની હાજરી પણ મહિલા પોલીસ સાથે જરૂરી છે. જોકે આમાં કેટલાક કાનૂની અપવાદ છે, જેમ કે ફસ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ આદેશ હોય તો મહિલાની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે.
– લૈંગિક અત્યાચારની શિકાર થયેલ મહિલાનો સ્વઓળખ છુપાવવાનો અધિકાર જે તે મહિલા ઓળખ છુપાવી શકે અને તેના કિસ્સા માટે સીધી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સામે મહિલા પોલીસ અધિકારીની મોજૂદગીમાં બયાન આપી શકે. આ ઉપરાંત લીગલ સર્વિસીસ ઓથોરિટી ઍકટ અનુસાર બળાત્કાર પીડિત સ્ત્રીને મફત કાનૂની સલાહ મેળવવાનો અધિકાર રાખે છે.
લીગલ સર્વિસ ઓથોરિટી આ માટે મહિલા વકીલની વ્યવસ્થા કરે છે.
– ઑફિસ/કાર્યસ્થળ પર શારીરિક ઉત્પીડન માટે મહિલા ફરિયાદ નોંધાવી
શકે છે.
– પત્ની, લીવ-ઈન પાર્ટનર તરીકે રહેતી મહિલા તેના સામે થતી શાબ્દિક – શારીરિક – આર્થિક/ દહેજ પ્રતાડના – લૈંગિક માનસિક હેરેસમેન્ટ વગેરે પ્રકારની અને તમામ હિંસા માટે પોલીસ/ પ્રશાસનની મદદ મેળવવાનો અધિકાર રાખે છે. જે તે મહિલા સદેહે પોલીસ સ્ટેશન જવા કોઈપણ કારણોસર સમર્થ ના હોય તો વર્ચ્યુઅલ ફરિયાદ નોંધવવાના અધિકારને પાત્ર છે. મહિલા ઈ-મેઈલ કે ચિઠ્ઠી દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે. આમ થયા બાદ મહિલાના ઘરે પોલીસ કોન્સ્ટેબલ જાતે આવીને તેને મદદ કરશે.
– ગર્ભવતી મહિલાને પૂરા પગાર સાથેની રજાનો અધિકાર મળવાપાત્ર છે. – મેડિકલ ટર્મિનેશનનો/ ગર્ભપાતનો અધિકાર કોઈપણ સ્ત્રી પોતે નક્કી કરશે. બાળકને જન્મ આપવો કે નહીં પરિવારના કોઈ જ સભ્ય જબરદસ્તી ગર્ભપાત કરાવવા કે માતા બનવા દબાણ ના કરી શકે. નિયત ઉંમર બાદ જ લગ્ન કરવાનો અધિકાર. દહેજ આપવું અને લેવું બંને ગુનો છે. સ્ત્રી આ બંનેનો વિરોધ કરી આ ગુના સબબ સજા કરાવી શકે. સ્ત્રીનો પીછો કરવો, તેનું શાબ્દિક/ માનસિક અપમાન થાય તેવું વર્તન કરવું સુધ્ધાં અપરાધ છે. બસ સ્ત્રીઓએ નક્કી કરવાનું કે આત્મસન્માન પ્રત્યે પ્રતિબદ્ધ રહેવું, અસ્તુ.