Homeધર્મતેજદુ:ખમાંથી નીતરતાં ભક્તિરસ અને વેદનાનો મીરાંએ કેવો મધુર ઉપયોગ કર્યો

દુ:ખમાંથી નીતરતાં ભક્તિરસ અને વેદનાનો મીરાંએ કેવો મધુર ઉપયોગ કર્યો

આચમન -કબીર સી. લાલાણી

બે માનવીનું લાગણીતંત્ર અનોખું છે. એમાંય માનવીના જીવન સાથે વણાયેલ સુખ અને દુ:ખ એ મહત્ત્વની લાગણીઓ છે. એ બન્ને માણસને વિચલિત કરે છે. આંસુ એ દુ:ખની નજરે દેખાય તેવી અભિવ્યક્તિ છે અને દુ:ખ કોઇક વેદનામાંથી નીપજેલો અનુભવ છે. આટલું તો સૌ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે દુ:ખ અને સુખ, હર્ષ અને શોક, આનંદ અને અવસાદ એ એક જ સિક્કાની બે બાજુઓ જેવાં હોય છે, બલકે એક જ લાગણીનાં બે જૂજવાં રૂપ હોય છે.
અને આથી જ તો જેમ ખૂબ વેદનાના કારણે આંખોમાં આંસુ આવી જાય તેમ ખૂબ આનંદના કારણે પણ આંખોમાં આંસુ જ આવે છે.
હરિદર્શનની તાલાવેલી અને તડપન ન હોત તો બૈજુ બાવરાના કંઠેથી અવિસ્મરણીય સંગીત રેલાયું ન હોત.
જગતના અનેક મહાપુરુષો અને મહાન નારીઓનાં જીવનચરિત્રો સાક્ષી પૂરે છે કે ઊંડી ગમગીની, ઉદાસી અને વેદના, તે બધાંએ જે મહાન કાર્યો કર્યાં તે કરવા પ્રેરનાર બળ હતી.
અને પછી જે આનંદ તેમને સાંપડ્યો તે અક્ષય અને અવિચલ આનંદ હતો.
વહાલા સમજું-શ્રદ્ધાળુ વાચક મિત્રો!
દુ:ખમાંથી નીતરતો ભક્તિરસ અને એનું ઉત્તમ ઉદાહરણ છે મીરાં. તેને મન તેની વેદના ક્યાં નાની સૂની હતી.
તેને સખત રીતે તાવી ગયેલાં દુ:ખો કેટલાં વસમાં હતાં?
પ્રેમની પીડા (કૃષ્ણ પ્રેમની) પળેપળ હૃદયને કેવી ચીરતી રહે તેની બધાને ક્યાંથી ખબર હોય?
પણ પોતાનાં એ દુ:ખ અને વેદનાનો મીરાંએ કેવો મધુર ઉપયોગ કર્યો!
નર્યા હૃદય નીતરતાં ગીતો અને હૈયા સોંસરવું ઊતરી જાય તેવું સંગીત તેથી જ મીરાંના મન મંદિરમાં નીપજી શક્યું ને!
જીવનના ચિરંજીવ અને અવિચલ આનંદો કદાચ, ઊંડી, ઉદાસી અને વેદનાના દોહનથી પ્રાપ્ત થાય છે.
જીવનની ટ્રેજેડીને જે સારી પેઠે સમજે છે તે જીવનની કોમેડીની સાચી કદર કરી શકે છે.
સંતવાણી
દુ:ખ અને સુખને એકબીજાનાં કારણ પણ કહી શકાય તેમ એકબીજાનાં પૂરોગામી તથા અનુગામી પણ કહી શકાય. એટલે દુ:ખને કે ઉદાસીને ડરામણાં દુશ્મન ન ગણતાં તે આવી જ ચડે તો સ્વીકારી લેવા અને પછી તેને કંઇક ઉપયોગી કામે લગાડી દેવાં તે સાચી રીત હોવાની આપણા સંતો-મહાત્માઓ કહી ગયા છે.
સનાતન સત્ય
કહેવાય છે કે વાંસળીએ વાગતાં પહેલાં વીંધાવું પડે છે.
મોતીએ પણ રૂપાળા આભૂષણનું અંગ બનતાં પહેલાં વીંધાવું પડે છે ને વેદના ખમવી પડે છે.
પણ એ વેદનાનો જો ઉચિત ઉપયોગ કરી લેવાય તો કેવાં સ્તબ્ધ કરી દે તેવા આશ્ર્ચર્યો સર્જી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular