ચર્ની રોડ થી ફાસ્ટ ટ્રેન પકડવી હોય તો પાંચ મિનિટ વહેલાં સ્ટેશને પહોંચી જજો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં નાગરિકોની એક-એક મિનિટની કિંમત હોય છે ત્યારે દક્ષિણ મુંબઈના ચર્ની રોડ સ્ટેશન પરથી જે પ્રવાસીઓને બોરીવલી-વિરારની ફાસ્ટ ટ્રેન પકડવી હોય તેમણે પાંચ મિનિટ પહેલાં રેલવે સ્ટેશન પર પહોંચી જવું, કેમ કે નહીં તો બ્રિજની ભૂલભૂલામણીમાં અટવાઈ જશો અને ટ્રેન ચૂકી જશો. ચર્નીરોડ સ્ટેશન પરથી ફાસ્ટ ટ્રેન પકડવી કે પછી સ્લો ટ્રેનમાં ઉતર્યા પછી ચોપાટી તરફ બહાર નીકળનારાના મોં પર એક જ શબ્દ સાંભળવા મળે છે કે હાલાકી એટલે વેસ્ટર્ન રેલવે.
ચર્ની રોડ રેલવે સ્ટેશન પર ચોપાટીની દિશાથી પ્લેટફોર્મનું એક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે અને તેના દ્વારા એક નંબર પ્લેટફોર્મ પર પહોંચ્યા બાદ નજીકના બ્રિજ પર ચડીને સૈફી હોસ્પિટલ પાસે નીકળતા બ્રિજ પર થઈને ફાસ્ટ ટ્રેનના પ્લેટફોર્મ પર પહોંચી શકાતું હતું. આ બ્રિજ પર છેલ્લા કેટલાક સમયથી વાઈબ્રેશનની ફરિયાદ આવતી હોવાથી આ બ્રિજને સમારકામ માટે તોડી પાડવામાં આવી રહ્યો છે. આને માટે આ બ્રિજની ઉત્તરે એટલે કે ગ્રાંટ રોડ તરફ એક નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેના દાદરા ફક્ત ઉત્તરે છે, દક્ષિણે નહીં. આને કારણે મુખ્ય પ્રવેશદ્વારથી રેલવે પ્લેટફોર્મ પર આવેલા પ્રવાસીને લગભગ છ કોચ જેટલું આગળ જઈને બ્રિજ ચડવો પડે છે અને ત્યાંથી પછી નવા બ્રિજ પરથી ચાર નંબરના પ્લેટફોર્મ સુધી આગળ જઈને પાછું ફરવું પડે છે. આમ લગભગ પાંચ મિનિટ સુધી બ્રિજની ભૂલભૂલૈયા પાર કર્યા બાદ ૨/૩ નંબરના પ્લેટફોર્મ પર પહોંચી શકાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે ચર્ની રોડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨/૩ પર વધુ એક બ્રિજ દક્ષિણ દિશામાં આવેલો છે. આ બ્રિજ પૂર્વમાં ઉતરવા માટે સારો છે, પરંતુ પશ્ર્ચિમમાં ઉતરવા માટે આ બ્રિજનું પ્લેટફોર્મ નંબર એક સાથે કોઈ કનેક્શન જ નથી, એટલું જ નહીં તેના સુધી પહોંચવું પણ સહેલું નથી. આથી આ બ્રિજ એક રીતે નકામો છે.
આમ ચર્ની રોડ સ્ટેશન પર બે અને ત્રણ નંબરના પ્લેટફોર્મ પર ઉતરનારા પ્રવાસીને માટે બહાર નીકળવા માટે બે બ્રિજ છે, એક ઉત્તર છેડે અને બીજો દક્ષિણ છેડે, આનાથી પહેલેથી જ પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા હતા તેમાં હવે ઉત્તર છેડાનો બ્રિજ વધુ ૧૦૦ મીટર આગળ ધકેલી દેવામાં આવ્યો હોવાથી લોકોની હાલાકીમાં વધારો થશે.

 

Google search engine