મોસ્કો: છેલ્લા એકાદ વર્ષ કરતા વધુ સમયથી રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ મહા યુદ્ધ અંગે વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે યુક્રેન અને પશ્ચિમી દેશો ચાહે તો હવે યુદ્ધ અટકી શકે છે. દરમિયાન પુતિને કહ્યું હતું કે ચીનનાં ૧૨ સુત્રી બીજિંગ પ્લાન યુક્રેન સાથેના એક વરસથી લાબા સમય ચાલી રહેલા યુદ્ધને ખતમ કરી શકે છે. મોસ્કોની મુલાકાતે પહોંચેલા ચીનના પ્રમુખ શી જિનપિંગની ઉપસ્થિતિમાં પુતિને જણાવ્યું હતું.
તેમને કહ્યું હતું કે એ સંભવ છે, પણ તેના અમલ માટે પશ્ચિમી રાષ્ટ્રો અને યુક્રેનની મંજૂરી પણ જરૂરી છે. અહી પુતિન અને જિનપિંગ વચ્ચેની બેઠકમાં ખાસ કરીને બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વી પક્ષીય સંબંધો અને યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચીને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે ૧૨ સૂત્રી કાર્યક્રમ તૈયાર કર્યો છે અને જેને “બીજિંગ પીસ પ્લાન” કહેવાય છે.
આ પ્લાનને ગયા મહિના દરમ્યાન જાહેર કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ પ્રસ્તાવ રાખવામાં આવ્યો નથી, પણ શાંતિ યોજના રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું સન્માન કરવાનો અનુરોધ કરે છે. આ પ્લાનમાંથી એવું પણ કહેવાયું નથી કે રશિયન મિલિટરી યુક્રેનમાંથી નીકળી જાય, પણ યુક્રેનનું માનવું છે કે રશિયા સાથે વાતચીત કર્યા પૂર્વે સૌથી પહેલા તો પોતાના દેશમાંથી રશિયન લશ્કરને હટાવવમાં આવે. જોકે હજુ સુધી આ મુદ્દે રશિયા પણ સમંત થયું નથી. અમેરિકન વિદેશ પ્રધાન એન્ટી બ્લિંકને કહ્યું હતું કે યુક્રેનમાંથી રશિયા હટ્યા વિના આ યુદ્ધ ખતમ કરવાની વાત એ ફક્ત યુક્રેન પર રશિયાને ટેકો આપવાની વાત સમાન છે.
અહીંની બેઠક પૂરી થયા પછી પુટિને કહ્યું હતું કે યુક્રેનમાં સંઘર્ષ ખતમ કરવા માટે ચાઈનીઝ પીસ પ્લાનની અનેક જોગવાઈઓનો અમલ કરી શકે છે, જ્યારે પણ પશ્ચિમી દેશ અને યુક્રેન તેના માટે તૈયાર હોય. રશિયાએ અત્યાર સુધીમાં બીજા પક્ષ તરફથી પણ આવી તત્પરતા બતાવી નથી, એવું ચીનના પ્રમુખે જણાવ્યું હતું. અમારી સરકાર શાંતિ અને મંત્રણાના પક્ષમાં રહી છે અને તેના માટે ચીન પણ સકારાત્મક રીતે તેમની સાથે છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.