Teacher Recruitment Scam એ પશ્ચિમ બંગાળના રાજકારણમાં લાવ્યો ભૂકંપ! જાણો શું છે આખો મામલો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Teacher Recruitment Scamને કારણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ઉથલપાથલ થઈ ગઈ છે. મમતા બેનર્જીની સરકારના પ્રધાન પાર્થ ચેટર્જીને ઈડીએ શનિવારે સવારે ધરપકડ કરી હતી. 26 કલાક સુધી પુછપરછ કર્યા બાદ તેમને અરેસ્ટ કરવામાં આવ્યા હતાં. ઈડીએ તેના નજીકની મિત્ર અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી હતી, જેના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. હાઈ કોર્ટના આદેશ પર પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગની ભલામણ પર સરકાર દ્વારા પ્રાયોજિત અને અનુદાનિત શાળાઓમાં સી અને ડી વર્ગના કર્મચારી અને શિક્ષકોની ભરતીમાં થયેલી કથિત અનિયમિતતાઓની તપાસ સીબીઆઈ કરી રહી છે ત્યારે ઈડી પણ આ પ્રકરણ સંબંધિત તપાસ કરી રહી છે.

શું છે મામલો?
રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ અંતર્ગત ખાલી પદો પર ટીચર્સ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટે સ્કૂલ સેલા આયોગ દ્વારા વર્ષ 2016માં એક પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ પરીક્ષા બાદ 20 ઉમેદવારોનું સિલેક્શન થવાનું હતું. પરીક્ષાના પરિણામ વર્ષ 2017ના નવેમ્બર મહિનામાં આવ્યા હતાં, જેમાં સિલીગુડીની બબીતા સરકારનો 20મો નંબર આવ્યો હતો, પરંતુ આયોગે આ યાદી રદ કરીને બીજું લિસ્ટ બહાર પાડ્યું હતું, જેમાં બબિતાનું નામ વેઈટિંગ લિસ્ટમાં જતું રહ્યું હતું. નવા લિસ્ટમાં બબિતા 21મા ક્રમાંકે આવી ગઈ અને તે સમયના વિધાનસભ્ય પરેશ અધિકારીની દીકરી અંકિતા અધિકારીનું નામ પહેલા ક્રમાંકે હતું. મહત્ત્વની વાત એ છે કે પરેશ અધિકારી હાલમાં શિક્ષણ વિભાગમાં રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા છે.
નવી યાદી બહાર આવ્યા બાદ બબીતા સરકારે કોલકાતા હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને હાઈ કોર્ટે આયોગ પાસેથી બંનેની નંબર શીટ માંગી હતી. દરમિયાન ખુલાસો થયો હતો કે બબિતા કરતાં 16 નંબર ઓછા હોવા છતાં પ્રધાનની દીકરીનું નામ ટોપ પર આવી ગયું હતું. કોર્ટે અંકિતા અધિકારીને નોકરી પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો અને તેને મળેલું વેતન વસૂલ કરીને બબીતા સરકારને આપવામાં આવે તથા તેને નોકરી પર રાખવામાં આવે એવું જણાવ્યું હતું.
કોર્ટે આ કૌભાંડની તપાસ માટે નિવૃત્ત જજ રંજીત કુમાર બાગની અધ્યક્ષતા હેઠળ એક સમિતિનું ગઠન કર્યું હતું અને સમિતિએ આ કૌભાંડમાં સામેલ તાત્કાલિન અધિકારીઓ સામે કેસ ચલાવવાની ભલામણ કરી હતી.
સી ગ્રુપમાં 381 અને ડી ગ્રુપમાં 609 ભરતી ગેરકાયદે થઈ હોવાની બાબત સમિતિને ધ્યાનમાં આવી હતી ત્યારબાદ આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
હાલમાં ઉદ્યોગ અને કોમર્સ ખાતાના પ્રધાન પાર્થ ચેટર્જી આ કૌભાંડ થયું તે સમયે શિક્ષણ પ્રધાન હતાં. સીબીઆઈએ આ પહેલા પણ બે વાર પાર્થ ચેટર્જીની પુછપરછ કરી હતી અને શુક્રવારે પાર્થ ચેટરર્જી અને પરેશ અધિકારીના ઘરે દરોડા પાડ્યા હતાં.

અર્પિતા મુખર્જીને લઈને શું કહ્યું ઈડીએ?
EDએ અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી છે, જે પાર્થ ચેટર્જીની નજીકની મિત્ર બતાવવામાં આવી રહી છે. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અર્પિતા મુખર્જીના નિવાસસ્થાને 20 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે અને આ પૈસા આ સ્કેમમાંથી આવ્યા હોવાની શંકા છે. ટૂંક સમય માટે અભિનેત્રી રહી ચુકેલી અર્પિતા વર્ષ 2019 અને 2020 દરમિયાન દુર્ગા પૂજા સમિતિના પ્રચાર અભિયાનનો ચહેરો બની હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.