પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નુપુર શર્મા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર, મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર પર પ્રહાર

ટૉપ ન્યૂઝ

West Bangal: હાલમાં ચાલી રહેલા પશ્ચિમ બંગાળના વિધાન સભા સત્રમાં આજે ભારે હંગામો થયો હતો. પશ્ચિમ બંગાળ વિધાન સભામાં મોહમ્મદ પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નૂપુર શર્મા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મમતા બેનર્જી સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો જે બહુમતીથી પસાર થતા વિધાનસભામાં હંગામો થયો હતો અને ભાજપના વિધાનસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. જયારે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આંકરા પ્રહારો કર્યા હતા.
મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે, ‘હું લઘુમતી સમુદાયોને વિનંતી કરું છું કે તેઓ ભાજપના ષડયંત્રમાં ન આવે. રેઝીમગર, હાવડા અને ડોમકલ નવદ્વીપમાં જે બન્યું તેની અમે નિંદા કરીએ છીએ. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અમે નોકરીઓ આપીશું પરંતુ તેઓ અગ્નિપથના નામે લોલીપોપ પકડાવી રહ્યા છે.’ ત્યારબાદ ભાજપે વિધાનસભામાં મમતા બેનર્જી વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
બંગાળના મુખ્ય પ્રધાને અગ્નિપથ પર બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ આપેલા નિવેદનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ‘અગ્નીવીરોને શું હવે સુરક્ષા ગાર્ડ બનાવવામાં આવશે? કેન્દ્ર સરકાર મજુરોને સો દિવસની મજુરીના પણ પૈસા નથી આપી રહી.’
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘એવી અનેક ઘટનાઓ સાંભળવા મળી રહી છે જ્યાં BSF આપણા લોકોને હેરાનકરી રહી છે. આ ધર્મ નથી અને જે થઈ રહ્યું છે તે પણ ધર્મનું રાજકારણ છે, જ્યારે ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક હતા ત્યારે પણ આવું નહોતું. આજે આપણે શું કરી રહ્યા છીએ? મમતાએ કહ્યું કે આ સેનામાં બીજેપી કેડરની ભરતી કરવાનો પ્રયાસ છે. અગ્નિપથના નામે દેશમાં આગ લગાડવામાં આવી રહી છે.’
તેમણે કેન્દ્ર સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે, ‘૨૦૨૪માં કોઈ બુલડોઝર બનીને આવશે અને તમારી સરકારને બહાર ફેંકી દેવામાં આવશે.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.