West Bengal: મમતા બેનર્જીએ 7 નવા જિલ્લા બનાવવાની કરી જાહેરાત, બુધવારે કેબિનેટમાં ફેરબદલ થશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પ. બંગાળમાંથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. સીએમ મમતા બેનરજીએ રાજ્યમાં સાત નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મમતાએ કેબિનેટમાં ફેરબદલ અંગે પણ માહિતી આપી છે.
એક મોટી જાહેરાતમાં પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રાજ્યમાં સાત નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. પ. બંગાળમાં પહેલા 23 જિલ્લા હતા, હવે તે વધારીને 30 કરવામાં આવ્યા છે. આ સાત જિલ્લાના નામ સુંદરબન, ઇચ્છેમતી, રાણાઘાટ, બિષ્ણુપુર, જાંગીપુર, બહેરામપુર અને બસીરહાટ છે.
મમતાદીદીએ રાજ્યની કેબિનેટમાં ફેરબદલની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની કેબિનેટના સુબ્રત દા, સાધના દાનું અવસાન થયું છે. પાર્થ ચેટરજીને મંત્રીપદેથી હટાવી દેવામાં આવ્યા છે અને તેઓ જેલમાં છે. તેમનો કાર્યભાર હાલમાં મારી પાસે છે. હું એકલી કેટલા વિભાગો સંભાળી શકું? અનેક વિભાગોમાં જગ્યા ખાલી પડી છે. બુધવાર ત્રીજી ઑગસ્ટના રોજ કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવશે.
મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, અમારી પાસે સમગ્ર મંત્રાલયને વિસર્જન કરીને નવું બનાવવાની યોજના નથી. કેબિનેટમાં ફેરબદલ થશે, પણ આ કોઈ મોટો ફેરફાર નહીં હોય. આ એક નાનો ફેરફાર હશે. કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સામેલ કરવામાં આવશે. કેટલાક નેતાઓને પાર્ટીને મજબૂત કરવાના કામ માટે પણ મોકલવામાં આવશે.
ટીએમસી સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીમાં યુવા ચહેરાઓને સમાવવામાં આવશે. પાર્ટીના યુવાનોમાં મમતા બેનરજી કરતા અભિષેક બેનરજીનો પ્રભાવ વધારે છે. સ્વાભાવિક રીતે જ નવી કેબિનેટ પર અભિષેકનો વધારે પ્રભાવ રહેશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.