લોકપ્રિય ગુજરાતી કવિ સુરેન ઠાકર ‘મેહુલ’નું અવસાન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય કવિ સુરેન્દ્ર ત્રીકમલાલ ઠાકર ‘મેહુલ’નું લાંબી માંદગી બાદ જૈફ વયે બોરીવલી સ્થિત તેમના નિવાસસ્થાને બુધવારે વહેલી સવારે અવસાન થયું હતું. આજે સવારે 10 વાગ્યે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૂળ મહેસાણા જિલ્લાના પેઢામલી ગામના સુરેન્દ્રભાઈની વય 80 વર્ષની હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી માંદગીને કારણે પથારીવશ હતા.
મેહુલ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા, જેમાં કાંદિવલીની બાલભારતી સ્કૂલ અને વિલે પાર્લેની એનએમ કોલેજમાં તેઓ ભણાવતા હતાં. મલાડમાં આવેલી સંસ્કાર સર્જન કોલેજમાં પ્રિન્સિપાલ રહ્યા હતા. તેઓ લોકપ્રિય કવિની સાથે સાથે નિવૃત્ત પ્રોફેસર, પ્રખર વક્તા પણ હતાં. તેમણે અનેક કવિ સંમેલન અને મુશાયરાઓનું સંચાલન પણ કર્યું હતું.
તેમના પરિવારમાં પત્ની અનસૂયા બહેન, પુત્ર આશિષ, પૌત્ર પ્રેરક, પૌત્રવધૂ મોલિકી અને પુત્રી અર્ચના દિવ્યાંગ ઠાકરનો સમાવેશ થાય છે.

તેમની અનેક લોકપ્રિય રચનાઓમાંની એક રચના થકી તેમને શ્રદ્ધાંજલિ આપીએ

પહેલી જિંદગી… વહેલી જિંદગી

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ સાચવેલી જિંદગી.

-સુરેન ઠાકર ‘મેહુલ’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.