જાણીતા ઉદ્યોગપતિ પાલનજી મિસ્ત્રીનું જૈફ વયે અવસાન

આમચી મુંબઈ

વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

મુંબઈ: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં જેમની ગણતરી થાય છે એવા પાલનજી મિસ્ત્રીનું સોમવારે રાત્રે ૯૩ વર્ષની વયે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. દેશની આગળ પડતી કંપનીઓમાંની એક શાપૂરજી પાલનજી ગ્રુપના ચેરમેન પાલનજી મિસ્ત્રીને દેશના અનામી અબજોપતિ માનવામાં આવે છે, કેમ કે તેઓ જાહેર કાર્યક્રમોથી અંતર જાળવી રાખતા હતા. પાલનજીને સૌથી અમીર પારસી વ્યક્તિ પણ ગણવામાં આવતા હતા.
જી-૭ સમિટમાં ભાગ લેવા માટે જર્મની ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાલનજી મિસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરી હતી કે, પાલનજી મિસ્ત્રીના
નિધનના સમાચારથી આઘાત લાગ્યો. તેમણે વાણિજ્ય અને ઉદ્યોગ જગતમાં યાદગાર યોગદાન આપ્યું હતું. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.’
પાલનજી મિસ્ત્રીના નિધનના સમાચાર મળતાં જ લોકો સોશિયલ મીડિયા પર તેમને યાદ કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ ટ્વિટર પર પાલનજી મિસ્ત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે ‘પાલનજી મિસ્ત્રીના નિધનથી એક યુગનો અંત આવ્યો. તેમની પ્રતિભા અને નમ્રતાના સાક્ષી છીએ. તેમના પરિવારના સભ્યો અને તેમના ચાહકો પ્રત્યે મારી સંવેદના.’
૧૫૦ વર્ષથી વધુ જૂની કંપની શાપૂરજી પાલનજી ગ્રુપની સફળતાનો શ્રેય પાલનજી મિસ્ત્રીને આપવામાં આવે છે. પાલનજી મિસ્ત્રીએ એક આઇરિશ મહિલા સાથે લગ્ન કર્યાં હતાં અને તે પછી તેઓ આયર્લેન્ડના નાગરિક બન્યા હતા. જોકે, એ પછી પણ તેઓ મોટાભાગનો સમય ભારતમાં જ રહ્યા હતા. તેઓ મુંબઈના વાલકેશ્ર્વરમાં દરિયાકિનારે આવેલા બંગલામાં રહેતા હતા. તેઓ આ બંગલામાં જ મૃત્યુ પામ્યા. ફોર્બ્સના તાજેતરના આંકડાઓ અનુસાર, પાલનજીની કુલ સંપત્તિ લગભગ ૧૩ બિલિયન ડોલર છે અને તેઓ અબજોપતિઓની યાદીમાં વિશ્ર્વભરમાં ૧૨૫મા ક્રમે હતા.
૨૦૧૬માં ભારત સરકારે પાલનજીને ઉદ્યોગજગતમાં તેમના યોગદાનને બિરદાવવા પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. પાલનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ ૧૯૨૯માં ગુજરાતના પારસી પરિવારમાં થયો હતો. પાલનજીને સૌથી અમીર પારસી વ્યક્તિ પણ કહેવામાં આવતા હતા. તેમની પાસે આઇરિશ નાગરિકતા પણ હોવાથી તેઓ આયર્લેન્ડના સૌથી ધનિક વ્યક્તિ પણ હતા.
શાપૂરજી પાલનજી ગ્રુપની સ્થાપના વર્ષ ૧૮૬૫માં કરવામાં આવી હતી. આ કંપની મુખ્યત્વે બાંધકામ ક્ષેત્રે કામ કરે છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, પાણી, ઊર્જા અને નાણાકીય સેવાઓનાં ક્ષેત્રોમાં પણ હાજરી ધરાવે છે. અત્યારે આ ગ્રુપનો બિઝનેસ ભારત સહિત ૫૦ દેશોમાં ફેલાયેલો છે. પાલનજીના મોટા પુત્ર શાપોરજી મિસ્ત્રી હાલમાં તેમના પિતાના વારસાને આગળ વધારી રહ્યા છે.
પાલનજી મિસ્ત્રીના નાના પુત્ર સાયરસ મિસ્ત્રી ટાટા જૂથ સાથેના તેમના વિવાદોને કારણે ચર્ચામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રી ૨૦૧૨થી ૨૦૧૬ સુધી ટાટા સન્સના ચેરમેન હતા. મિસ્ત્રી પરિવાર ટાટા જૂથમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. મિસ્ત્રી પરિવાર ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં લગભગ ૧૮ ટકા હિસ્સો ધરાવે છે.

1 thought on “જાણીતા ઉદ્યોગપતિ પાલનજી મિસ્ત્રીનું જૈફ વયે અવસાન

  1. Though Mr Palonji was 98, I am immensely saddened by his passing. Zorostrian Parsis are role models for the rest of Indians. They have not ever asked for largess from the government even though they are a miniscule minority. Their dwindling population has lost yet another stalwart. May he rest in peace! Amin!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.