માત્ર ચાર વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર નરાધમને સજા આપવા માટે જામનગર પોલીસે સખત ચપળતા દાખવી હતી અને પાંચ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી. પોલીસે સારજેન ઉર્ફે સાજણ વિશ્વકર્માની ધરપકડ પણ ગણતરીના કલાકોમાં કરી હતી. પહેલી જાન્યુઆરીના રોજ આ ઘટના ઘટી હતી.
પોલીસે સીસીટીવી કેમરાની મદદથી સાજનને શકના દાયરામાં લીધો હતો. મૂળ નેપાળી સાજન બાળકીને લઈ જતો જોવા મળ્યો હતો. આ સાથે બાળકીના દાદી સહિતના લોકોની જુબાની લેવામાં આવી હતી. જેમાં દુકાનદારે સાજન ચોકલેટ લેવા આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. બાળકીનું નિવેદન પણ મેજિસ્ટ્રેટની હાજરીમાં લેવામાં આવ્યું હતું. આ સાથે મેડિકલ ટેસ્ટ વગેરે પણ સમયસર કરવામાં આવ્યા હતા.
પોલીસે નોંધેલી ફરિયાદમાં લખ્યું હતું કે સાજન પોતાના મિત્રને મળવા એક સોસાયટીમાં ગયો હતો જ્યાં આ બાળકી તેની દાદી સાથે રમી રહી હતી. સાજને દાદી પાસેથી પીવા માટે પાણી માંગ્યું ને દાદી પાણી લઈને આવ્યા તેટલા સમયમા તે બાળકીને ચોકલેટની લાલચ આપી એકાંત સ્થળે લઈ ગયો હતો.
જ્યારે છોકરી પાછી આવી ત્યારે તે રડતી હતી અને તેના ગુપ્ત ભાગોમાંથી લોહી ટપકતું હતું. પિતાએ તેને પૂછતા તેણે સાજન મામાનું નામ આપ્યું હતું. પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમા તેને ઝડપી લીધો હતો.
કમનસીબે આવી ઘટનાઓ ઘટતી રહે છે, પરંતુ પોલીસની ઢીલાશ ઘણીવાર રોષ અને નારાજગી જન્માવે છે. જામનગર પોલીસે દાખવેલી સતર્કતા પરિવાર માટે સાંત્વનરૂપ છે અને આનાથી ગુનેગારો પર પણ થોડું નિયંત્રણ આવે છે.