(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તા પર આવેલી ગટરો અને વરસાદી પાણીનો નિકાલ કરનારી ગટરોનાં લોખંડનાં ઢાંકણાં ચોરી જવાના અનેક બનાવો બનતા હોય છે. તાજેતરમાં વિલેપાર્લેમાં વહેલી સવારે વરસાદી પાણીની પાઈપલાઈનનું ઢાંકણું ચોરી કરનારા ચોરટાઓેને પોતાની સતર્કતાને કારણે બચાવનારા ખાનગી સિક્યોરિટી ગાર્ડનું પાલિકાએ સન્માન કર્યું હતું.
પાલિકાના કે-પશ્ર્ચિમ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજના જણાવ્યા મુજબ ૮ જાન્યુઆરીના રવિવારના દિવસે વિલે પાર્લે (પશ્ર્ચિમ)માં જુહૂમાં જેવીપીડી સ્કીમમાં રોડ નંબર છ નજીક વહેલી સવારના સાડા પાંચ વાગ્યાની આસપાસ બે ચોરટા રિક્ષામાં આવ્યા હતા. તેઓએ હાઉસિંગ સોસાયટીના પ્રવેશદ્વાર નજીક રહેલા વરસાદી પાણીની પાઈપલાઈનનું ઢાંકણું ચોરવાનો પ્રયાસ કર્યો હતો. તેનો અવાજ સાંભળીને સોસાયટીમાં ફરજ બજાવી રહેલા પ્રકાશ ઝાલા નામના સિક્યોરિટી ગાર્ડ ચોંકી ગયો હતો અને તે તુરંત દોડીને આવ્યો હતો. પ્રકાશને જોઈને ચોરટાઓ ઢાંકણાને ચોરવાનું છોડીને ફરી રિક્ષામાં ભાગી છૂટ્યા હતા. આ પૂરી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. તેને આધારે પાલિકાના કે-પશ્ર્ચિમ વોર્ડે પોલીસમાં ગુનો નોંધ્યો હતો અને પોલીસ ચોરટાઓને શોધવાની કામગીરી ચાલુ કરી હતી.
પ્રકાશ ઝાલાની સતર્કતાને કારણે ઢાંકણું ચોરાવાનો બનાવ ટળી ગયો હતો અને ભવિષ્યની દુર્ઘટના ટળી ગઈ હતી. સિક્યોરિટી ગાર્ડની સતર્કતાને કારણે સંભવિત દુર્ઘટના ટળી ગઈ હતી. તેથી પાલિકાના કે-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા પ્રકાશ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. નોંંધનીય છે કે રસ્તા પર રહેલી ખુલ્લી ગટરમાં પડી જવાથી મુંબઈમાં મૃત્યુ થવાની દુર્ઘટના બની ચૂકી છે.
શાબ્બાશ !! ખાનગી સિક્યોરિટી ગાર્ડે ગટરનાં ઢાંકણાં ચોરાતા બચાવ્યા
RELATED ARTICLES