છેલ્લા થોડા મહિનાથી વજન અચાનક વધવા માંડ્યું છે, શું કરું?

લાડકી

કેતકી જાની

સવાલ : મારી ઉંમર અઠ્ઠાવન વર્ષ છે. ગઇ સાલ સુધી તબિયતમાં ખાસ કાંઇક ચડ-ઊતર નહોતી. બી.પી. અને ડાયાબિટીસ સાથે પણ જીવન ચાલતું હતું, પણ છેલ્લા થોડા મહિનાથી વજન અચાનક વધવા માંડ્યું છે, એક બહેનપણીએ દાળ-ભાત સદંતર છોડી દેવાનો આઇડિયા આપ્યો છે. ડૉક્ટર કહે છે કે એકદમ નહીં છોડવાનું કશું, મારે શું કરવું સમજાતું નથી. કોઇ કહે રોટલી છોડો, કોઇ કહે દાળભાત. મને તો દાળભાત હંમેશાંથી ઓછા ભાવે છે એટલે વાંધો નથી, તમારો મત જણાવો.
જવાબ : પ્રિય બહેન, સૌપ્રથમ તો એક જ વાત કે ઉંમર પ્રમાણે શરીરમાં ચડઉતાર આવ્યા જ કરે અને આગળ આવવાના. સૌથી પહેલાં તમારા શરીરનું જાતે અવલોકન કરો. તમને શું ભાવે છે તેના કરતાં તમારાં શરીરને શેની જરૂર છે? તેનો વિચાર કરો. ડૉક્ટરે તમને બી. પી. અને ડાયાબિટીસની જે ગોળીઓ આપી છે, તે નિયમિત લો છો? વજન વધવા પાછળ કયુ તત્વ કારણભૂત હોય તેમ તમે માનો છો? તમારી ઉઠવાથી માંડી તમે સૂઇ જાવ છો, ત્યાં સુધી મોંમા મૂકો છો તે દરેકે દરેક નાનામાં નાની અરે પાણી સુદ્ધા ક્યારે કેટલું ખાધું-પીધું તેનો એક ચાર્ટ બનાવો. તમારી ફૂડ ઇનટેક હેબિટનો ખ્યાલ આ ચાર્ટ પરથી આવશે. જો શક્ય હોય તો તમે તે ચાર્ટ લઇ કોઇ જરૂરિયાત નિષ્ણાંતને મળી લો. તેઓ તમને તમારે શું ખાવું અનિવાર્ય છે અને શું સદંતર ત્યાજય માનવુ તે નિશ્ર્ચતપણે સારી રીતે સમજાવશે અને જો તેમની પાસે જવું શકય ના હોય તો અહીં આગળ વિવિધ ખાદ્યપદાર્થો અને શરીરને પૂરતું પોષણ મળે તે માટે તમારાં ફૂડ ઇનટેકમાં કયા તત્વો હોવા જોઇએ તે જણાવું છું. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબી/ફેટ, વિવિધ વિટામીન્સ અને મિનરલ્સ આ બધાં જ માનવ શરીરને શકિત પ્રદાન કરનારાં મુખ્ય સ્ત્રોતો મનાય છે. શરીરના વિવિધ અંગો ઊર્જાશીલ રહે તે માટે કાર્બોહાઇડે્રટનો વિચાર કરાય છે. તમારી ઉંમર, તમારી રોજની ઉઠબેઠ / હરફર વગેરેના સમતોલમાં તમારે તે લેવુંં જોઇએ. વજનનો પ્રોબ્લેમ હોય તો તમે ઘઉંને બદલે બાજરી, જુવાર, જવ જેવા જાડા અનાજનો ઑપ્શન રોટલી માટે અપનાવી આ તત્ત્વ ઇનટેક કરો. માંસપેશીઓ અને મગજ સાથે શરીરના અનેક ભાગોને મજબૂતી કરતું તત્ત્વ પ્રોટીન છે. ખેલાડીઓ કે ખૂબ જ ઍક્ટિવ લાઇફસ્ટાઇલવાળા લોકોને રોજ વધુ પ્રોટીન ઇનટેક લેવું જરૂરી હોય છે. પરંતુ સામાન્ય ધરેડમાં જીવન જીવતા લોકો માટે રોજનું સરેરાશ જે પ્રોટીન જોઇએ, તે તમારા શરીરમાં જવું જરૂરી છે. તમારે કેટલું પ્રોટીન જોઇએ તે તમારી ડાયાબિટીસની ટ્રીટમેન્ટ કરતાં ડૉક્ટરને ચોક્કસ પૂછો. સોયા, ટોકૂ, દાળ, બીન્સ વગેરે રોજ આહારમાં હોવા જરૂરી જ છે. શરીરનું મેટાબોલિઝમ સક્રિય થાય / રહે તે માટે પ્રોટીન સમૃદ્ધ ફૂડ રોજ લેવું જરૂરી છે. સૂકામેવા, ઘી, માખણ રોજેરોજ નિશ્ર્ચિત માત્રામાં ચોક્કસ લેવા જોઇએ.
ચરબી / વસા / ફેટ ઊર્જાનો સમૃદ્ધ સ્ત્રોત છે. હંમેશાં સેચ્યુરેટેડ ફેટયુક્ત વસ્તુઓનો ત્યાગ કરી કુદરતી ફેટ ઇનટેક લેવા તરફ ધ્યાન આપો.
વિટામીન અને મિનરલ્સ ઉપરોક્ત ત્રણે મતલબ કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ચરબી માટ ઉત્પ્રેરક જેવા હોય છે. માટે જ ભોજનમાં રોજેરોજ તાજા ફળ અને શાકભાજી ભરપૂર પ્રમાણમાં લેવા જ જોઇએ. ફાઇબર, એન્ટિ ઓકસીડેન્ટ અને કેરોટેનોયડસથી સમૃદ્ધ વિટામીન્સ અને મીનરલ્સ આપણાં શરીરને અદ્ભુત સુરક્ષા કવચની જેમ જ રક્ષણ આપે છે.
દાળભાત ઓછા ભાવે પણ દાળ વગર તમારા શરીરને જરૂરી પોષક તત્ત્વો ના મળે તેમ બને, માટે હવે માત્ર આ કે તે ભાવે-ન ભાવે નો નાદ છોડી શરીરની પ્રકૃતિ પારખી, નિરોગી દીર્ઘાયુષ્ય ભોગવવા શું અનિવાર્ય છે. તે વિશે ચિંતન મનન કરવાનો સમય આવી ગયો છે. હવે નહીં વિચારો તો ક્યારે વિચારશો શરીર સ્વાસ્થ્ય વિશે? મિત્રો કોઈ બહેનપણીઓ કરે છે તેમ નહીં તમારા ડૉક્ટર્સ અને તમારું મન શું કહે છે તે અંગેે વિચારો-દૈનદિન ચાલવું-યોગાસન-પ્રાણાયામ જેવા શરીરને સ્વસ્થ થવામાં મદદ કરે તેવા કોઇપણ પ્રયત્ન કરો, ઇન શોર્ટ પ્રવૃત્ત રહો. આ છોડું કે પેલું તેને બદલે શરીરને પોષક બધું જ કેવી રીતે તમે તમારા હિત માટે વાપરીને સ્વસ્થ જીવન જીવી શકો, તેનો વિચાર કરવાનો સમય પાકી ગયો છે. અસ્તુ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.