ધુમાડો: ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ

કોઈ ગંભીર ગુનો કર્યો હોય, હત્યા કરી હોય, લૂંટ ચલાવી હોય, ધાડ પાડી હોય, નશીલાં દ્રવ્યોની હેરાફેરી કરી હોય, દાણચોરી કરી હોય, ચોરી કરી હોય, બ્લેકમેઈલ કર્યા હોય…અરે, છેવટે કોઈનું પાકીટ તફડાવ્યું હોય કે નાની અમથી હાથચાલાકી પણ કરી હોય તો શંકાના આધારે ગુનો દાખલ કરીને તાત્કાલિક ધરપકડ કરી શકાય, પણ આ કેસમાં તો એવું કાંઈ જ નથી. ગંભીર તો શું, સાધારણ કહી શકાય એવો ગુનો પણ નહીં. ખૂન, લૂંટફાટ, મારધાડ કે ચોરી તો બહુ દૂરની વાત છે, નાની અમથી હાથસફાઈ જેવું પણ નહીં. ટૂંકમાં, કાયદાની વ્યાખ્યામાં ગુનો કહી શકાય એવું કાંઈ ન મળે. છતાં હકીકત એ છે કે કોઈના માટે જીવન-મરણનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. જો પોતે કાંઈ નહીં કરે તો એક ગંભીર ઘટના…ખરેખર તો દુર્ઘટના બનવાની છે એ નક્કી. કોઈ એને અટકાવી શકે એમ નથી.
વાતાનુકૂલિત ચેમ્બરમાં પીઠ પાછળ બંને હાથના અંકોડા ભેરવીને આંટાફેરા કરી રહેલા પોલીસ કમિશનર ઇન્દ્રવિજયસિંહ ઝાલાને કપાળે ઠંડકમાં પણ પ્રસ્વેદબિંદુઓ બાઝેલાં. કોઈ ગુનો બનતો નહોતો, એથી એફ.આઈ.આર. દાખલ થઇ શકે એમ નહોતું. છતાં જે બનવાનું હતું તે રોકવું પણ જરૂરી જ નહીં, અનિવાર્ય પણ હતું. એણે જે રીતે કહેલું તે જોતાં તો એવું જ લાગ્યું કે એ જે કહે છે એ કરીને જ જંપશે. ત્રીસ વર્ષની શાનદાર કારકિર્દીમાં પોતે પોતાને આટલા અસહાય ક્યારેય નહોતા અનુભવ્યા ઇન્દ્રવિજયસિંહે. છેલ્લા એક અઠવાડિયાથી ઊંઘ વેચીને ઉજાગરા કરી રહેલા. છતાં હજુ સુધી પરિણામ મળ્યું નહોતું. શું કરવું એ સમજાતું નહોતું.
આમ તો ઇન્દ્રવિજયસિંહનો કડપ ઘણો. ગુનેગાર એમને જોઇને જ ઢીલો થઇ જાય. જાજરમાન અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું એમનું. ગુનાખોરી ડામવા કૃતસંકલ્પ. ઘઉંવર્ણો ચહેરો. ચાંદી જેવા ચમકતા વાળ. ઉંમર સાથે વાળ ઓછા થઇ ગયેલા. પણ એ વાળ ચહેરાને દીપાવતા. મક્કમપણે ભીડેલા હોઠ. આંખોમાં દૃઢ નિશ્ચય. અનેરી ચમક. કાંઈક કરી છૂટવાની તમન્ના. એ આંખો જ અપરાધીને આરપાર વીંધી નાખતી. છપ્પનની ઉંમરે પહોંચેલા ઇન્દ્રવિજયની બહાદુરી અને પરાક્રમોના કિસ્સા એટલા જાણીતા હતા કે પોલીસબેડા અને મીડિયાના લોકો માનથી એકે-છપ્પન કહીને પણ સંબોધતા. એનું ગૌરવ હતું ઇન્દ્રવિજયને. પણ અત્યારે એક સ્ત્રી. આમ તો યુવતી કહી શકાય. એ યુવતી આ ગૌરવનું હનન કરી રહી છે. છતાં પોતે કશું જ કરી શકતા નથી. લગાતાર સપ્તાહથી પોતે મંડ્યા હોવા છતાં ઠેરના ઠેર જ છે. હતા ત્યાંના ત્યાં જ છે. જ્યાંથી શરૂ કરેલું ત્યાં જ.
હવે તો સમય પણ ઓછો છે. અડતાળીસ કલાક માંડ. છેલ્લા એક અઠવાડિયામાં કાંઈ નથી થઇ શક્યું તો હવે બે દિવસમાં તો શું થવાનું. પોતે હાથ ઘસતા રહી જશે અને.. અને એ બોલેલું પાળી બતાડશે. રણવિજયનું જીવન ધૂળધાણી થઇ જશે. સાથે જ પોતાનું પણ. પોતાની પ્રતિષ્ઠાનું ધોવાણ થઇ જશે. પોતે હાંસીપાત્ર બની જશે. આયખું આખું વટથી, ખુમારીથી અને આબથી જીવ્યો, પણ રણવિજયની એક ભૂલ… માત્ર ભૂલ નહીં, ભયંકર ભૂલને કારણે આજે આ દા’ડો જોવાનો આવ્યો. પોલીસની કાજળઘેરી કોટડી જેવી નોકરીમાં શ્વેત વસ્ત્ર પર એકેય ડાઘ ન પડે એની પગલે પગલે કાળજી રાખેલી. પ્રામાણિકતાનો પર્યાય બનીને રહ્યા. પણ રણવિજયની એક ભૂલનો ભોગ પોતે બની જશે. આમ તો બાપનાં કર્મોનાં ફળ દીકરાએ ભોગવવાના હોય છે, પણ અહીં તો.. ઊંધું થયું. પુત્રની બેદરકારી બાપનો.. પોતાનો ભોગ લેશે!
હા, રણવિજય એટલે ઇન્દ્રવિજયસિંહનો એકનો એક દીકરો. ચોવીસ વર્ષનો. બે દિવસ પછી એની સગાઇ છે. પોતાના જેવા જ પ્રતિષ્ઠિત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગજેન્દ્રસિંહ ગોહિલની એકમાત્ર દીકરી અનન્યા સાથે. બંને પક્ષે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહેલી. હમણાં સુધી તો બધું બરાબર હતું, પણ અઠવાડિયા પહેલાં.
ઇન્દ્રવિજયસિંહ એ દિવસ ભૂલી શકે એમ નહોતા. એ દિવસે સવારે બરાબર અગિયારના ટકોરે એક યુવતી પોતાને મળવા આવેલી. પોતાનું નામ એણે શિરાલી જણાવેલું. એ યુવતીએ દોઢ ફૂટ બાય દોઢ ફૂટની એક તસવીર કમિશનરના મેજ પર મૂકી. એ તસવીર દારૂગોળાથી પણ વધુ વિસ્ફોટક હતી. શાંત જળમાં પથરો ફેંકાયો. ઇન્દ્રવિજયસિંહ એ જોઇને ઊછળી પડેલા. એક યુવતીને આલિંગન આપી રહેલા યુવકની એ તસવીર હતી. તસવીરમાંની યુવતી તો શિરાલી હતી, પણ યુવાનને જોઇને ઇન્દ્રવિજયસિંહ છળી ઊઠ્યા. એ બીજું કોઈ નહીં, પણ રણવિજય હતો. પોતાનો દીકરો રણવિજયસિંહ.!
ડી.જી.પી. ગજેન્દ્રસિંહ માટે તો આંગળી ન ચીંધી શકાય એવું ચારિત્ર્ય જ સૌથી પહેલી અને સૌથી અગત્યની પ્રાથમિકતા હતી. રૂપિયા, પૈસા, બંગલા, ગાડી, નોકરચાકર અને અન્ય ભૌતિક સમૃદ્ધિ ગૌણ. પોતાની પ્રતિષ્ઠા જોઇને તો એમણે પોતાની દીકરીને રણવિજય સાથે પરણાવવા સામેથી વાત છેડેલી. પોતે પણ વાત વધાવી લીધેલી. પણ આ તસવીર. તસવીરમાં અશ્લીલ કહી શકાય એવી કોઈ મુદ્રા નહોતી, પણ તોયે આ તસવીર મહેન્દ્રસિંહને હાથ ચડે તો લગ્ન ફોક થઇ જ જાય એમાં મીનમેખ નહીં. સાથે પોતાની આબરૂના ચીંથરાં ઊડે અને પોતાની કીર્તિનો કોટ પળમાં ધરાશાયી થઇ જાય એમાં શંકાને સ્થાન નથી.
સર…. શિરાલીના મધુર કંઠે ઇન્દ્રવિજયના વિચારની હારમાળા થંભાવી દીધેલી. શિરાલી ખૂબ સ્વાભાવિકતાથી કહી રહેલી, `એક સમયે રણવિજય અને માં પ્રેમપ્રકરણ ચાલી રહેલું. પણ નજીવી બાબતે અમારો ઝગડો થયો. અમે છૂટાં પડ્યાં. મારા મનમાં રહી માત્ર કડવાશ અને આ યાદગીરી. હવે તો તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું આપની પાસે શા માટે આવી છું?’
બ્લેકમેઈલ…?’ ઇન્દ્રવિજયસિંહના હૈયે ગુંજતો શબ્દ હોઠે આવે એ પહેલાં તો એમના મનની વાત સાંભળી લીધી હોય એમ શિરાલીએ બરફ જેવી ઠંડકથી કહેલું:ના, ના.. બ્લેકમેઈલીંગ નહીં. એ તો બિલો ડિગ્નિટી કહેવાય. હું તો માત્ર એટલું કહેવા આવી છું કે આર્યનની સગાઇના દિવસે હું આ તસવીર ડી.જી.પી.ને સગાઇની ભેટ તરીકે મોકલી આપવાની છું. મારી વાત સમજો છો ને?’
પણ એવું કરવાને કોઈ કારણ…’ ઇન્દ્રવિજયસિંહનું વાક્ય પૂં થાય એ પહેલાં શિરાલી બોલેલી:બદલો. બીજું શું? પરપીડનવૃત્તિ. બીજાની પીડા જોઇને મને અત્યંત આનંદ થાય છે. મારા આ સ્વભાવને કારણે તો રણવિજયે મને છોડી દીધેલી. પણ હવે મારો વારો છે વેરની વસૂલાત કરવાનો. હું પણ જોઉં છું કે રણવિજય અનન્યા સાથે સગાઇ કઈ રીતે કરે છે?’ કહીને શિરાલી તસવીર લઈને ઊભી થઇ ગઈ. દરવાજા સુધી પહોંચીને, કંઇક યાદ આવ્યું હોય એમ પાછળ ફરીને બોલી: `રણવિજયને બચાવવા તમે કાંઈ નહીં કરી શકો. મને ખબર છે કે હું કોઈ ગુનો નથી કરી રહી. સગાઈ નિમિત્તે કોઈને શુભેચ્છા ભેટ મોકલવી એ કાયદાની કોઈ કલમમાં ગુનો બનતો નથી. અને હા, હું વકીલાતનું ભણી છું. એટલે કોઈ છટકું ગોઠવવાનો વિચાર હોય તો માંડી વાળજો. મારી પાસે આ તસવીરની નેગેટિવ પણ છે.’ કહીને શિરાલી સડસડાટ બહાર નીકળી ગયેલી.
શિરાલી જતી રહેલી, પણ આ ચેમ્બરમાં એના શબ્દો હજુ ગુંજી રહેલા. ઇન્દ્રવિજયસિંહ પાંજરે પુરાયેલા સિંહ જેવી અકળામણ અનુભવી રહ્યા. પોતે પોતાની ઝળહળતી કારકિર્દીમાં અનેક પડકારોનો સામનો કરેલો. કેટલાયે ગુનેગારોને ઝબ્બે કરેલા. જોખમો સાથે પનારો પાડેલો. ગમે તેટલો ગૂંચવાયેલો કેસ હોય, એને પોતે પોતાની કોઠાસૂઝથી ઉકેલી દેતા. પણ આજે તો પોતે જ ગૂંચવાયા છે.! કેવી અજબ જેવી વાત છે.
કોઈ જોખમ નથી છતાં જોખમ તોળાઈ રહ્યું છે. એક છોકરીએ પોતાને કેવી વિકટ અને વિચિત્ર પરિસ્થિતિમાં મૂકી દીધા છે. કહેવાય પણ નહીં ને સહેવાય પણ નહીં. પણ વિટંબણા તો એ છે કે પોતાની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે છતાં હાથ બેડીના બંધનમાં જકડાયેલા હોય એવું લાગે છે અને પોતે કાંઈ કરી શકતા નથી. સાં જ થયું કે રણવિજયે આવી માથાફરેલી છોકરીને છોડી દીધી, પણ શિરાલીના સકંજામાંથી રણવિજયને કોણ છોડાવશે? પોતે પેલી તસવીર અને નેગેટિવ પછી મેળવવા જેટલું કરી શક્યા એ કર્યું, પણ પરિણામ શૂન્ય. હશે… હવે જે થવું હોય એ થવા દો. કોઈ કાંઈ કરી શકે એમ નથી.
`ના, ના… એક વ્યક્તિ છે જે હજુય કાંઈ કરી શકે એમ છે. ઇન્સ્પેક્ટર કરણ બક્ષી! જોશીલો, તેજસ્વી ને તરવરિયો. ચપળ, ચાલાક ને ચબરાક. એ જરૂર કોઈક ચમત્કાર સર્જી શકશે!’
ઇન્દ્રવિજયસિંહે તાત્કાલિક કરણ બક્ષીને તેડાવી લીધો. કરણ તુર્ત જ હાજર થયો. પોલીસ કમિશનરે એક ક્ષણ પણ વેડફ્યા વિના ટૂંકમાં મુદ્દાસર વિગતો કરણને કહી. પછી બોલ્યા: `કરણ, તારી પાસે અડતાળીસ કલાકનો સમય પણ નથી. મેં તસવીર અને નેગેટિવ પાછી મેળવવા મારાથી થાય એ બધા જ પ્રયત્નો કરી જોયા છે. પણ હું એ મેળવવામાં સફળ થયો નથી. પણ તારી સફળતા માટે તને શુભકામના પાઠવું છું. જોકે તું એમ ન સમજતો કે હું તારા પર કોઈ દબાણ કરી રહ્યો છું. તું નિષ્ફળ જઈશ તો પણ મને તે કબૂલ મંજૂર હશે. કારણ કે એ છોકરી બહુ ચાલાક છે. મારા બધા પ્રયાસો એટલે જ તો નકામા ગયા…’
સર, તમારી પ્રતિષ્ઠા એ મારે મન સૌથી મહત્ત્વની છે. હું એને ખરડાવા નહીં જ દઉં… ‘ કરણે કહ્યું:મારે માત્ર તમે કરેલા પ્રયત્નો અંગે માહિતી જોઈએ છે. જેથી હું મારી સ્ટે્રટેજી તૈયાર કરી શકું.’
તો સાંભળ…’ કહીને આછા નિ:શ્વાસ સાથે કમિશનરે કહ્યું:આવડી મોટી તસવીર શિરાલી સાથે લઈને ન ફરતી હોય. એથી મેં એને ઘેર ચોરી કરાવી. એક વાર નહીં, બબ્બે વાર. બધા ડ્રોઅર, કબાટ, ગાદલાંગોદડાં, સઘળું રાચરચીલું, જ્યાં એ તસવીર છુપાવી શકાય એ તમામ જગ્યાઓ જોવડાવી નાખી. પણ કાંઈ હાથ ન લાગ્યું…’ એકધાં બોલીને ઇન્દ્રવિજયસિંહ એક પળ અટક્યા. વળી બોલ્યા:
`મારે તો નેગેટિવ પણ જોઈતી હતી. કદાચ એ હેન્ડબેગમાં સાથે લઈને ફરતી હશે એમ ધારીને નામીચા પાકીટમાર પાસે એની હેન્ડબેગની તફડંચી કરાવી. પણ એમાંથીયે કાંઈ ન મળ્યું. બે વાર તો ગુંડાઓ દ્વારા ધાકધમકી અપાવી, પણ એના પેટનું પાણી પણ ન હાલ્યું. એવુંયે નથી કે એ આખો દિવસ ઘરમાં રહેતી હોય. એ બેધડકપણે બહાર આવે જાય છે. એનો અર્થ તો એમ જ થાય કે એણે ઘરમાં નહીં, ને બહાર એવી કોઈ જગ્યાએ એ તસવીર સંતાડી હશે જ્યાંથી એને કોઈ શોધી નહીં શકે એવી એને ખાતરી હશે. આ સિવાય પણ એકાદ બે નાનામોટા પ્રયાસ કર્યા, પણ અંતે મારે હાથ કાંઈ લાગ્યું નથી.’
`સર, આપ નિશ્ચિંત રહો. હું આ ઘડીથી કામે લાગી ગયો છું.’ કહેતાં ઇન્સ્પેક્ટર કરણ બક્ષી ઊભો થયો. કમિશનરની રજા લઈને નીકળ્યો. કશું જ અશક્ય હોતું નથી એવા સૂત્રમાં માનતા કરણ બક્ષીએ વિચારવાનું શરૂ કર્યું. બળથી નહીં, કળથી કામ લેવાનું હતું. મોડી રાત થઇ ગયેલી, એટલે કરણ ઘસઘસાટ ઊંઘી ગયો. થાક અને ઉજાગરો કાર્યક્ષમતા ઘટાડી દે છે. સવારે કરણ ઊઠ્યો ત્યારે તાજગી અને સ્ફૂર્તિ અનુભવી રહેલો. હવે ચાળીસેક કલાકમાં કામ પાર પાડવાનું હતું. કરણ એ માટે સજ્જ થયો. સમય ઓછો હોય ત્યારે એનું મગજ બમણા જોશથી કામ કરવા ટેવાયેલું.
અત્યારે ચાની ચુસકી લેતાં પણ એનું દિમાગ સતત કાર્યશીલ હતું. જાતજાતના વિચાર આવ્યા અને ગયા. ખાસ્સા વિચારના અંતે એક કીમિયો અમલમાં મૂકવાનો નિશ્ચય એણે કર્યો. એ માટે જુનિયર જયરાજ જાડેજા અને ઝલક દીક્ષિતની મદદ લેવી પડે એમ હતી. કરણે બંનેને બોલાવ્યા. બીજું કશું કહ્યા વિના એમણે જે કરવાની હતી તે કામગીરી સોંપી. બંનેને કરણ બક્ષીમાં એટલો વિશ્વાસ હતો કે એક પણ પ્રશ્ન કર્યા વિના કામે વળ્યા.
એ જ સાંજે સાડા પાંચનો સમય… શિરાલી આ સમયે ઇવનિંગ વોક લેવા નીકળે. યોજના અનુસાર કરણ બક્ષી અને ઝલક દીક્ષિત પતિપત્નીનો સ્વાંગ રચીને શિરાલીના ઘરની નજીક પહોંચ્યા. શિરાલી દૈનિક ક્રમ પ્રમાણે વોક લેવા નીકળી. પહેલેથી જ ત્યાં ગોઠવણ પ્રમાણે આવી પહોંચેલા બદમાશોએ શિરાલીને ઘેરી લીધી. થોડી ઝપાઝપી થઇ. શિરાલી બહાદુર ખરી, પણ ચાર જણાને પહોંચી વળે એમ નહોતું. અગાઉથી નક્કી થયા મુજબ આ મોકાનો ફાયદો કરણ બક્ષીએ ઉઠાવ્યો. એ વચમાં પડ્યો અને શિરાલીને બચાવવા જતાં ગંભીર રીતે ઘાયલ થયો. એના માથા પર ઢીમણું ઉપસી આવેલું, ખભા પરથી પુષ્કળ લોહી વહી રહેલું, હાથ પગ છોલાઈ ગયેલા. ઘૂંટી લોહીઝાણ. એમાં કોઈ બનાવટ નહોતી.
કરણે ઊભા થવા પ્રયત્ન કર્યો, પણ ફસડાઈ પડ્યો. મોંમાંથી વેદનાનો ઊંહકારો નીકળી ગયો. શિરાલી આમ તો બીજાની પીડા જોઇને ખુશ થતી, પણ પોતાને બચાવવા જતાં પેલા ભલા માણસની આ દશા થયેલી. એથી ઝલકની મદદથી એને ટેકો આપીને ઘેર લઇ ગઈ. કરણને કોચ પર બેસાડ્યો. પોતે પાટાપિંડીની સામગ્રી લેવા અંદરના ઓરડામાં ગઈ. કરણે જોયું કે એનું ઘર ભપકાદાર કે ટાપટીપવાળું નહોતું, પણ સાદગીપૂર્ણ હતું. જોકે એ સાદગી પણ ગરિમાપૂર્ણ હતી. બહારના નાનકડા દીવાનખંડ પરથી એણે અનુમાન કર્યું કે ઘર ત્રણ ઓરડાનું હોવું જોઈએ. હવાઉજાસ સારાં હતાં. પોતે જ્યાં કોચ પર બેઠેલો એ ઓરડામાં ખુલ્લી બારીમાંથી આવતો પવન ઠંડક આપી રહેલો. દીવાનખંડની બરાબર સામેના ભાગમાં પૂજાઘર દેખાયું. એમાં શોભતી દેવીદેવતાઓની છબી જોઇને શીશ ઝૂકી ગયું.
એટલામાં શિરાલી ફર્સ્ટ એઇડ કીટ લઈને આવી. કરણની સુશ્રૂષામાં પરોવાઈ. એના જખમ સાફ કરીને પાટો વીંટાળવા લાગી. એ જ વખતે દર્દથી કણસતા કરણનો હાથ ઊંચો થયો. ઘરની બહારના ભાગમાં એક વૃક્ષ પાછળ સંતાયેલા જયરાજ જાડેજાને ઊંચો થયેલો હાથ દેખાયો. એનો સંકેત સમજીને જયરાજે એક પદાર્થ બારીમાંથી અંદર નાખ્યો. વળતી પળે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા. જયરાજે આગ આગની બૂમો પાડવા માંડી. લોકો ભેગા થવા માંડ્યા. આગનું સાંભળીને શિરાલી કરણનો પાટો પડતો મૂકીને પૂજાઘર તરફ દોડી. દેવીદેવતાની છબી પાછળ હાથ નાખીને પેલી તસવીર અને નેગેટિવ બહાર કાઢ્યાં.
એ જ ક્ષણે કરણ ચિત્તાની ચપળતથી કૂદ્યો. શિરાલી કશું સમજી શકે એ પહેલાં તો તસવીર અને નેગેટિવ કરણના હાથમાં. શિરાલી તો ડઘાઈ જ ગઈ. એ કાંઈ કહે એ પહેલાં કરણ બોલ્યો: `આપે સ્વયં આ તસવીર અને નેગેટિવ બહાર કાઢ્યાં એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી એ શોધવાની મહેનત બચી અને સમય પણ.’ આમ કહીને કરણ ઝલક સાથે ઘરની બહાર નીકળ્યો. ટોળે વળેલાં લોકોને સમજાવીને વિખેરી દીધાં.
અડધો કલાક પછી… કરણ તસવીર અને નેગેટિવ સાથે પોલીસ કમિશ્નર ઝાલા સામે ઊભેલો. ઇન્દ્રવિજયસિંહને તો પોતાની આંખો પર ભરોસો જ ન બેઠો. આ જુવાન ઇન્સ્પેક્ટર પર મૂકેલો વિશ્વાસ એળે નહોતો ગયો. પોતાની પ્રતિષ્ઠા હવે હેમખેમ હતી. પણ કેવી રીતે?
સર…’ ઇન્દ્રવિજયસિંહની નજરમાં ઊઠેલો સવાલ વાંચીને કરણ બક્ષીએ જવાબ વાળ્યો:મેં માનસશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો છે. એના આધારે મને એવું લાગ્યું કે સ્ત્રીના પેટમાં કોઈ વાત ન ટકે એમ ભલે કહેવાતું હોય, પણ શિરાલી પોતાની અંગત વાત કોઈને કરે નહીં. જો કોઈને કહે તો વાત જાહેર થઇ જાય અને પોતે ઘડેલું ષડ્યંત્ર નિષ્ફળ થઇ શકે.
બીજી વાત એ કે પોતાના ઘરથી વધુ સુરક્ષિત જગ્યા એને કોઈ ન જ લાગે, કારણ, આવી સંવેદનશીલ બાબતમાં એ કોઈનો ભરોસો ન જ કરે. ત્રીજી વાત, એ સગાઇ નિમિત્તે પેલી તસવીર ભેટ આપવાની હતી, એટલે તસવીર હાથવગી જ રાખે. હાથવગી એટલે ઘરમાં જ. આ બધી બાબતનો વિચાર કરીને મેં એના ઘરમાં ઘૂસવાની અને શિરાલી પોતે જ એ તસવીર અને નેગેટિવ બહાર કાઢવા મજબૂર બની જાય એવી યોજના ઘડી.’
`યોજના…?’ ઇન્દ્રવિજયની આંખમાં ચમકારો થયો.
હા, સર…’ કહીને કરણે યોજના વિશે જણાવ્યું. પેલા બદમાશો વિશે, પોતે ઘાયલ થયા વિશે, ધુમાડો કાઢતા સ્મોકબોમ્બ વિશે, આગ આગની બૂમો વિશે. હવે જ ઇન્દ્રવિજયનું ધ્યાન કરણના જખમ પર ગયું. ત્યાં તો કરણે કહેવા માંડ્યું: સાયકોલોજીમાં એક સિદ્ધાંત છે. જયારે આગ લાગે ત્યારે માણસ સૌથી પહેલાં પોતાની કિમતી ચીજ લેવા દોડે છે. મેં આ નિયમ પર મદાર રાખેલો. ધાર્યું એવું જ થયું. આગનું સાંભળીને શિરાલી કિમતી જણસ બચાવી લેવા દોડી. એ કિમતી ચીજ તો પેલી તસવીર અને નેગેટિવ જ હોય ને? મારી ધારણા સાચી પડી. શિરાલીએ દેવદેવીની છબી પાછળ નેગેટિવ સાથે છુપાવેલી તસવીર કાઢી અને મેં એ ઝડપી લીધી.’
વેલ ડન માય બોય…’ ઇન્દ્રવિજયસિંહ લાગણીશીલ થઈને બોલ્યા:તારો આભાર માનીશ તો તને નહીં ગમે. પણ શિરાલીને કોઈ માથાનું મળ્યું ખં. ફરી આવું કાંઈ કરતાં પહેલાં સો વાર વિચાર કરશે.’
`સર…’ કરણના હોઠે હાસ્ય રમવા લાગ્યું: શિરાલીને પાઠ મળ્યો હશે કે આગ લાગી હોય ત્યાં ધુમાડો થાય એ સ્વાભાવિક છે, પણ જ્યાં ધુમાડો દેખાય ત્યાં આગ લાગી જ હોય એ જરૂરી નથી!
આ પણ વાંચો…ગંધઃ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ



