સપ્તાહની શરૂઆત તેજી સાથે, સેન્સેક્સમાં ૭૬૦ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી ૧૬૨૫૦ની ઉપર

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના મજબૂત સંકેત પાછળ સ્થાનિક શેરબજારે પણ સપ્તાહની શરૂઆત તેજીના ટોન સાથે કરી હતી. ખાસ કરીને આઇટી, ઓઇલ અને ગેસ તથા બેન્કિંગ સેકટરના શેરોની આગેવાનીએ નવેસરની લેવાલીનો ટેકો મળતા સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્કમાં એકાદ ટકાનો વધારો થયો હતો. આમ પાછલા સપ્તાહે ગુમાવેલો એક ટકો એક જ સત્રમાં પાછો મેળવી લીધો હતો. સત્ર દરમિયાન ૭૯૫.૮૮ પોઇન્ટ અથવા તો ૧.૪૮ ટકા ઉછળીને સેન્સેક્સ ૫૪,૫૫૬.૬૬ પોઇન્ટની સપાટીને અથડાયો હતો અને અંતે સતત બીજા દિવસે આગેકૂચ ચાલુ રાખતા સેન્સેક્સ ૭૬૦.૩૭ પોઇન્ટ અથવા તો ૧.૪૧ ટકાના સુધારા સાથે ૫૪,૫૨૧.૧૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
અમેરિકાના શેરબજારોની તેજી પાછળ એશિયાઇ બજારોમાં પણ આગેકૂચ જોવા મળી હતી અને તેની સેન્ટિમેન્ટલ અસર વચ્ચે સ્થાનિક બજારમાં ખાસ કરીને તાજેતરમાં પછડાટ ખાનારા આઇટી શેરોની આગેવાનીમાં નવેસરની લેવાલી નીકળતાં સેન્સેકસ અને નિફ્ટી એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. બજારના સાધનો અનુસાર નિફ્ટીએ ૧૬,૨૦૦ની અવરોધક સપાટી વટાવી નાંખી હોવાથી તેજીનો ટોન ટૂંકા ગાળા સુધી જળવાઇ રહેવાની આશા જાગી છે. ચાર્ટિસ્ટ અનુસાર નિફ્ટી માટે હવે નવો તાત્કાલિક લક્ષ્યાંક ૧૬,૩૦૦ અને ત્યારપછી ૧૬,૫૦૦નો છે. જો બેન્ચમાર્ક આ સપાટી વટાવવામાં સફળ રહેશે તો ૧૬,૮૦૦ સુધી પહોંચશે.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. મિડકેપ ઈન્ડેક્સ ૧.૪૯ ટકા વધીને ૨૩,૧૯૪.૭૨ના સ્તર પર, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૯ ટકા વધારાની સાથે ૨૬,૧૩૭.૧૩ પર પહોંચ્યો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ૦.૩૮-૩.૧૭ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૧.૯૫ ટકાના વધારાની સાથે ૩૫,૩૫૮.૭૦ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ટીસીએસ ફરી યુકેની સોફ્ટવેર અને આઇટી સર્વિસ કંપની બની છે. કંપનીએ યુકેની બજારમાં સોફ્ટવેર અને આઇટી સર્વિસ પૂરી પાડનારી ટોચની ૩૦ કંપનીમાં સ્થાન મેળવ્યું છે. અગ્રણી ટાઈલ, સેનિટરીવેર અને બાથવેર બ્રાન્ડ્સ પૈકીની એક વરમોરા ગ્રેનિટોએ પ્રોડક્ટ એક્સપાન્શન અંતર્ગત ફેસેટ્સ, કિચન સિંક, વોટર હીટર્સ અને બાથવેર એસેસરીઝની રેન્જ બહાર પાડી છે. કંપની ૭૪થી વધુ દેશોમાં નિકાસ કરે છે અને ૧૦૦થી વધુ દેશોમાં તેની ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સ વિસ્તારવાની યોજના છે.
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (જીએસએફસી)એ સલામતીના કારણોસર યુરિયા-ટુ પ્લાન્ટ બંધ કર્યો છે અને તેને કારણે નીમ યુરિયાના ઉત્પાદનમાં ૧૩ દિવસમાં ૧૦,૪૦૦ ટનનો ઘટાડો થવાનો અંદાજ છે. સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના ચીફ તરીકે આશીષકુમાર ચૌહાણના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ નવેમ્બર સુધી બીએસઇના સીઇઓ પદે કાર્યરત રહેશે. બીએસઇએ નવા ચીફની શોધ ચાલુ કરી દીધી હોવાની બજારમાં ચર્ચા છે. અગ્રણી શેરોમાં હિંડાલ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૧૦-૪.૭૫ ટકા સુધી વધ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.