દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે અને દેશભરમાં શોકની લાગણી પ્રસરી છે
ઓછું બોલવામાં અને વધુ કામ કરવામાં માનતા ખૂબ જ સાદા અને નમ્ર વડા પ્રધાન તરીકે તેઓ આપણી સ્મૃતિઓમાં હંમેશાં જીવંત રહેશે
દસ વર્ષના કાર્યકાળમાં તેમના નેતૃત્વ સામે ઘણા પડકાર આવ્યા, પરંતુ તેમણે ઘણા એવા નિર્ણયો કર્યા જે દેશને નવી દિશા આપનારા સાબિત થયા
રાઈટ ટુ ઈન્ફોર્મેશન-2005ઃ સરકારી કામકાજ અને ખર્ચ સહિતની તમામ માહિતી જનતાને જાણવાનો અધિકાર આપતા આ કાયદાએ પારદર્શિતા આપવામાં અનન્ય ફાળો આપ્યો
મનરેગા 2005ઃ વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરંટી આપતો આ કાયદો ગરીબ મજૂર વર્ગ માટે લાઈફલાઈન સાબિત થયો
રાઈટ ટુ એજ્યુકશન 2009ઃ 6થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણનો અધિકાર આપતો આ કાયદો છે, જેમાં દરેક ખાનગી સ્કૂલોમાં ગરીબ બાળકો માટે 25 ટકા જગ્યા અનામત રાખવાની જોગવાઈ છે
રાષ્ટ્રીય ખાદ્ય યોજના-2013ઃ દેશના બે-તૃતિયાંશ નાગરિકોને સસ્તા ભાવે અનાજ આપવાના આ કાયદાએ ભૂખ્યાના જઠરાગ્નિ ઠારવાનું કામ કર્યુ
ભૂમિ અધિગ્રહણ કાયદો-2013ઃ સરકાર વિકાસના કામો માટે જે કોઈની અને ખાસ કરીને ખેડૂતોની જમીન લે તો તેને ઊંચું વળતર આપવાની ગેરંટી આપતો આ કાયદો છે.
અમેરિકા જેવા દેશે પણ 2008માં જ્યાર આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ભારતના અર્થતંત્રને મજબૂત અને સ્થિર રાખનારા મનમોહન સિંહનું યોગદાન અમૂલ્ય છે
દેશના એક ઉચ્ચ શિક્ષિત અને ઉચ્ચ વિચાર અને જીવનમૂલ્યો ધરાવતા મૃદુભાષી નેતાનું વિશ્વમાં પણ ખૂબ જ સન્માન થયું છે.
ઘોંઘાટ કર્યા વિના અને લાઈમલાઈટમાં આવ્યા વિના દેશનું દસ વર્ષ સુધી સફળ સંચાલન કરનારા મનમોહન સિંહને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ