મુંબઈઃ અત્યારે તો માર્ચ મહિનામાં જ મુંબઈગરા એપ્રિલ-મે મહિના જેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે અને આ મુશ્કેલી વચ્ચે હવે હવામાન ખાતા દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જે મુંબઈગરાની મુશ્કેલીમાં વધારો કરી શકે એમ છે. ચોથી અને છઠ્ઠી માર્ચ દરમિયાન મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે એવી આગાહી હવામાનશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં માર્ચથી મે એમ ત્રણ મહિના સુધી સૂરજ આગ ઓકશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. છેલ્લાં કેટલાક વર્ષોથી તાપમાનમાં થઈ રહેલો વધારો એ નાગરિકો અને હવામાનખાતા માટે પણ ચિંતાનું કારણ બની ચૂક્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ પારો 40 ડિગ્રીનો આંકડો વટાવી ચૂક્યો હતો અને આ વર્ષે ગરમી બધા જ રેકોર્ડ તોડશે એવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી.
હવે ભર ઉનાળામાં મેઘરાજા મહારાષ્ટ્રમાં હાજરી પુરાવે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે, એટલે મહારાષ્ટ્રના લોકોએ વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.મહારાષ્ટ્રમાં ચોથી માર્ચથી છઠ્ઠી માર્ચ દરમિયાન અનેક ઠેકાણે વરસાદ પડશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઓછા દબાણનો પટ્ટો તૈયાર થઈ રહ્યો હોવાને કારણે રાજ્યમાં કમોમસી વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન ખાતાએ ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડાના અમુક વિસ્તારમાં તેમ જ ઉત્તર કોંકણ અને વિદર્ભમાં વરસાદ પડે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.છઠ્ઠી માર્ચના સંપૂર્ણ વિદર્ભમાં જ્યારે પાંચમી માર્ચના નાગપુર, વર્ધા, ચંદ્રપુર, અમરાવતી, અકોલા અને બુલઢાણાના અમુક ગણ્યાગાંઠ્યા વિસ્તારમાં વરસાદ પડશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઉત્તર કોંકણમાં પણ વરસાદ પડે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. મરાઠવાડાના મેક્સિમમ ટેમ્પરેચરમાં પણ ઘટાડો થવાના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. લા નિના પછી વધી રહેલાં અલ નિનાના પ્રભાવને જોતાં 2023માં પણ હીટ વેવ અને ઉષ્ણતામાનનું જોખમ રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધતાં તાપમાનનો ફટકો પાકને પણ પડી રહ્યો છે. માર્ચથી મે મહિનામાં તો મહારાષ્ટ્રમાં ઓગ ઓકતી ગરમી જોવા મળશે અને રાજ્યનું મહત્તમ તાપમાન સરાસરી કરતાં વધુ જોવા મળે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પાર 40 ડિગ્રીનો આંકડો વટાવી જાય એવો અંદાજો પણ વ્યક્ત કરાઈ રહ્યો છે.