(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ગુરુવાર સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યના યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. અચાનક કમોસમી વરસાદ પડતા સમગ્ર દ્વારકાના રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. યાત્રાધામ દ્વારકામાં ભર ચોમાસા જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુરુવારની વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યાં હતાં. વાદળછાયુ વાતાવરણ હોવાથી તાપમાનનો પારો ગગડ્યો છે.
અમદાવાદમાં વાતાવરણ પલટાતાં થલતેજ, ગોતા, એસ.જી હોઈવે, ઓઢવ, સી.જી. રોડ, કાલુપુર, રાયપુર, પાલડી, ખાડીયા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. બીજી બાજુ રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને દેવભૂમી દ્વારકા, પોરબંદર, રાજકોટ, ખેડા, પંચમહાલ, સાપુતારા અને બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
સાપુતારામાં ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી તા. ૧લી એપ્રિલ સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી. કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.