Homeવીકએન્ડઅમે હિમાલયી જંગલમાં અટવાતા- ભટકતા હોત, પણ એવું ન થયું, કોઈક દિવ્યશક્તિની...

અમે હિમાલયી જંગલમાં અટવાતા- ભટકતા હોત, પણ એવું ન થયું, કોઈક દિવ્યશક્તિની પ્રેરણા અમારું માર્ગદર્શન કરી રહી છે

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

(ગતાંકથી ચાલુ)
લાભભાઈ સાથે મયાલી જ ઊભા હશે. ત્યાં બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હશે અને અમે ૪-૫ કિ.મી. આગળ આવીને ભૂલા પડી ગયેલા વિમાસણમાં આ ભારી ભરખમ જંગલમાં બેઠા છીએ. અહીંથી બે રસ્તા છે ભારી મૂંઝવણ ઊભી થઈ છે. જો સીધા રોડ તરફના રસ્તે જઈએ તો ઊંડી ખીણ છે. એક તરફના જંગલમાં જતા રસ્તે જઈએ તો તે તરફ રોડ નથી. એક રોડ ખૂબ દૂર સામે પહાડોને કોતરીને બનાવ્યો છે પણ એ તો સ્પષ્ટ હતું તે તરફ તો જવાનું નથી. તો હવે કઈ બાજુ કંઈ સમજાતું નથી. પાણીની તરસ પણ આજ તો વ્હેલી વ્હેલી લાગી ગઈ છે. આગળ કયું ગામ આવશે? ક્યાં રોકાશું? હજુ કેટલું ચાલવાનું હશે? પણ કંઈ નહીં થોડીવાર થાક ઉતારી લઈએ. મગજનો થાક થોડો ઊતરશે. પછી કંઈક માણસ જંગલમાં આવશે અથવા કોઈ સંકેત થશે. અમે તો બેસી ગયા જય હિમાલયગિરિ મહારાજ. બેઠા બેઠા થોડીક હિમાલયના અનુભવોની ખાટી-મીઠી વાતો કરીને હળવા થયા પણ હજુ સુધી કોઈ માણસ આ બાજુ ફરક્યો નહિ. પછી આદિશ્ર્વર દાદાનું નામ લઈ ઊભા થયા. વિચાયુર્ં કઈ તરફ જવું પ્રભુ! અમારું ડગલું સાચા માર્ગે વાળજો એમ કહીને નીકળ્યા- જ્યાં પહોંચાય ત્યાં. પેલી કેડી પાછી નીચે તરફ જવા લાગી. ત્યાં નીચે જ એક રોડ હતો. એટલે કે અમે સાચા રસ્તે હતા. ૧૦ મિનિટમાં તો નીચે રોડ પર આવી ગયા. ગામનું નામ પૂછ્યું તો જાણ્યું ‘પૈયતાલ.’ બોર્ડ પર મયાલી ૫ કિ.મી. લખેલું હતું. એટલે કે અમે ચિરબટીયાથી મયાલી ૧૯ ઉપર ૫ એમ ૨૪ કિ.મી. પાર કરી લીધું હતું. કાચા રસ્તે ૧૦-૧૧ કિ.મી. થયું હશે. લાભુભાઈ અને રાજુ તો મયાલી રાહ જોતા ઊભા હશે કારણ કે પહેલેથી જ તેજ રીતે સૂચના આપી હતી કે આજે મયાલી જવાનું છે. હવે સમાચાર કઈ રીતે પહોંચાડવા? તોય એક- બે સ્કૂટરવાળાને ઊભા રાખીને સમાચાર જણાવ્યા. બીજો કોઈ ઈલાજ અમારી પાસે નથી. અહીં ગામ તો શું કહેવાય? એક છાપરા નીચે એક હોટલ અને ૨-૩ બીજી આડી અવળી દુકાનો બાકી બધું રામરાજ, એટલે કે અહીં રોકાવાય એવી જગ્યા જ નથી. આગળ જ ચાલવું પડશે. માણસો આવે ત્યાં સુધી તો એક ઠેકાણે વિશ્રામ કરવાનું વિચાર્યું. ગરમી એટલી હતી કે તરસથી ગળું સુકાતું હતું. અગસ્ત્યઋષિ યાદ આવી ગયા. જાણે આખો સમુદ્ર પીયે તોય તરસ ન છીપે- એક સરસ બસ સ્ટેશન પર અમે બેઠા ‘દેવદર્શન વિધિ’ કરીને નિવૃત્ત થયા.
ખુલ્લા બસ સ્ટેન્ડમાં અમે બેઠા હતા. એક તરફ પ્રતીક્ષા થઈ રહી હતી તો બીજી તરફ થાક ઉતરી રહ્યો હતો. એક તરફ તરસ વધી રહી હતી તો બીજી તરફ આગળ ક્યાં જવું એની તજવીજમાં મન લાગેલું હતું, પણ આજે સવારે કાચા રસ્તે નીકળ્યા છીએ મોટા મોટા બે શિખરોને પાર કરી અમે નીચે ઊતરી આવ્યા છીએ. ભગવાન ભરોસે છફૂટી અમને અહીં લઈને આવી. જો કે આ હિમાલયની છફૂટી કહેવાય. સાવધાનીથી ચાલ્યા તો લક્ષ્ય સ્થાને જલદી પહોંચાડી દે. જો છફૂટી ઉપરથી ભરોસો છોડીને છફૂટીને મુકીને બીજા કોઈ પણ આડા અવળા રસ્તે ચઢી જાવ તો ક્યાં જાવ એનો કંઈ પત્તો લાગે નહિ. એવા નિર્જન જંગલમાં પ્રવેશ થઈ જાય કે ભયંકર ભવાટવીમાં ફરતા હોઈએ તેવું લાગે. આ તો સારું થયું- દેવગુરૂ કૃપાથી અમે સાજા સારા ઠેકાણે પહોંચી ગયા છીએ, જો એકાદ ડગલું પણ ખોટી દિશામાં પડ્યું હોય તો ભૂખ્યા તરસ્યા, થાક્યા, પાક્યા અમે કોઈક હિમાલયી જંગલમાં અટવાતા- ભટકતા હોત પણ એવું ન થયું. કોઈક દિવ્યશક્તિની પ્રેરણા અમારૂં માર્ગદર્શન કરી રહી છે.
આ રીતે કેટલાય વિચારોના ખાબોચિયા ઉલેચતા સમય વીતતો હતો. સારું હતું બસ સ્ટેન્ડની પાછળ જ નદી હતી અને સામા ગિરિશિખર પર આવનારાં વાહનો દેખાતા હતા. કુદરતની કામણગારી કરામતને જોતા અમે બેઠા. તૃષા પરિષહનો પ્રભાવ ક્ષણે- ક્ષણે વૃદ્ધિ પામતો હતો. આજે લાગે છે કે તૃષા ને પરિષહ કેમ કહેવાય? છતાં આનંદમાં સમય વિતાવતા લગભગ ૧ કલાક પછી રાજુ- લાભભાઈ અને સંજુ આવ્યા. એક ઠીક થયું કે પાણી ક્યાંક ગરમ કરાવીને જ લાવ્યા હતા. હજુ તો નવસેકું હતું. તે હતું તે વાપર્યું. હવે…
આગળ વધવાનું હતું. રાજુને કહ્યું ભાઈ! હવે અડધો એક કિ.મી.માં કોઈ ઠેકાણું હોય તો શોધ હવે આગળ ચાલવાની શક્તિ નથી. તેઓ આગળ ગયા અમે ધીરે ધીરે ચાલ્યા. રસ્તામાં ૨-૩ ગામ આવીને જતા રહ્યા. છેક પાંચ કિ.મી. ચાલ્યા ત્યાં આજની વ્યવસ્થા માંડ- માંડ ગોઠવાઈ હતી તેમાંય રહેવા માટેની જગ્યા કેવી મળી? તેના શું વખાણ કરવા? આવા ઘનઘોર જંગલમાં શું મળે? ગામ હોય તો અડધો એક કિ.મી. ઉપર હોય અથવા નીચે હોય, રોડ પર નહિ.
આજે પણ ગામતો રોડથી કિ.મી. ઉપર હતું. રોડ પર એક ચા-પાણી માટે હોટલ- એક નાનકડું ખડખડ ઝરતું ઝરણું. એક જૂની બંધ હોટલ અને એક ખંડેર. આજનો ઉતારો અમારો આ ખંડેરમાં હતો. પહેલા કદાચ કોઈનુું ઘર હશે કે હોટલ. એક તરફ રાંધણિયું તો હતું. વળી અંદર યાત્રિકો કે અન્ય કોઈએ ૩-૪ પથ્થરનાં ચુલાનો ઉપયોગ ઘણીવાર કર્યો હશે, તેથી જ તો અંદરથી કાળુ મેશ હતું- ક્યાંક કપડું અડી ગયું તો કાળું થઈ જાય. માટી- પથ્થર અને સડેલા લાકડા પડેલા. અમે એક બાજુ થોડું સાફ કરીને રહ્યા. સારી વાત જ હતી કે ઉપર પતરાનું છાપરૂં અખંડ હતું. પણ ઉપર નીચે આજુબાજુ સર્વત્ર કરોળિયાના જાળાનું સામ્રાજ્ય હતું. આજુબાજુ લાકડાના પાટિયાની દીવાલ હતી. ૪ જણ માટે બેસી શકાય તેટલી જગ્યા હતી. અજવાળું તો માત્ર દરવાજામાંથી આવતું હતું. પતરામાં ક્યાંક કાણામાંથી સૂરજનું ચાંદરણું પડતું હતું. વરસાદ આવે તો પલળીએ નહિ. આસપાસ પારિષ્ઠાપનિકા માટે પુષ્કળ જગ્યા હતી.
બાજુમાં પાણીનો કલકલ નાદ અવિરત ચાલુ હતો. જોકે આજે ખૂબ લાંબો વિહાર કરીને સારા એવા થાકી ગયા હતા. રોડે રોડે તો ૨૯-૩૦ કિ.મી. થઈ ગયું હશે, કાચા રસ્તે પણ ૧૫-૧૬ તો ખરું જ. સાંજે વિહાર કરવો ફરજિયાત હતો. અહીં સંથારો કરી શકાય તેવી જગ્યા જ ક્યાં છે? ખાસ સૂક્ષ્મ જીવજંતુઓનો ઉપદ્રવ વધારે છે. સાંજે વિહાર કરી ૭ કિ.મી એક બારી બારણા વિનાના નવા મકાનમાં ઉતર્યા. મકાન સાફ-સૂથરૂં અને મોટું હતું. તિલવાડા અહીંથી હવે ૩ કિ.મી. બાકી છે. કાર્યક્રમ પ્રમાણે આવતી કાલે સાંજ સુધીમાં તિલવાડા પહોંચવાનું હતું પણ સાંજે જ તિલવાડાની નજીક પહોંચી ગયા છીએ.
અગત્સ્યમુનિ
જેઠ વદ ૬, મંગળવાર, તા. ૫.૬.૨૦૧૮
સવારે સમયસર આગળ વધ્યા. ૨ કિ.મી. ચાલ્યા ત્યાં તો તિલવાડા ગામ ચાલુ થઈ ગયું. ગામ મોટું છે. અહીંથી બદ્રીનાથ માટે રૂદ્રપ્રયાગ થઈને જવાય અને કેદારનાથ માટે અગત્સ્યમુનિ થઈને. અહીંથી કેદારનાથ ૬૦ કિ.મી. છે એમ વિચારીને અમે કેદાર તરફ જ આગળ વધ્યા. ગઈકાલે ખૂબ લાંબો વિહાર થયો હતો. પગમાં હજુ અસર દેખાતી હતી. આજે નાનો વિહાર જ રાખ્યો. તિલવાડાથી અગત્સ્યમુનિ ૮ કિ.મી. જ હતું. અમે ચાલ્યા. મંદાકિનીને સાથે લઈને. મંદાકિનીની ધવલધારા આગળ રૂદ્રપ્રયાગમાં જઈ અલકનંદાને મળી જાય છે. અલકનંદા આગળ દેવપ્રયાગ જઈને ગંગાને ભેટે છે. આ મંદાકિની પણ ગંગા જેવી જ શ્ર્વેતાકાંતિને ધારણ કરતી આગળ વહી રહી છે. ગંગાની સુંદરતા પામવા માટે હજુ એને ઘણું આગળ વધવું પડશે.
રસ્તો સારો છે. ટ્રાફિક વધી ગયું છે. આખા રસ્તે ભૂસ્ખલનની સૂચનાના બોર્ડ લગાવેલાં છે. રોડ પહોળો કરવા કામકાજ ચાલુ છે. અમે ૯ વાગ્યા સુધી તો અગત્સ્યમુનિ પહોંચી ગયા. અહીં એક મંદિર અને આશ્રમ પણ છે. આ આશ્રમમાં જ આજે અમારો ઉતારો થયો.
વ્યવસ્થાપકે તરત જ વ્યવસ્થા કરી આપી. કહેવાય છે કે દેવ-દાનવનું યુદ્ધ થયું ત્યારે, રાક્ષસો બધા સમુદ્રમાં છુપાઈ ગયું. બધા દેવો અગત્સ્ય ઋષિને વિનંતી કરી કંઈ કરવા માટે, ત્યારે અગસ્ત્ય ઋષિ આખો સમુદ્ર પી ગયા. દેવો જીત્યા.
હિન્દુ સંસ્કૃતિમાં અગત્સ્યઋષિનું આગવું સ્થાન છે. અગત્સ્ય ઋષિનું આખું ચરિત્ર વાંચવા જેવું છે. અહીં એક જ કંપાઉન્ડમાં ૨ મંદિર છે. એક મહાદેવનું અને બીજું અગત્સ્યમુનિનું એક જમાનામાં દક્ષિણ શૈલીમાં મંદિર હતું. કારણ કે અગત્સ્ય ઋષિની જન્મભૂમિ દક્ષિણ ભારત છે. ર્જીણોદ્ધાર થયા પછી અહીં ઉત્તરાખંડની શૈલીનું મંદિર બનાવવામાં છે.
બપોરે એક વાગે તોફાની વરસાદ અનરાધાર પડવા લાગ્યો. તેેમાં’ય બરફ સાથે. નાના બોરની સાઈઝનાં ‘કરા’ ખૂબ પડ્યા. થોડીવારમાં તો જલપ્રલય થઈ ગયો. ઘણા ઝાડ પડી ગયા હશે. ઘણાં છાપરાં ઊડી ગયાં હશે. હિમાલયમાં આવી જ રીતે વરસાદ આવે છે. સતત પાંચ વાગ્યા સુધી રમઝટ ચાલુ રહી. વરસાદ બંધ થયા પછી સાંજે અમે ૬ કિ.મી. વિહાર કરી ચંદ્રાપુર ગયા, રસ્તામાં ઝરણાઓની વસ્તી વધી ગઈ હતી. નદીનું પાણી વધારે મેલું થયું હતું. નદી વધુ ઝડપથી દોડતી હતી. જ્યાં ત્યાં ગાર્ડમેન ઊભા રહી ગયા હતા. વાહન વ્યવહાર તો નહિવત્ થઈ ગયો હતો. આકાશમાં સફેદ વાદળનો કોઈ પાર નહિ. ચારે તરફ પર્વતો પર સફેદ પૂલી જેવાં વાદળોના ગોટે ગોટા આકાશ તરફ વધી રહ્યા હતા. એકદમ લીલુુંછમ આકાશ નીચે સફેદઝગ વાદળા અને એમાં પરોવાયેલા કાળાડિબાંગ પર્વતશિખરો સફર કરાવવા માટે સક્ષમ હતા. દૂર દૂર સુધી ઝરણાઓ દેખાઈ રહ્યાં છે, આજનો રાત્રિ વિશ્રામ પણ મંદાકિનીના કિનારે છે.
ભૈંસારી (ગુપ્તકાશી)
જેઠ વદ ૭, બુધવાર તા. ૬.૬.૨૦૧૮
અમે આગળ વધ્યા આજે ૧૨-૧૫ કિ.મી. જેટલું ચાલવાનો વિચાર હતો. અહીંથી ૧૦ કિ.મી. દૂર કુંડ ગામ હતું અને ૧૯ કિ.મી. ગુપ્તકાશી. અમે હજુ તો ૪-૫ કિ.મી. ચાલ્યા ત્યાં તો વાહનોની લાંબી લાઈન લાગેલી જોઈ. કોઈ ગાડી આવે નહીં કોઈ જાય નહીં. કોઈને પૂછ્યું. બધા કેમ ઊભા છે? કેટલાકે કહ્યું ‘ખબર નથી’ આગળ ગાડી ચાલે નહિ તો પાછળ વળી કેવી રીતે જાય. થોડાક આગળ ચાલ્યા ત્યાં વાસ્તવિકતા ખબર પડી ગઈ. રોડ ઉપર એક સ્થાને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular