ફ્લાઇટમાં અશોભનીય વર્તન કરવાના કિસ્સા આજકાલ વધતા જઇ રહ્યા છે. આવો જ એક કિસ્સો એર ઇન્ડિયાની લંડનથી મુંબઇ આવતી ફ્લાઇટમાં નોંધાયો છે. એર ઈન્ડિયાની લંડન મુંબઈ ફ્લાઈટમાં એક મુસાફર બાથરૂમમાં સિગારેટ પી રહ્યો હતો, જેનો ક્રૂ મેમ્બરે વિરોધ કર્યો હતો. પોતાની વર્તણૂંક પર ખેદ વ્યક્ત કરવાને બદલે તેણે અન્ય મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેણે ક્રૂ મેમ્બરને ધમકી પણ આપી હતી કે તેની પાસે બંદૂક પણ છે. જોકે તલાશી દરમિયાન તેની પાસેથી કોઇ બંદૂક મળી આવી નથી.
આરોપી મુસાફરની ઓળખ રમાકાંત (37) તરીકે થઈ છે. આરોપી અમેરિકન નાગરિક છે. આરોપી વિરુદ્ધ મુંબઈના સહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે આરોપીની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ નશાની હાલતમાં આવું કૃત્ય કર્યું છે કે પછી તેનું માનસિક સંતુલન બરાબર નથી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ક્રૂ મેમ્બરે પોલીસને જણાવ્યું હતું કે આરોપી ઘણો જ ગુસ્સામાં હતો અને તેણે ફ્લાઇટનો દરવાજો પણ ખોલવાની કોશિશ કરી હતી. ભારે જહેમતથી એને શાંત પાડવામાં આવ્યો હતો.
આ પહેલા ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ આવો જ કિસ્સો નોંધાયો હતો, જેમાં ફ્લાઇટની અંદર સિગરેટ પીતી છોકરી સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.