મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મળી આગામી ચૂંટણી પણ જીતીશું: શિંદે

દેશ વિદેશ

ફડણવીસ સાથે રાષ્ટ્રપતિને મળ્યા

નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની સરકાર મુદત પૂરી કરનાર હોવાનો અને ભાજપની સાથે મળીને વિધાનસભાની આગામી ચૂંટણી પણ જીતવાનો આત્મવિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જોડે સહિયારી પત્રકાર પરિષદને સંબોધતાં એકનાથ શિંદેએ રાજ્યના પ્રધાનમંડળના વિસ્તારનો નિર્ણય આવતા અઠવાડિયે મુંબઈમાં લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
પત્રકાર પરિષદમાં શિંદેએ ઉદ્ધવ ઠાકરેની મહારાષ્ટ્ર વિધાનસભાની વચગાળાની ચૂંટણીની માગણીને બિનજરૂરી અને વજૂદ વગરની ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર મજબૂત છે. ૨૮૮ સભ્યોના ગૃહમાં અમારા ૧૬૪ સભ્યો અને વિરોધ પક્ષોના ૯૯ સભ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાનનો હોદ્દો મળવાને કારણે ભાજપના કાર્યકરો નારાજ હોવાના એક પત્રકારના ઉલ્લેખના સંદર્ભમાં ફડણવીસે જણાવ્યું હતું કે હકીકતમાં ભાજપના કાર્યકરો વર્ષ ૨૦૧૯માં કરવામાં આવેલો અન્યાય દૂર કરીને પરિસ્થિતિમાં સુધારાથી ખુશ થયા છે. મહાવિકાસ આઘાડીની સરકારને ઉથલાવીને સ્વાભાવિક સહયોગી પક્ષો ભાજપ અને શિવસેનાની સરકાર મહારાષ્ટ્રમાં રચાઈ, તેનાથી મારા પક્ષના કાર્યકરો અને નેતાઓ ખુશ છે. હવે સરકારને સફળ બનાવવાની દિશામાં અમે કામ કરીશું, એ સ્પષ્ટ છે.
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે પાટનગર દિલ્હી પહોંચ્યા હતા. શનિવારે તેઓ દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ તથા ભારતીય જનતા પક્ષના પ્રમુખ જે.પી. નડ્ડાને મળ્યા હતા. અગાઉ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. એ મુલાકાતમાં રાજ્યમાં સત્તાની વહેંચણીની સમજૂતી નિર્ધારિત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.