સાત દાયકા અગાઉ એક ફિલ્મ પ્રોડ્યુસરે ઊંચા ગજાના ગાયક મન્ના ડેને એક ગીતનું રેકોર્ડિંગ કરતાં અટકાવ્યા એ પછી…

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા સમય અગાઉ એક યુવાને મને કહ્યું કે “હું ટેલેન્ટેડ છું છતાં મને મારા બોસે અન્યાય કર્યો અને મારા બદલે બીજા કોઈને પ્રમોશન આપી દીધું. તે માણસમાં મારા કરતા ઓછી ટેલેન્ટ હોવા છતાં તેને એ પોસ્ટ મળી અને
મને દુ:ખ થયું.
તે યુવાને પોતાનો આક્રોશ ઠાલવ્યો અને પછી કહ્યું કે “મને અન્યાય કર્યા પછી એક દિવસ મારા બોસે મને કોઈ એક્સ્ટ્રા કામ સોંપ્યું તો મેં એ કામ કરવાની ના પાડી દીધી. હું સીધી રીતે તો એમને ના પાડી શકું એમ નહોતો એટલે મેં કહ્યું કે હું બીમાર છું એમ કહીને રજા પર ઊતરી ગયો અને એ રીતે મેં એ કામ કર્યું નહીં. મારા બોસનેય ખબર પડવી જોઈએ કે મારે બદલે બીજા કોઈને પ્રમોશન આપીને ભૂલ કરી છે.
તેની એ વાત સાંભળીને મને વિખ્યાત ગાયક મન્ના ડેના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો.
૧૯૫૬માં રાજકપૂર, નરગિસ અને પ્રાણ અભિનીત એક ફિલ્મ આવી હતી : ‘ચોરી ચોરી’. એ ફિલ્મ માટે સંગીતકાર શંકર-જયકિસને લતા મંગેશકર, મહોમ્મદ રફી અને મન્ના ડેને સાઈન કર્યા હતા. એ સમયમાં રાજકપૂરના મોટાભાગના ગીતો મુકેશ જ ગાતા હતા અને મુકેશનું નામ મન્ના ડે કરતા મોટું હતું, પરંતુ એ સમયમાં મુકેશજીના મનમાં હીરો બનવાની ઈચ્છા જાગી હતી એટલે તેમણે ગાયનના બદલે અભિનય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. (જોકે તેઓ સફળ અભિનેતા ન બની શક્યા એ જુદી વાત છે, પરંતુ એ સમયમાં તેમના મનમાં અભિનેતા બનવાની તીવ્ર ઝંખના જાગી હતી.)
એ ફિલ્મ માટે મુહમ્મદ રફીનું ‘લોટરી સવા લાખ કી…’ ફિલ્મનું ગીત રેકોર્ડ થઈ ગયું એ પછી મન્ના ડે અને લતા મંગેશકર સાથે એક ગીત રેકોર્ડ કરવા માટે રેકોર્ડિંગ સ્ટુડિયો બુક કરાયો હતો. મન્ના ડે નિશ્ર્ચિત દિવસે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પહોંચી ગયા પણ એ ફિલ્મના પ્રોડ્યુસર એલ.બી. લછમને ખબર પડી કે શંકર-જયકિસને લતા મંગેશકર સાથે એ ગીત ગાવા માટે મન્ના ડેને કરારબદ્ધ કર્યા છે અને મન્ના ડે આજે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એ ગીત ગાવાના છે. એટલે પ્રોડ્યુસર રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પહોંચી ગયા અને તેમણે એ ગીતનું રેકોર્ડિંગ અટકાવી દીધું.
સ્વાભાવિક રીતે કોઈપણ ગાયક માટે એ વાત અપમાનજનક ગણાય. જોકે મન્ના ડે ત્યારે કોઈ દલીલો કર્યા વિના રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી બહાર નીકળી ગયા.
એ પછી રાજકપૂરને એ વિશે ખબર પડી એટલે રાજકપૂરે પ્રોડ્યુસરની સાથે વાત કરી અને તેમને મનાવ્યા કે મન્ના ડેનો અવાજ આ ગીત માટે એકદમ બરાબર રહેશે. એ અગાઉ રાજકપૂરની ફિલ્મ માટે મન્ના ડે ગીતો ગાઈ ચૂક્યા હતા. ‘શ્રી-૪૨૦’ ફિલ્મ એ અગાઉ આવી ચૂકી હતી જેમાં લતા મંગેશકર અને મન્ના ડેએ નરગિસ અને રાજકપૂર માટે ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ…’ ગીત ગાયું હતું જે સુપરહિટ સાબિત થયું હતું.
પ્રોડ્યુસરને મનાવ્યા પછી રાજકપૂરે મન્ના ડેને વિનંતી કરી કે “જે થયું છે એ ખોટું થયું છે, પણ પ્લીઝ આ ગીત તમે જ ગાઓ.
પ્રોડ્યુસરે કરેલું અપમાન ભૂલીને, મોટું મન રાખીને, મન્ના ડેએ એ ગીત ગાયું. એ ગીત હતું ‘યે રાત ભીગી ભીગી યે મસ્ત હવાએં…’
એ ફિલ્મ રિલીઝ થઈ પછી એ ગીત સુપરહિટ સાબિત થયું હતું. અને એ સિવાય પણ એ ફિલ્મના બે ગીતો મન્ના ડેએ લતા મંગેશકર સાથે ગાયા હતા એ ગીતો પણ અકલ્પ્ય રીતે લોકપ્રિય બન્યા હતા. એ ગીતો હતાં: ‘જહાં મૈ જાતી હું વહાં ચલે આતે હો, યે તો બતાઓ કે તુમ મેરે કૌન હો…’ અને બીજું ગીત હતું ‘આ જા સનમ મધુર ચાંદની મેં હમ તુમ…’ એ ફિલ્મ માટે મન્ના ડેએ લતા મંગેશકર સાથે ગાયેલા એ ત્રણેય ગીતો અત્યંત લોકપ્રિય બન્યા હતા.
મન્ના ડેને જે ગીત ગાતા પ્રોડ્યુસરે અટકાવ્યા હતા એ ‘યે રાત ભીગી ભીગી … ’તો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ સફળ અને યાદગાર ગીતોમાં સ્થાન પામે છે. મન્ના ડે એ વખતે પોતાનો ગુસ્સો ઠાલવી શક્યા હોત અને એ ગીત ગાવાની અને બીજા ગીતો ગાવાની પણ ના પાડી શક્યા હોત, પરંતુ તેમણે મોટું મન રાખીને – રાજ કપૂરની વિનંતીને માન આપીને ‘યે રાત ભીગી ભીગી…’ અને બીજાં બે ગીતો ગાયાં. એ ફિલ્મ ૧૯૩૪માં આવેલી હોલીવૂડની ફિલ્મ ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ પરથી બની હતી અને નરગિસની રાજકપૂર સાથેની એ છેલ્લી ફિલ્મ હતી (એ પછી તેમણે ‘જાગતે રહો’ફિલ્મ કેમિયો કર્યો હતો).
સાર એ છે કે કોઈ આપણી પ્રતિભાની, ટેલેન્ટની અવગણના કરે કે આપણા બદલે બીજા કોઈને આગળ કરે ત્યારે આપણે વિચલિત થવાને બદલે આપણું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરવી જોઈએ.

Google search engine