માનસ મંથન -મોરારિબાપુ
હું તિબેટના સંતોની કથાઓ વાંચતો હતો. તિબેટના સંતોની આ કથા છે. સંત મારપાની વાર્તા મેં અગાઉ તમને કરી છે. આ કથા તિબેટના સંત સરહપાની છે. એક વખત એવું બન્યું કે એક માણસ કોઈ પણ ભૂલથી માખી ગળી ગયો. બગાસું ખાવા ગયો હશે કે અન્ય કોઈ ભૂલ થઇ પણ તેને એમ થયું કે તે માખી ગળી ગયો છે. બસ, પછી તો તેને એક બીમારી શરૂ થઇ ગઈ કે તેના પેટમાં માખી જીવે છે. પત્નીને કહેવા લાગ્યો કે મારા પેટમાં માખી ફરે છે! ગુનગુન કર્યા કરે છે. જો, જો, હવે પેટમાંથી મોઢાં બાજુએ આવી. જો, હવે પગમાં ગઈ… આવું તેને થવા લાગ્યું. પત્નીએ પતિને ઘણું સમજાવ્યો કે કદાચ તમે માખી ગળી ગયા હો તો પણ હવે તે જીવિત ન હોય. મરી જ ગઈ હશે. પરંતુ પેલો તો પત્નીની વાત માને જ નહીં ને! સતત બસ, માખી અહીં છે ને ત્યાં છે એવી એક જ વાત કરતો રહે. કંઈક કામ કરતો હોય ત્યાં તો રાડ પાડે કે જો, જો માખી મગજમાં આવી, હવે કાનમાં ગુનગુન કરે છે! પત્ની બિચારી દુ:ખી દુ:ખી થઇ ગઈ. થોડીવાર શાંત રહે અને પાછો અચાનક કહે કે જો, મારા પેટમાં માખીએ સુરંગ બનાવી છે. આખા શરીરમાં ફરે છે. નાકમાં જાય છે, પેટમાંથી હાથમાં જાય છે અને ક્યારેક તો મગજમાં ફરે છે! આમ કરતાં કરતાં તેની આ ફરિયાદો તો વધતી ચાલી. થાકેલી પત્નીએ કંઈક કેટલા વૈદ અને હકીમોને બતાવ્યું પણ કોઈ તેનો ઉપચાર ન કરી શક્યા. બધાએ તેને સમજાવ્યો કે ભાઈ, આમ માખી શરીરમાં ન ફરી શકે, તે મરી જ ગઈ હોય. પણ આ તો કોઈનું માને તો ને ! કહે તમે બધા ખોટા વૈદો છો, ના સમજ છો. તમને લોકોને કંઈ આવડતું જ નથી. તમારી વિદ્યા નકામી છે, એક માખી કાઢી નથી શકતા તમે? આવું કહેતો રહે. પત્ની તો ખૂબ મુંઝાઈ કે હવે શું કરવું! એટલામાં એક દિવસ તેને તિબેટથી આવેલા સંતના સમાચાર મળ્યા. તેમની ખ્યાતિ ખૂબ ફેલાયેલી હતી. પેલી બહેને વિચાર્યું કે હવે મારા પતિને કોઈ સંત જ સાજો કરી શકશે.
લઈ ને ગઈ સંત પાસે. કહ્યું કે બાપજી, તમે અમારું આ કષ્ટ મિટાવો. સંતે કહ્યું કે મને જણાવ તારી શી ફરિયાદ છે? એટલે પેલી સ્ત્રીએ આખી વાત કરી. જે જે બન્યું હતું તે વિશે માંડીને વાત કરી અને રોઈ પડી કે બાપજી, મહેરબાની કરીને મારી આ પીડાનું નિરાકરણ કરો. મહાત્માએ વિચાર્યું કે મારી પાસે અનેક પ્રશ્ર્નો આવ્યા છે, પરંતુ આવો કેસ પહેલી વાર આવ્યો છે! પણ સાધુ તરફ શ્રદ્ધા લઈ આવી છે એટલે તેની સમસ્યાનું નિરાકરણ તો કરવું જ પડશે. મહાત્માએ પેલાની પત્નીને ઇશારાથી સમજવી દીધું કે કહે હું જે કરું તે તું જોયા કરજે અને તેમાં તું સહકાર આપજે, વચ્ચે કશું બોલતી નહીં.
મહાત્માએ પેલા માણસના ખભા પર હાથ મૂક્યો, પૂછ્યું કે અહીં માખી છે? મને લાગે છે કે માખી અહીં ગુનગુને છે, બરાબર? પેલો કહે હા. એ તો ખુશ થઇ ગયો, પહેલીવાર કોઈને મારો રોગ સમજાયો છે. કહે બાપજી, તમે સાચા છો, બાકી બધા ડોકટરો ખોટા છે. આમ કરતાં કરતાં મહાત્માએ તેને એક ટેબલ પર સુવડાવ્યો અને તેના મો પર એક કપડું ઢાંકી દીધું. કહે તું જરા સ્થિર રહેજે, જરા પણ હાલતો નહીં. આપણે માખી કાઢી લેવી છે. તારે શાંત રહેવું પડશે. મહાત્માએ તેની પત્નીને ઇશારાથી સમજાવ્યું કે ક્યાંકથી એક જીવતી માખી પકડી લાવ. તેને એક શિશીમાં થોડી હવા હોય તેમ પૂરીને લઈ આવ! પત્નીએ મહામેહનતે ક્યાંકથી માખી પકડી અને લઈ આવી મહાત્મા પાસે.
પેલો માણસ તો ટેબલ પર સૂતો છે. તેના મોઢા પર કપડું ઢાંકેલું છે એટલે તેને કાંઈ દેખાતું નથી. મહાત્માએ ધીમે ધીમે તેના પેટ પર અને છાતી પર હાથ ફેરવ્યો ને કહ્યું કે હવે મોઢું ખોલ. હમણાં માખી બહાર નીકળી જશે. પેલા માણસે મોઢું ખોલ્યું એટલે મહાત્માએ શીશીમાં પૂરેલી માખી બતાવી! જો, આપણે માખીને પકડી પાડી છે અને તારા પેટમાંથી બહાર કાઢી નાખી છે. લે આ તારી માખી. પેલો તો રાજી-રાજી થઈ ગયો, પગે પડી ગયો કે બાપજી તમે જ ઈશ્ર્વર છો.
મારા ભાઈ-બહેનો, જે ખોટી માખી છે એને તમે કેમ પકડી શકો? આપણે ભ્રમમાં જીવતાં હોઈએ છીએ. સાધુ-સંતોને બહુ બ્રહ્મના પ્રશ્નો પૂછવાની જરૂર નથી, ઊલટું એમ પૂછવું જોઈએ કે અમારો ભ્રમ કેવી રીતે જાય? આપણામાં કર્મની કુશળતા નથી, જ્ઞાનયોગ પણ નથી, જ્ઞાન હોય તો પણ અખંડ રહેતું નથી કારણ કે આપણું જ્ઞાન નગદ નથી ઉધાર છે. ચાળણીના પાણીની માફક ક્યારે ઉતરી જાય તે કહેવાય નહીં. સુરજ નિયમમાં ઉગે છે, પણ એ આપણો નથી. એની આશા કરવી પડે છે એટલે એ અસ્ત પામે છે. જેને અંદરનો સુરજ ઉગેતો હોય તેને કોઈ અસ્ત, કોઈ રાહુ ન ગળી શકે. એણે શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષના દ્વંદ્વથી મુક્તિ મળે છે. જેને અંત:કારણમાં જ્ઞાનોદય થયો છે, જેને આત્મ જ્યોતિ જગાવી છે. આપણે વારંવાર અંધકારમાં ભટકી જઈએ છીએ. તેથી જ્યારે પોતાનો દીપ પ્રગટશે ત્યારે અંધકારનો નાશ થશે. ભ્રમની ખોટી માખીને પકડવા અંદરનો પ્રકાશ પર્યાપ્ત છે. મૂળમાં તો વેદાંતની જ વાત વાર્તામાં કરવામાં આવી છે કે જયારે પોતાનો દીપ પ્રગટશે ત્યારે અંધકારનો નાશ થશે. દેશકાળ પ્રમાણે, ભૂગોળની ગતિ અને ગ્રહોની ગતિ પ્રમાણે કયારેક ક્યાંક છ કલાક પ્રકાશશે, ક્યાંક ચાર કલાક. જેવો ગ્રહ મંડળનો નિયમ એવો સૂર્ય પ્રકાશ આપે. અને પછી પાછો અંધકાર આવશે. તિબેટના સંત કહે છે કે, તમારા જીવનમાં, હૃદયમાં જયારે સ્વયં જ્ઞાનજ્યોત આવશે અને દીપ રેખા અલોલ રહેશે, ત્યારે એ જ્ઞાનદીપનો સૂર્યાસ્ત કે સૂર્યોદયનો પ્રશ્ન નહીં રહે. અને પછી અંધકાર સદાને માટે નષ્ટ થઈ જશે. એક પત્થર જેટલો મોટો હોય તેટલી તેને તોડવામાં વાર લાગે. વસ્તુ જેટલી નક્કર એટલી તેને તોડવામાં વાર લાગે. પરંતુ અંધકાર હકીકત નથી એટલે એને તોડવામાં વાર નથી લાગતી. એક કરોડ વર્ષનો અંધકાર હોય પણ એક દીવાસળી સળગાવો તો એમ નહીં કહે કે હું એક કરોડ વર્ષોથી અહીં છું એટલે નહીં હટું!
(સંકલન : જયદેવ માંકડ)