બીબીસી પરના દરોડાનો કૉંગ્રેસે વિરોધ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, મોદી સરકારે તો દરોડા જ પાડ્યા જ્યારે કૉંગ્રેસ સરકારે તો બીબીસી પર પ્રતિબંધ મૂકી દીધેલો. એ વખતે ભારતને બદનામી કરવાનો બીબીસીને કોઈ અધિકાર નથી એવું વલણ અપનાવીને સંસ્થા કૉંગ્રેસના મોરારજી દેસાઈ, જનસંઘના અટલ બિહારી વાજપેયી ઈન્દિરાને પડખે ઊભા રહી ગયેલા…
કવર સ્ટોરી -વિજય વ્યાસ
ભારતના ઈતિહાસના એક ઓછા જાણીતા પ્રકરણની વાત…
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ની દિલ્હી અને મુંબઈની ઑફિસો પર આવકવેરાના દરોડા પડ્યા તેમાં તો રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. દરોડાના મુદ્દે ભાજપ અને કૉંગ્રેસ સામસામે આવી ગયાં છે. કૉંગ્રેસે આક્ષેપ મૂક્યો કે, ભારતમાં જાહેર થયા વિનાની કટોકટી છે અને મીડિયાની સ્વતંત્રતા જોખમમાં છે. ભાજપે વળતો પ્રહાર કરીને બીબીસીને સૌથી ભ્રષ્ટ અને બકવાસ કંપની ગણાવીને લટકામાં ઉમેર્યું કે, બીબીસી કૉંગ્રેસના એજન્ડા પ્રમાણે કામ કરી રહી છે.
કૉંગ્રેસ બીબીસીનો બચાવ કરે અને બીબીસી સામેની કાર્યવાહી બદલ મોદી સરકારની ટીકા કરે છે એ સાંભળીને આશ્ર્ચર્ય થાય છે. બીબીસી પર આવકવેરાના દરોડા પડ્યા તેના કારણે ભારતમાં અઘોષિત કટોકટી છે અને મીડિયાની સ્વતંત્રતા જોખમમાં છે એવું કૉંગ્રેસનું વલણ તો આઘાતજનક છે કેમ કે ભાજપના શાસનમાં તો બીબીસી પર આવકવેરાના દરોડા જ પડ્યા છે જ્યારે કૉંગ્રેસ શાસનમાં તો બીબીસી પર ભારતમાં પ્રતિબંધ જ મૂકી દેવાયેલો. આ પ્રતિબંધ પણ એક-બે દિવસ કે એક-બે મહિના માટે નહીં પણ પૂરા બે વરસ માટે હતો.
કૉંગ્રેસ બીબીસીની ઈન્ડિયા: ‘ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટરીના કારણે ખાર રાખીને બીબીસી પર આવકવેરાના દરોડા પડાયા એવો દાવો કરે છે પણ ટેકનિકલી આ દાવો ખોટો છે. આવકવેરા વિભાગે સત્તાવાર રીતે કરેલી જાહેરાત પ્રમાણે ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બીબીસીને ત્યાં સર્વે કરવાની ફરજ પડી છે. બીબીસીને ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસો અપાઈ હતી ને વારંવાર ખુલાસો કરવા તાકીદ પણ કરાઈ હતી પણ બીબીસી આ નોટિસોને ઘોળીને પી ગઈ હતી તેથી છેલ્લા ઉપાય તરીકે આવકવેરા વિભાગે સર્વે કરવો પડ્યો.
ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે મુકાયેલા પ્રતિબંધ માટે તો દેખાવ ખાતર પણ આવું કોઈ કારણ નહોતું અપાયું. બીબીસીએ બતાવેલી બે ડોક્યુમેન્ટરીમાં ભારતનું ખરાબ ચિત્રણ કરાયું છે એવી ફરિયાદ મળી તેના આધારે જ ઈન્દિરાએ બીબીસીને ખંભાતી તાળું લગાવડાવીને પ્રસારણ બંધ કરાવી દીધું હતું. ઈન્દિરા સાવ સાચાં હતાં કેમ કે કોઈને પણ ભારતનું ખરાબ ચિત્રણ કરવાનો અધિકાર નથી જ.
મોદી સરકાર પણ બીબીસીની ઈન્ડિયા: ‘ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવામાં સાચી જ છે. બીબીસીએ ભારતમાં મુસ્લિમોની હાલત ખરાબ છે અને ધાર્મિક અસહિષ્ણુતા વધી રહી છે એવું જૂઠાણું ચલાવ્યું છતાં તેની સામે આપણે કંઈ ના કરી શકીએ એ બાયલાગીરી કહેવાય. મોદી સરકારે સજ્જન બનવાના બદલે પ્રતિબંધ મૂકીને સારું જ કર્યું. મોદી એ રીતે ઈન્દિરાના રસ્તે જ ચાલ્યા છે પણ કૉંગ્રેસની માનસિકતા અમે કરીએ એ લીલાને બીજાં કરે એ છિનાળું એવી છે તેથી દેકારો મચાવી દીધો હતો. હવે આવકવેરાના સર્વેને પણ આ મુદ્દા સાથે જોડીને હોહા કરી મૂકી છે.
કૉંગ્રેસીઓનાં આ બેવડાં ધોરણોને સમજવા જરૂરી છે તેથી ઈન્દિરાએ બીબીસી પર કેમ પ્રતિબંધ મૂકેલો એ જાણવું પણ જરૂરી છે. ઈન્દિરાના સમયમાં બીબીસી પર પ્રતિબંધ મુકાયો તેના મૂળમાં ફ્રેન્ચ સર્જકે કોલકાત્તા પર બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી. જાણીતા ફ્રેન્ચ સર્જક લૂઈ માલેએ કલકત્તાના વર્કિંગ ક્લાસની જિંદગી બતાવવાના બહાને કોલકાત્તાની ગરીબી પર ડોક્યુમેન્ટરી બનાવીને બીબીસી પર રિલીઝ કરેલી.
બ્રિટનમાં રહેતા ભારતીયોને ડોક્યુમેન્ટરી જોઈને લાગી આવ્યું તેથી લંડનમાં
ભારતીય હાઈ કમિશનને ફરિયાદ કરી. હાઈ કમિશને બ્રિટનના વિદેશ મંત્રાલયને ફરિયાદ કરીને ડોક્યુમેન્ટરી બંધ કરાવવા કહ્યું કે જેથી બ્રિટનમાં ભારત વિશે ગેરસમજ ના ફેલાય. એ વખતે અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે કોલ્ડ વોર ચાલતી. બ્રિટન અમેરિકાનું પીઠ્ઠુ હતું જ્યારે ભારત રશિયાતરફી ગણાતું તેથી બ્રિટને ભારતના વાંધાને ના ગણકાર્યો.
લંડનના ભારતીય હાઈ કમિશને ઈન્દિરા ગાંધી સરકારને આ વાતની જાણ કરી. ઈન્દિરા ગાંધી દબંગ હતાં ને કોઈનાથી ગાંજ્યાં નહોતાં જતાં. તેમણે તરત જ બીબીસીની દિલ્હી ઑફિસને તાળાં મારી દેવા ફરમાન કરી દીધું. માર્ક તુલી ભારતમાં બીબીસીના બ્યુરો ચીફ હતા જ્યારે રોની રોબસન કોરસપોન્ડન્ટ હતા. ઈન્દિરા ગાંધી સરકારે ૨૯ ઑગસ્ટ, ૧૯૭૦ના રોજ તુલી અને રોબસનને ફરમાન કર્યું કે, બીબીબીની ઑફિસ ૧૫ દિવસમાં બંધ કરીને ઘરભેગા થઈ જાઓ.
જાણવા જેવી વાત એ છે કે, તમામ વિપક્ષોએ ઈન્દિરાના આ નિર્ણયને બિરદાવીને ટેકો આપ્યો હતો જ્યારે પ્રિન્ટ મીડિયા એટલે કે અખબારો પ્રતિબંધની વિરૂદ્ધ હતી. તેમણે આ નિર્ણયને સેન્સરશિપ સાથે સરખાવીને મીડિયાની સ્વતંત્રતા પર તરાપ ગણાવીને ટીકા કરી હતી. બીજી તરફ ભારતની બદનામી કરવાનો બીબીસીને કોઈ અધિકાર નથી એવું વલણ અપનાવીને સંસ્થા કૉંગ્રેસના મોરારજી દેસાઈ, જનસંઘના અટલ બિહારી વાજપેયી ઈન્દિરાને પડખે ઊભા રહી ગયેલા. હાલના કૉંગ્રેસીઓમાં એ ખેલદિલી નથી તેથી વિદેશી તાકાત સામે દેશ એક છે એવું બતાવવાના બદલે મોદી સરકારની ટીકા કરે છે.
ઈન્દિરા ભારાડી હતાં તેથી અખબારોના વિરોધને ઘોળીને પી ગયેલાં. બીબીસીએ જાત જાતનાં ત્રાગાં કરીને પ્રતિબંધ ઉઠાવવા ફાંફાં મારી જોયેલાં પણ ઈન્દિરાએ ભાવ જ નહોતો આપ્યો. ઈન્દિરાએ મુત્સદીપણું વાપરીને બીબીસીનું નાક દબાવીને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બાંગ્લાદેશના સર્જનની તરફદારી કરવાની ફરજ પાડી હતી. બીબીસી રેડિયોને ભારતના લાકો શ્રોતા ગુમાવવા નહોતા તેથી ઈન્દિરા સામે શરણાગતિ સ્વીકારી પછી છેવટે ૧૯૭૧ના અંતમાં બીબીસી પરનો પ્રતિબંધ હટેલો.
ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે પણ બીબીસી ભારત વિરોધી સમાચારો ચલાવીને ભારતની ઈમેજ બગાડે છે એવા આક્ષેપ કરીને કૉંગ્રેસના ૪૧ સાંસદોએ બીબીસી પર પ્રતિબંધની માગ કરેલી. ઈન્દિરા એ વખતે અખબારોને દબાવી દેવા બદલ વગોવાયેલા જ હતાં. બીબીસી પર પ્રતિબંધ મૂકીને ઈન્કિરા નવું શૂળ ઊભું કરવા નહોતાં માગતાં તેથી પ્રતિબંધ નહોતો મુકાયો પણ બીબીસીને દબાવવા દરોડા પડાયા હતા.
કૉંગ્રેસીઓને પોતાનો જ ઈતિહાસ યાદ નથી એ કમનસીબી કહેવાય. બીબીસીની તરફદારી કરવા બદલ કૉંગ્રેસની મજાક ઊડી રહી છે. કૉંગ્રેસે પોતાનો ઈતિહાસ વાંચ્યો હોત તો હાંસીને પાત્ર ના ઠરી હોત.
————–
સેન્ટો પેક્ટના કારણે બીબીસી પાકિસ્તાન તરફી ને ભારતવિરોધી
બીબીસી ખાનગી કંપની તરીકે સ્થપાયેલી પણ પછી બ્રિટિશ સરકારે તેને પોતાના તાબા હેઠળ લઈ લીધી. ભાજપ અત્યારે બીબીસીને ભ્રષ્ટ અને ભારત વિરોધી સંગઠન ગણાવે છે તેની સામે ઘણાંને વાંધો છે પણ વાસ્તવમાં આ આક્ષેપો વરસોથી થાય છે. તેનું કારણ એ છે કે, બીબીસીએ ઘણા મુદ્દે હળાહળ ભારત વિરોધી વલણ લીધું છે. બીબીસીના ભારત વિરોધી વલણ માટે ૧૯૫૫માં થયેલા સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (સેન્ટો) કરારને જવાબદાર ગણવામાં આવે છે. સેન્ટો હેઠળ બ્રિટન, ઈરાન, ઈરાક, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે લશ્કરી સહયોગના કરાર થયા હતા. તેના કારણે બીબીસીને પાકિસ્તાન તરફ કૂણું વલણ હતું જ્યારે ભારત તરફ પૂર્વગ્રહયુક્ત વલણ હતું એવા આક્ષેપો થયા છે. બીબીસીએ મહાત્મા ગાંધી પર પણ અયોગ્ય ટિપ્પણી કરી હતી. ૧૯૬૧ના ગોઆ મુક્તિ સંગ્રામ વખતે સાહિત્યકાર ડોમ મોરાઈસે ભારતીય પાસપોર્ટ બાળ્યો તેનાં દૃશ્યો બતાવ્યાં હતાં. બીબીસીએ જરનૈલસિંહ ભિંડરાનવાલેને પણ આતંકવાદી નહીં પણ સંત ગણાવ્યો હતો ને કાશ્મીરના આતંકવાદીને કરિશ્માઈ યુવાન ગણાવ્યો હતો. ૨૦૧૧ના નિર્ભયા કેસ વખતે પણ આરોપી મુકેશની સાવ હલકી કક્ષાની ટિપ્પણીઓ બતાવી હતી. આ કારણે બીબીસી ભારત વિરોધી હોવાના આક્ષેપો થયા કરે છે.
—————-
બીબીસીએ આવકવેરાના કયા નિયમોનો ભંગ કર્યો?
આવકવેરા વિભાગે બીબીસી પર પાડેલા દરોડા મુદ્દે હોહા બહુ થઈ પણ આવકવેરા વિભાગે દરોડા કેમ પાડ્યા તેની વાત કોઈ નથી કરતું. બીબીસીએ ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે બનાવેલી ડોક્યુમેન્ટરીના કારણે આવકવેરા વિભાગ મોદી સરકારના ઈશારે બીબીસીને પરેશાન કરી રહી છે એવા આક્ષેપો બહુ થયા પણ બીબીસી ખરેખર વાંકમાં છે કે નહીં તેની ચકાસણી કોઈએ કરી નથી. બીબીસી દોષિત છે કે નહીં એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે પણ બીબીસી સામે આવકવેરાના નિયમોનો ભંગ કરવાનો મુદ્દો જૂનો છે. તેના સંદર્ભમાં જ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી.
આવકવેર વિભાગે સત્તાવાર રીતે કરેલી જાહેરાત પ્રમાણે, બીબીસીએ ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બિઝનેસની પરિભાષામાં એક પાર્ટી એટલે કે પક્ષકાર બીજી પાર્ટીને બજાર સાથે સંલગ્ન ના હોય એવી કિંમતે અન્ય પક્ષને માલ કે સેવા ટ્રાન્સફર કરે ત્યારે જે કિંમત નક્કી થાય છે તેને ટ્રાન્સફર પ્રાઈસ કહે છે. આ ટ્રાન્સફર પ્રાઈસમાં કોઈ રકમ ચૂકવાતી નથી પણ નક્કી થયેલી રકમ ખાતામાં બતાવાય છે. સામાન્ય રીતે એક જ ગ્રુપની બે કંપની કે એક જ કંપનીના બે વિભાગો આ રીતે પરસ્પર માલ કે સેવાઓની લે-વેચ કરે છે. મોટાભાગે ટેક્સ બચાવવા માટે ટ્રાન્સફર પ્રાઈસિંગ કરાય છે. ટેક્સ ઓછો હોય એ વસ્તુ કે સેવાને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
બીબીસીએ પણ આ રીતે પોતાના ગ્રુપની અન્ય કંપનીઓ સાથે વ્યવહાર કર્યા છે પણ તેના માટે અંતે થતો નફો દર્શાવ્યો નથી. આ રીતે નફામાં કરાયેલી ગરબડના કારણે બીબીસી પર સર્વે હાથ ધરવાની ફરજ પડી.